મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ)

February, 2002

મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ) (જ. 9 જુલાઈ 1845, લંડન; અ. 1 માર્ચ 1914, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : ભારતનો પૂર્વ ગવર્નર જનરલ અને વાઇસરૉય. કેમ્બ્રિજની ઈટન કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધા પછી ત્રણ વર્ષ માટે સ્કૉટલૅન્ડના રક્ષકદળમાં જોડાયો. એણે ઘોડેસવારીની તાલીમ લીધી. એ પછી સ્પેન અને તુર્કસ્તાનમાં રહી એણે વર્તમાનપત્રોના ખબરપત્રી તરીકે કામગીરી કરી. 1883થી 1886 સુધી કૅનેડામાં લશ્કરી સચિવ તરીકે કામ કર્યું. 1891માં એના પિતાનું અવસાન થતાં એમનો ‘અર્લ ઑવ્ મિન્ટો’નો ખિતાબ તેણે પ્રાપ્ત કર્યો. 1898થી 1905 સુધી એણે કૅનેડાના ગવર્નર જનરલનું પદ સંભાળ્યું. આ સમય દરમિયાન એણે કૅનેડાના વડાપ્રધાન સર વિલફ્રિડ લૉરિયર અને બ્રિટિશ સંસ્થાનમંત્રી જૉસેફ ચેમ્બરલેન વચ્ચેનો સંઘર્ષ હળવો કરવાનો પ્રયાસ કર્યો.

1905થી 1910 સુધી એણે હિંદના ગવર્નર જનરલ અને વાઇસરૉય તરીકે કામ કર્યું. એની સાથે ભારતમંત્રી (સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા) તરીકે જૉન મૉર્લેની નિમણૂક થઈ હતી. આ બંનેએ સાથે મળીને 1909માં મૉર્લે-મિન્ટો બંધારણીય સુધારાનો કાયદો પસાર કર્યો. આ કાયદાથી પ્રથમ વાર ધારાસભા માટે મુસ્લિમોનાં અલગ મતદારમંડળો રચાયાં તથા વેપારીઓ અને જાગીરદારોને ખાસ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. એણે મુસ્લિમોને એમની અલગ સંસ્થા મુસ્લિમ લીગ સ્થાપવાની પ્રેરણા આપી. 1905માં બંગાળના ભાગલાથી અંગ્રેજો સામે હિંદમાં જે ઉગ્ર આંદોલન શરૂ થયું તેને તોડવા લૉર્ડ મિન્ટોએ મુસ્લિમોને હિંદુઓથી તથા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસથી અલગ કરવાનું કામ કર્યું. મવાળ (નમ્ર મતવાદી) રાષ્ટ્રવાદીઓનો ટેકો મેળવવા ભારતમંત્રીની સમિતિમાં બે હિંદીઓની અને વાઇસરૉયની સમિતિમાં એક હિંદીની નિમણૂક કરવામાં આવી. જહાલ નેતાઓ તરફ એણે દમનકારી વલણ અપનાવ્યું. એના સત્તાકાળ દરમિયાન હિંદના વહીવટી તંત્રમાં મહત્ત્વના ફેરફારો થયા હતા.

મુગટલાલ પોપટલાલ બાવીસી