મિર્ઝા, ક્લીચબેગ (જ. 7 ઑક્ટોબર 1853, ટંડા, સિંધ; અ. 3 જુલાઈ 1929, હૈદરાબાદ, પાકિસ્તાન) : અર્વાચીન સિંધી સાહિત્યના પ્રારંભિક તબક્કાના અગ્રણી લેખક.

મૂળે જ્યૉર્જિયાના ખ્રિસ્તી વંશના. તુર્કોએ જ્યૉર્જિયા કબજે કરીને ખ્રિસ્તી લોકોને કેદી બનાવી તહેરાન મોકલ્યા તેમાંના સિડની નામના ખ્રિસ્તી બાળકને અન્ય સોગાતોની સાથે તહેરાનમાંથી સિંધના મીર શાસકો પાસે ભેટ રૂપે મોકલવામાં આવ્યો. મીરોએ તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી તેનું નામ ફરીદૂનબેગ પાડ્યું. આ ફરીદૂનબેગના પુત્રોમાંના ત્રીજા પુત્ર તે ક્લીચબેગ.

1872માં મૅટ્રિક થઈ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1876માં ક્લીચબેગ બી.એ. થયા. એ પછી સિંધમાં પ્રથમ મામલતદાર અને બાદ નાયબ કલેક્ટરના હોદ્દાએ રહ્યા હતા.

તેઓ ફારસીના નિષ્ણાત હતા. મુંબઈની કૉલેજમાં અભ્યાસ દરમિયાન તેમણે પારસીઓની સંસ્થા ‘ગાયન ઉત્તેજક મંડળી’માં સિતારવાદનનું પ્રશિક્ષણ મેળવ્યું. ‘વિક્ટૉરિયા નાટક મંડળી’ નામે આ પારસી મંડળીએ ગુજરાતી નાટક ‘સોનાના મૂળની ખુર્શિદ’ ભજવેલું. મિર્ઝાએ એ નાટકનો ‘ખુર્શિદ’ નામે સિંધીમાં અનુવાદ કરેલો. આમ, ગુજરાતી પારસી મંડળી પાસેથી સંગીત-સાહિત્ય-નાટ્યની પ્રેરણા મેળવી સાહિત્યક્ષેત્રે તેમણે લેખનનો આરંભ કર્યો

તત્કાલીન નાટકોના સંવાદો પદ્યમાં રહેતા. મિર્ઝાએ સિંધીમાં અનુવાદ કરતાં ગદ્યનો પણ સમાવેશ કરીને, સિંધી રંગમંચને વળાંક આપ્યો. તેમણે ‘લૈલા મજનૂ’ (1880), ‘નૂરજહાં-જહાંગીર’ (1896), ‘નાદિરશાહ’ (1897) તથા અન્ય નાટકો લખીને સિંધીમાં મૌલિક નાટકોની ઊણપને ભરવાના પ્રયાસો કર્યા.

નાટકો ઉપરાંત તેમણે અંગ્રેજી સાહિત્યની પ્રતિનિધિ-રચનાઓ પણ સિંધીમાં અનૂદિત કરેલી. ‘બેકનના નિબંધો’ (1877) તથા ‘લૅમ્બ્ઝ ટેલ્સ ફ્રૉમ શેક્સપિયર’(1890)ના અનુવાદો તેમણે કરેલા.

સાહિત્યની વિવિધ વિદ્યાઓની છણાવટ કરતો ‘ઇલ્મ અદબ’ (1913) નામે ગ્રંથ પણ તેમણે આપ્યો છે. 1904માં તેમણે સિંધનો ઇતિહાસ પણ લખેલો. 1921માં સિંધી ભાષાના વ્યાકરણની રચના કરવા ઉપરાંત 1925માં કહેવતોનો સંગ્રહ પણ પ્રગટ કરેલો.

અર્વાચીન સિંધી સાહિત્યની પ્રથમ મૌલિક નવલકથા રચવાનો યશ મિર્ઝા ક્લીચબેગના ફાળે જાય છે. ‘દલારામ’ (1888) પછી ‘ઝીનત’ (1890) નામે નવલકથા તેમણે લખેલી. સાહિત્યિક ર્દષ્ટિએ ‘ઝીનત’ સીમાસ્તંભ બની રહેલ છે. તત્કાલીન સિંધના એક મુસ્લિમ પરિવારનું કથાનક નિરૂપતી તે નવલકથામાં ઝીનતનું પાત્ર કલાત્મક રીતે ઊપસી આવેલ છે.

તેમનાં આશરે 150 પુસ્તકોમાં મોટાભાગના અનુવાદો હતા; પરંતુ, સિંધી સાહિત્યની પ્રથમ મૌલિક નવલકથાના રચયિતાના નાતે સિંધી સાહિત્યના નિર્માતાઓમાં તેમનું આગવું સ્થાન રહ્યું છે. તેઓ સિંધી, ફારસી, સરાઇકી અને અંગ્રેજી ભાષાઓના જ્ઞાતા હતા.

સરકારે તેમને ‘શમ્સ-અલ્-લમાઅ’(1924)નો ઇલકાબ એનાયત કર્યો હતો.

જયંત રેલવાણી