મિર્ઝા, ઇસ્માઇલ મુહમ્મદ (સર)

February, 2002

મિર્ઝા, ઇસ્માઇલ મુહમ્મદ (સર) [જ. 23 ઑક્ટોબર 1883, બૅંગ્લોર (બૅંગાલુરુ); અ. 5 જાન્યુઆરી 1959] : સ્વાધીનતા પૂર્વેના મૈસૂર રાજ્યના પ્રગતિશીલ દીવાન. તેમનું કુટુંબ ઈરાનથી આવ્યું હતું અને ઘોડા આયાત કરવાનો તેમના વડવાઓનો વ્યવસાય હતો. તેમના કુટુંબના વડા અલી અશ્કર સૈત મૈસૂરના રાજકુટુંબ અને બ્રિટિશ સરકાર સાથે વ્યાપારી સંબંધો ધરાવતા હતા. અલી અશ્કર સૈત અને મૈસૂરના મહારાજા શ્રી કૃષ્ણરાજ વાડિયાર ત્રીજા વચ્ચે મિત્રાચારીના સંબંધો વિકસ્યા હતા. મિર્ઝા ઇસ્માઇલ બગ્લોરની સેંટ પેટ્રિક્સ સ્કૂલ, વેસ્લેયન હાઈસ્કૂલ અને સેન્ટ્રલ કૉલેજમાં અભ્યાસ કરી 1905માં સ્નાતક થયા હતા. તેમણે મૈસૂર રાજ્યના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑવ્ પોલીસ તરીકે 1905માં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને 1908માં મહારાજાના મદદનીશ સચિવ, 1914માં હજૂર સચિવ અને 1923માં મહારાજાના ખાનગી સચિવ નીમવામાં આવ્યા હતા. તેમને એપ્રિલ, 1926માં મૈસૂર રાજ્યના દીવાન નીમવામાં આવ્યા હતા. મે, 1941માં તેઓ તે હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેમના દીવાનપદ દરમિયાન મૈસૂર રાજ્યના આવકના સ્રોતો વધ્યા અને રાજ્યે વિવિધલક્ષી વિકાસ સાધ્યો હતો. બ્રિટિશ સરકારને આપવામાં આવતી રૂપિયા 35 લાખની આર્થિક સહાય (subsidy) 1928માં ઘટાડીને રૂપિયા 10.5 લાખ કરવામાં આવી. સિંચાઈ માટેની વિશ્વેશ્વરૈયા નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. તે નહેર દ્વારા 22258.20 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે તેમણે કાગળ, ખાતર, સિમેન્ટ, સ્ટીલ, ઍરક્રાફ્ટ, વીજળીના બલ્બ, ખાંડ વગેરેના ઉદ્યોગો શરૂ કરવા તથા વિકસાવવા માટે વિવિધ પ્રોત્સાહનો આપ્યાં. શિમશા ધોધ અને જોગના ધોધ પાસે બે જળવિદ્યુત-યોજનાઓ શરૂ કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ એવી ગ્રામ-વીજળીકરણની યોજના મૈસૂર રાજ્યમાં શરૂ થઈ. લોકોની સુખાકારી અને આનંદપ્રમોદ વાસ્તે તેમણે બગીચા અને જાહેર ફુવારા બનાવવાના કાર્યને પ્રોત્સાહન આપ્યું. મૈસૂરમાં પ્રસિદ્ધ વૃંદાવન ગાર્ડન્સ બનાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. પાણી-પુરવઠો, સ્વચ્છ માર્ગો, બસસ્ટૅન્ડ, વિશ્રાંતિગૃહો વગેરે સુવિધાઓ તેમણે શહેરો–નગરો તથા ગામોમાં પૂરી પાડી હતી. ગામોની સુધારણા કરી વિવિધ સગવડો પૂરી પાડવા માટે તેમણે દાનવીરોને સમજાવ્યા હતા. લંડનમાં ભરાયેલ ત્રણે ગોળમેજી પરિષદોમાં (1930–32) હાજરી આપીને તેમણે અખિલ હિંદ સમવાયતંત્ર રચવાની તરફેણ કરી હતી.

