મિરાશીબુવા (જ. 1883, ઇચલકરંજી; અ. 5 જાન્યુઆરી 1966, પુણે) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. આખું નામ યશવંત સદાશિવ મિરાશી. પિતા ઇચલકરંજી રિયાસતની નોકરીમાં હતા. બાલ્યાવસ્થા દરમિયાન શાસ્ત્રીય સંગીત પ્રત્યે તેમને અણગમો હતો, પરંતુ વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરની આબેહૂબ નકલ કરતાં કરતાં બાળકૃષ્ણબુવાના જ પ્રોત્સાહનથી તેઓ શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. પરિવારના વડીલોને તે ગમ્યું નહિ અને તેથી સંગીતની તાલીમમાં 2–3 વર્ષ વિક્ષેપ પડ્યો. તે દરમિયાન ઇચલકરંજીના દરબારમાં નોકરી લીધી. પંડિત વિષ્ણુ દિગંબર પળુસકર અને બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરની ભલામણથી રિયાસતના નરેશે યશવંતને શાસ્ત્રીય સંગીત શીખવા માટે ત્રણ વર્ષની સવેતન રજા આપી અને પોતાના મહેલમાં જ બાળકૃષ્ણબુવાની નિશ્રામાં તેમની સંગીતશિક્ષાનો પ્રબંધ કર્યો. થોડાંક વર્ષોના સઘન રિયાઝ પછી જ્યારે તેઓ ગાયક તરીકે તૈયાર થયા ત્યારે દેશના જુદા જુદા પ્રદેશોના ભ્રમણ દરમિયાન એક વાર તેઓ સતારા ગયા; જ્યાં તેમના જાહેર કાર્યક્રમો યોજવામાં આવ્યા. સતારાના રાજવીએ તેમને દરબારી ગાયકના પદની દરખાસ્ત મૂકી. દરમિયાન ઇચલકરંજીના નરેશે 1911માં તેમને નાટ્ય-કલા પ્રવર્તક મંડળીમાં ગાયક અભિનેતા તરીકે જોડાવાની આજ્ઞા કરી. 1911–1932ના ગાળામાં તેઓ આ નાટકમંડળીમાં રહ્યા, તે દરમિયાન તેમણે ખૂબ લોકચાહના મેળવી. 1932માં તેઓ પુણે નગરમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શાસ્ત્રીય સંગીતમાં ઘણા શિષ્યો તૈયાર કર્યા.

તેમના બહોળા શિષ્યવર્ગમાં પંડિતરાવ નગરકર, ગંગુબાઈ ઇનામદાર, મુંબઈના લક્ષ્મણરાવ પરાડકર તથા બેળગાંવના ઉત્તરકર વિશેષ ઉલ્લેખનીય છે.

ગ્વાલિયર ઘરાનાની ઘણી ચીજોનો સ્વરલિપિસંગ્રહ તેમણે તૈયાર કર્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે