મિરાબો (જ. 9 માર્ચ 1749, બિગ્નન, ફ્રાંસ; અ. 2 એપ્રિલ 1791, પૅરિસ) : ફ્રાંસનો મુત્સદ્દી, પ્રખર વક્તા અને ક્રાંતિકારી નેતા. બંધારણીય રાજાશાહીનો હિમાયતી. તેના પિતા વિક્ટર રિક્વેટી, માર્કવિસ ડી મિરાબો જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેનું નામ હોનોર ગેબ્રિયલ રિક્વેટી કોમ્ટે ડી હતું. 1767માં તે પૅરિસની લશ્કરી શાળામાં દાખલ થયો. એ જ વર્ષે તે ઘોડેસવાર ટુકડીનો અધિકારી બન્યો; પરંતુ ગેરરીતિ માટે તેને જેલમાં પૂરવામાં આવ્યો. 1769માં કૉર્સિકાના આક્રમણમાં જોડાવાની શરતે તેને મુક્તિ મળી. તેણે 1771માં લશ્કરની નોકરી છોડી દીધી. તેને દેવું થઈ જવાથી 1774માં ફરીથી જેલમાં જવું પડ્યું. 1777થી 1780 દરમિયાન તેને ફરી વાર જેલમાં પૂરવામાં આવ્યો. જેલમાંથી છૂટીને તે નેધરલૅન્ડ્ઝ અને ઇંગ્લૅન્ડમાં રહ્યો; પરંતુ 1788માં ફ્રાન્સ પાછો ફર્યો. 1789માં તે ફ્રાંસની એસ્ટેટ્સ-જનરલ(સંસદ)માં આમજનતાના પ્રતિનિધિ તરીકે થર્ડ એસ્ટેટમાં ચૂંટાયો. સંસદનાં ત્રણેય ગૃહોનું જોડાણ કરીને નૅશનલ ઍસેમ્બ્લી સ્થાપવા તેણે લડત આપી. તે બંધારણીય રાજાશાહીમાં માનતો હતો; તેથી રાજા, ધારાસભા અને મતદારમંડળ વચ્ચે સત્તાની વહેંચણીમાં માનતો હતો. રાજા લુઈ સોળમાએ મોકલેલા અધિકારીએ થર્ડ એસ્ટેટના પ્રતિનિધિઓને વિખેરાઈ જવાનો હુકમ કર્યો ત્યારે મિરાબોએ ઊભા થઈને ગર્જના કરી કે ‘અહીંથી ચાલ્યો જા અને તારા માલિકને કહેજે કે અમે લોકોની ઇચ્છાથી અહીં બેઠા છીએ અને બંદૂક તાકવામાં આવે ત્યાં સુધી જવાના નથી.’ બધા પ્રતિનિધિઓ તેને અનુસર્યા. 1790માં તે જેકોબિન ક્લબનો પ્રમુખ બન્યો. તે સમયે ફ્રાંસના રાજકીય નેતાઓનું તે શક્તિશાળી જૂથ હતું. 1791માં તે ફ્રાંસની નૅશનલ ઍસેમ્બ્લીનો પ્રમુખ બન્યો. આ મહત્વના હોદ્દા પરથી તે ઘણાં કાર્યો કરી શકતો; પરંતુ અનિયમિત જીવનપદ્ધતિને લીધે તે માંદો પડ્યો અને ત્રણેક મહિનામાં અવસાન પામ્યો.

તેની શ્રેષ્ઠ વક્તૃત્વશક્તિને લીધે ક્રાન્તિના સમયે તે ફ્રાંસનો નેતા બન્યો. ફ્રાંસની ક્રાંતિનાં શરૂઆતનાં સપ્તાહોમાં રાજા અને તેની સરકાર સાથે કામ કરવાના તેણે પ્રયાસો કર્યા. તે માનતો હતો કે ફ્રાંસને રાજા અને બંધારણ – બંનેની જરૂર છે. ઇંગ્લૅન્ડ જેવી બંધારણીય રાજાશાહી સ્થાપવાની તેની ઇચ્છા હતી; પરંતુ રાજા અને ક્રાંતિકારો બંને તેના ઉપર વિશ્વાસ રાખતા નહોતા.

રસેશ જમીનદાર