ઑગસ્ટ, 1928માં બૅંગ્લોરમાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયાં ત્યારે ધર્માંધ ટોળાંને સમજાવવામાં તેમનાં ધીરજ અને કૌશલ્યની કસોટી થઈ હતી. ગૌરક્ષાના પ્રશ્ન પર વિચારણા કરવા નિમાયેલ સમિતિએ સરકાર તથા લોકોએ ઢોરોના કલ્યાણ માટે લેવા જોઈતાં પગલાંનું સૂચન કર્યું હતું. રાજ્યમાં વસતા સર્વે લોકોના ધર્મો પ્રત્યે તેઓ સહાનુભૂતિ દર્શાવી સમાન સહાય કરતા. તેમની સર્વ સિદ્ધિઓમાં મહારાજા દ્વારા પ્રાપ્ત થતું સમર્થન ઘણું મહત્વનું હતું. મિર્ઝા નોકરીમાં જોડાયા તે પહેલાં તેઓ મિત્રો હતા. તે સંબંધ સારી રીતે ચાલ્યો હતો. રાજ્યની બધી પ્રવૃત્તિઓ અને સરકારનાં બધાં ખાતાં ઉપર તેમની દેખરેખ રહેતી હતી.

મૈસૂરના દીવાનપદેથી નિવૃત્ત થયા બાદ, 1942થી 1946 સુધી તેમણે જયપુર રાજ્યના વડાપ્રધાન તરીકે કામ કર્યું. જયપુર શહેરમાં તેમણે નોંધપાત્ર સુધારા કર્યા. તેમણે શાળા-કૉલેજો સ્થાપવામાં તથા રાજસ્થાન યુનિવર્સિટીની ભૂમિકા તૈયાર કરવામાં વિશેષ રસ દાખવ્યો. તેમના સૂચન મુજબ જયપુર રાજ્યમાં 1 જાન્યુઆરી, 1944થી બંધારણીય સુધારાનો અમલ શરૂ કરવામાં આવ્યો.

નિઝામની વિનંતી સ્વીકારીને ઑગસ્ટ, 1946માં તેઓ હૈદરાબાદ રાજ્યના વડાપ્રધાન બન્યા; પરંતુ ત્યાંના મુસ્લિમોનું એક જૂથ દરેક બાબતમાં તેમનો વિરોધ કરતું હોવાથી મે, 1947માં મિર્ઝાએ રાજીનામું આપી દીધું. તેઓ ભારતનું વિભાજન કરવાના વિરોધી હતા. મુસ્લિમ લીગમાં જોડાવાનાં અનેક નિમંત્રણોનો તેમણે અસ્વીકાર કર્યો હતો. બાંડુંગમાં 1937માં ભરાયેલ ગ્રામ-આરોગ્ય વિશેના દૂર-પૂર્વના દેશોની પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે તેમણે હાજરી આપી હતી. તે પછી સંયુક્ત રાષ્ટ્રોના પ્રતિનિધિ તરીકે તેમણે ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. તેમણે 1952માં મધ્ય એશિયાના દેશોની મુલાકાત લીધી હતી. વહીવટમાં તેઓ આદર્શવાદ અને વાસ્તવવાદનો સુમેળ સાધતા. તેઓ લોકશાહીના વિરોધી નહોતા, પરંતુ રૂઢિવાદી સુધારક હતા. ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ સાથેના તેમના સંબંધો સારા હતા. 1930માં બ્રિટિશ સરકારે કે. સી. એસ. આઈ.(સર)ના ખિતાબથી તેમને નવાજ્યા હતા. તેમણે ‘માય પબ્લિક લાઇફ’ નામનું પુસ્તક 1954માં પ્રગટ કર્યું હતું.

જયકુમાર ર. શુક્લ