મિરાશી, વાસુદેવ વિષ્ણુ

February, 2002

મિરાશી, વાસુદેવ વિષ્ણુ (જ. 13 માર્ચ 1893, કુવળે, જિ. રત્નાગિરિ; અ. 3 એપ્રિલ 1985; નાગપુર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાચ્યવિદ્યા-પંડિત. પિતા વિષ્ણુ ધોંડદેવ. માતા રાધાબાઈ. 1910માં મૅટ્રિક થયા પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજ અને પુણેની ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરી સંસ્કૃત વિષય સાથે બી. એ. (1914) અને એમ. એ. (1916) થતાં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે નિમાયા. અહીંના સેવાકાળ (1917–1919) દરમિયાન એલએલ.બી. થયા અને સાથોસાથ ‘અદ્વૈત બ્રહ્મસિદ્ધિ’ જેવા મહત્ત્વના વેદાન્તગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરી ગોકુલદાસ ઝાલા વેદાન્ત પારિતોષિક પ્રાપ્ત કર્યું. નાગપુરની મૉરિસ કૉલેજમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ અમરાવતીની એડ્વર્ડ કૉલેજમાં પ્રાધ્યાપક અને 1943થી 1950 દરમિયાન આચાર્ય તરીકે સેવાઓ આપ્યા પછી નિવૃત્ત થતાં નાગપુર યુનિવર્સિટીમાં 1966 સુધી માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ આપતા રહ્યા. દરમિયાનમાં પંડિત હીરાલાલ અને રાવબહાદુર કાશીનાથ દીક્ષિતની પ્રેરણાથી ભારતીય ઇતિહાસ, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર જેવા પ્રાચ્યવિદ્યાને લગતા વિષયોમાં સંશોધન અને સ્વાધ્યાય કરવા પ્રવૃત્ત થયા. જીવનનાં શેષ વર્ષો તેમણે નાગપુરમાં રહી લેખન-વાચન અને સંશોધનમાં વિતાવ્યાં. આ ગાળામાં તેઓ અનેક સંસ્થાઓ સાથે, ખાસ કરીને વિદર્ભ સંશોધન મંડળ સાથે, ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા.

પ્રાચ્યવિદ્યાને ક્ષેત્રે કરેલાં તેમનાં સંશોધનોના નિચોડરૂપ લેખો મુખ્યત્વે ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’માં પ્રગટ થયા છે. સાતવાહનો, વાકાટકો, કલચુરિ-ચેદિ તેમજ શિલાહાર વગેરે રાજવંશોના શિલાલેખો સંપાદિત કરીને તેમનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવતી નોંધો સાથે પ્રકાશિત કર્યા. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ અને ભવભૂતિના જીવન અને તેમની કૃતિઓ વિશે વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખ્યા. મુખ્યત્વે અંગ્રેજી અને મરાઠીમાં લખાયેલા તેમના 38 જેટલા ગ્રંથો પૈકીના કેટલાક હિંદી, કન્નડ અને ઊડિયા ભાષાઓમાં અનૂદિત થયા છે. તેમના અભ્યાસપૂર્ણ તેમજ મૌલિક ગ્રંથોમાં ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ ધ કલચુરિ–ચેદિ એરા’ (1955), ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ શિલાહારાઝ’ (1974), ‘સ્ટડીઝ ઇન ઇન્ડૉલૉજી’ ગ્રંથ 1થી 4 (1960–66), ‘લિટરરી ઍન્ડ હિસ્ટૉરિકલ સ્ટડિઝ ઇન ઇન્ડૉલૉજી’ (1975) ‘કાલિદાસ, હિઝ લાઇફ ઍન્ડ વર્કસ’ (1969), ‘ભવભૂતિ, હિઝ ડેટ, લાઇફ ઍન્ડ વર્કસ’ (1972) અને મરાઠીમાં ‘સંશોધનમુક્તાવલિ’ ભાગ 1થી 9 (1954થી 1959) મુખ્ય છે.

પ્રો. મિરાશીની સંશોધનસાધનાથી તેમની કીર્તિ ફેલાઈ અને તેમને અનેક માનસંમાન પ્રાપ્ત થયાં. 1941માં બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની ઉપાધિથી અલંકૃત કર્યા. 1956માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને 1961માં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ના હસ્તે તેમને તામ્રપત્ર અને પ્રશસ્તિપત્ર અર્પણ થયાં. સાગર, મુંબઈ, નાગપુર અને સંપૂર્ણાનન્દ (વારાણસી) યુનિવર્સિટીઓએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવીથી નવાજ્યા. ડૉ. મિરાશીએ 1951માં ઇન્ડિયન ન્યૂમિસમૅટિક્સ સોસાયટીનું, 1956માં ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સનું અને 1961માં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું પ્રમુખપદ શોભાવ્યું. અનેક નામાંકિત વિદ્વાનોના અંગ્રેજી સંશોધનલેખો ધરાવતો ‘ડૉ. મિરાશી અભિનંદન ગ્રંથ’ તેમને 1965માં ડૉ. રાધાકૃષ્ણન્ને હસ્તે અર્પણ થયો. 1975માં ‘પદ્મભૂષણ’ના અલંકરણથી તેમને રાષ્ટ્રીય સંમાન પ્રાપ્ત થયું.

પ્રવીણચંદ્ર પરીખ