મિનોસ : દંતકથા મુજબ ગ્રીસ પાસેના ક્રીટ ટાપુનો રાજા. તે દેવોના રાજા ઝિયસ અને યુરોપ ખંડની મૂર્તિસ્વરૂપ યુરોપાનો પુત્ર હતો. ગ્રીક દેવ પૉસિડોનની મદદથી મિનોસે ક્રીટની રાજગાદી મેળવી હતી અને નૉસસ નજીક આવેલા એજિયન સમુદ્રના ટાપુઓ ઉપર અંકુશ મેળવ્યો હતો. તેમાંના ઘણા ટાપુઓમાં તેણે વસાહતો સ્થાપી અને સમુદ્રમાંથી ચાંચિયાગીરી દૂર કરી. તેણે હેલિયસની પુત્રી પૅસિફી સાથે લગ્ન કર્યાં હતાં. મિનોસના પુત્ર ઍન્ડ્રૉજિયૉસને ઍથેન્સવાસીઓએ મારી નાખ્યા બાદ. તેનું વેર વાળવા મિનોસે ઍથેન્સ અને મેગારા સામે સફળ યુદ્ધો કર્યાં. સિસિલીમાં રાજા કૉકેલસની પુત્રીઓ દ્વારા ઊકળતું પાણી રેડીને મિનોસને મારી નાખવામાં આવ્યો. મિનોસ એક શક્તિશાળી અને ન્યાયી રાજા હતો. તે ધર્મ અને ધાર્મિક વિધિઓ(કર્મકાંડ)માં ખૂબ રસ ધરાવતો હતો.
ક્રીટમાં ખોદકામ કરીને કાઢેલા અવશેષોના આધારે વિદ્વાનો માને છે કે કાંસ્યયુગમાં ક્રીટના રાજાઓ મિનોસ નામથી ઓળખાતા હતા અને તેમનું પાટનગર નૉસસ હતું.
જયકુમાર ર. શુક્લ