મિરલીઝ, જેમ્સ (જ. 5 જુલાઈ 1936, મિનિગૅફ, સ્કૉટલૅન્ડ) : અસમમિતીય માહિતીના સંજોગોમાં નિર્ણયો લેવાની પ્રક્રિયાને તાર્કિક રીતે સમજાવતા સિદ્ધાંતનું નિરૂપણ કરનાર અર્થશાસ્ત્રી અને 1996ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1995થી અર્થશાસ્ત્રનું અધ્યાપન કરી રહ્યા છે. તે પૂર્વે 1969–95 દરમિયાન તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી. આર્થિક નિર્ણયો લેતી વેળાએ નિર્ણય લેનાર પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ હોય ત્યારે નિર્ણય લેવાની પ્રક્રિયા સુગમ બની જતી હોય છે; પરંતુ જ્યારે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોય અથવા ઉપલબ્ધ માહિતીમાં એકસૂત્રતા ન હોય ત્યારે આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયા જટિલ અને મુશ્કેલ બની જતી હોય છે. ઇંગ્લૅન્ડના જેમ્સ મિરલીઝ અને કૅનેડાના વિલિયમ વિકરીએ અસમમિતીય માહિતીના સંજોગોમાં તાર્કિક નિર્ણયો લેવાની પ્રક્રિયા અંગે કરેલા તર્કસંગત વિશ્લેષણ માટે તેમને 1996નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. દર વર્ષે અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતાની પસંદગી કરનાર રૉયલ સ્વીડિશ અકાદમીએ તેના પ્રશસ્તિપત્ર(citation)માં નોંધ્યું છે કે આ અર્થશાસ્ત્રીઓએ આર્થિક સંશોધનના એક મહત્વના ક્ષેત્રમાં કરેલા અભ્યાસને લીધે વૈશ્વિક સ્તરે આર્થિક નીતિના ઘડતર માટે નવી ક્ષિતિજો વિસ્તરી છે. સરકારો, કંપનીઓ, કૉર્પોરેશનો, બૅંકો અથવા તત્સમ અન્ય સંસ્થાઓને જ્યારે કેટલીક વાર અપૂરતી માહિતીના સંજોગોમાં અનિવાર્ય રીતે નિર્ણયો લેવાની ફરજ પડતી હોય છે ત્યારે તેની પાછળ કયાં પરિબળો કામ કરતાં હોય છે, આવા નિર્ણયો લેવાની પ્રક્રિયા કયા તબક્કાઓમાંથી પસાર થતી હોય છે, તેના માટે કયાં પ્રોત્સાહનો અસરકારક નીવડતાં હોય છે તેનું વિશ્લેષણ આ અર્થશાસ્ત્રીઓએ કર્યું છે, જે માહિતીના અર્થશાસ્ત્ર(Economics of Information)નો મહત્વનો ભાગ બન્યો છે. તેમના આ વિશ્લેષણને લીધે વીમાબજાર, શાખબજાર, હરાજીની પ્રક્રિયા, પેઢીઓનું આંતરિક માળખું, વેતનદરોના પ્રકારો, કરવેરા-પદ્ધતિઓ, સામાજિક સુરક્ષા, હરીફાઈની પ્રક્રિયાઓ, રાજકીય સંસ્થાઓ વગેરે વિશે પ્રવર્તતી સમજ વધુ પરિપક્વ બની છે; એટલું જ નહિ, પરંતુ આ અર્થશાસ્ત્રીઓ જે તારણો પર પહોંચ્યા છે તે તારણો જાહેર સેવાઓ માટેના નાણાકીય સંયોજન માટે દિશાસૂચક સાબિત થયાં છે.

વર્ષ 1968–76 દરમિયાન મિરલીઝ મૅસૅચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે અર્થશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક રહી ચૂક્યા હતા. ઉપરાંત 1971માં મિરલીઝ અને પીટર અ. ડાયમન્ડે સંયુક્ત રીતે ડાયમૉન્ડ-મિરલીઝ એફિશિયન્સી થિયરમ પ્રસ્તુત કર્યો હતો. મિરલીઝ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોલિટિકલ ઇકૉનૉમીના ઇમેરેરસ પ્રોફેસર તથા ટ્રિનિટી કૉલેજના ફેલો રહી ચૂક્યા છે. ત્યારબાદ હૉંગકૉંગ યુનિવર્સિટીમાં તથા મકાઓ યુનિવર્સિટીમાં નામાંકિત પ્રોફેસર તરીકે તેમણે સેવાઓ આપી હતી. ઑસ્ટ્રેલિયાની મેલબૉર્ન યુનિવર્સિટીમાં પણ તેમણે અર્થશાસ્ત્રી તરીકે પોતાની સેવાઓ આપી હતી. વર્ષ 2009માં હૉંગકૉંગ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે થઈ હતી. (Founding Master of the Morning Side College of Hongcong University) તેઓ સ્કૉટલૅન્ડ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક ઍડવાઇઝરના સભ્ય છે.

આ અર્થશાસ્ત્રીને વર્ષ 1998માં ઇંગ્લૅન્ડની મહારાણીએ ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.

નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા હતા અર્થશાસ્ત્રી વિકરી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે