મિર્ઝા આરિફબેગ (મિર્ઝા જી. એચ. બેગ ‘આરિફ’) (જ. 13 સપ્ટેમ્બર 1910, કદીપોરા, અનંતનાગ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમને તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ 1985ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે એ. એમ. યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. પછી રેશમ-ઉત્પાદન નિયામક તરીકે કામગીરી કરી. ત્યારબાદ કાશ્મીર દૂરદર્શનના નિયામક નિમાયા. તેમણે 15 વર્ષ સુધી દ્વિભાષી સામયિક ‘ગુલરેઝ’નું સંપાદન કર્યું હતું. કાશ્મીર સંશોધન પરિષદમાં સંપાદક બૉર્ડના તેઓ અધ્યક્ષ બન્યા. કાશ્મીરી બાઝી અદ્બના તેઓ સ્થાપક પ્રમુખ હતા. 1954–58 સુધી તેમણે નવી દિલ્હી ખાતે કાશ્મીરી સાહિત્ય અકાદમી માટેના બૉર્ડની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે તેમજ કન્વીનર અને સલાહકાર તરીકે કામગીરી કરી હતી. ઇકબાલ અકાદમી, કાશ્મીર કલ્ચરલ લીગ જેવી અન્ય સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા હતા. શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ તેમણે સક્રિય રીતે કામ કર્યું હતું.

તેમને જમ્મુ અને કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર તરફથી પણ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે સંખ્યાબંધ કૃતિઓનાં પોતાની માતૃભાષા કાશ્મીરીમાં અનુવાદ અને સંપાદન કર્યાં છે. કોશેટા-ઉછેર પર પણ તેમણે પુસ્તકો લખ્યાં છે. તેમના 5 કાવ્યસંગ્રહો ‘લોલા વેચાર’, ‘આદમી મોર’, ‘રમૂઝી આરિફ’, ‘રુબાય્યાતે આરિફ’ અને ‘અગર વોની’ ઉલ્લેખનીય છે. ‘સોન્તુક આટ્ટા ગાથ’ ટાગોરના ‘સાઇકલ ઑવ્ સ્પ્રિંગ’ નો અનુવાદ છે. તેમણે ઉમર ખય્યામની રુબાઈઓનો ‘મયખાન-એ-ખય્યામ’ નામથી અનુવાદ કર્યો છે. તેમણે અંગ્રેજીમાં ‘ઍન્થૉલૉજી ઑવ્ કાશ્મીરી પોએટ્સ’ નામનો કાવ્યગ્રંથ આપ્યો છે. વળી ‘કાશ્મીરી-કાશ્મીરી ડિક્શનરી’ના 7 ગ્રંથોનું તેમણે સહસંપાદન કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા