મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ

February, 2002

મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ (જ. 2 ડિસેમ્બર 1885, બૉસ્ટન, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1950, બ્રુક્લિન) : અમેરિકન દેહધર્મવિદ(physiologist). તેમણે લોહીમાં હીમોગ્લોબિનની ઊણપથી ઉદભવતી પાંડુતા (anaemia) નામની તકલીફમાં યકૃત-(liver)માંથી મેળવાતું યકૃતાર્ક (extract of liver) નામનું દ્રવ્ય ઉપયોગી ઔષધ છે એવું પ્રતિપાદિત કર્યું. તે માટે સન 1934નું દેહધાર્મિકવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક એમને એનાયત થયું હતું. તેમના સહવિજેતા હતા વિલિયમ પૅરી મર્ફી અને જ્યૉર્જ હૉયટ વ્હિપલ. સન 1926માં તેમણે તથા મર્ફીએ પ્રવિઘાતક પાંડુતા(pernicious anaemia)ની સફળ સારવારનાં પરિણામો જાહેર કર્યાં હતાં. લોહીમાં હીમોગ્લોબિન નામના દ્રવ્યની ઊણપ થાય તો તેને પાંડુતા કહે છે. પ્રવિઘાતક પાંડુતાનો રોગ એક પ્રકારની પાંડુતાવાળો મારક રોગ છે. તે અગાઉથી મિનોટ પીટર બેન્ટ બ્રિગ્હામ હૉસ્પિટલ, બૉસ્ટન ખાતે લોહીના વિકારો પર સંશોધન કરી રહ્યા હતા. ત્યાં તેમણે મારક રોગ-પ્રવિઘાતક પાંડુતા પર સંશોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે બૉસ્ટનની થૉર્નડાઇક સ્મારક પ્રયોગશાળાના નિયામક-પદે કાર્ય કર્યું અને ત્યાંથી તેઓ નિવૃત્ત થયા. વ્હિપલે તેમના સંશોધનમાં જણાવ્યું હતું કે પાંડુતાની સાથે કૂતરાંઓમાં અતિશય રુધિરસ્રાવ થાય છે. મિનૉટ તથા મર્ફીએ આવાં કૂતરાંઓમાં અવિશોધિત યકૃત(raw liver)નાં ઇન્જેક્શન આપીને તેમની પાંડુતા મટાડી હતી.

જ્યૉર્જ રિચાર્ડ્ઝ મિનૉટ

તેમણે દર્દીઓ મોઢા વાટે લઈ શકે તેવા સ્વરૂપનો યકૃતાર્ક બનાવ્યો. ત્યારબાદ સન 1948માં તેમણે યકૃતાર્કમાંથી વિટામિન (પ્રજીવક) B12 અથવા સાયનોકોબોલેમિનને અલગ તારવી બતાવ્યું. પાછળથી થયેલાં સંશોધનોએ દર્શાવ્યું છે કે જઠરરસમાં અંતર્ગત ઘટક (intrinsic factor) નામે ઓળખાતા એક દ્રવ્યની ઊણપથી પ્રજીવક B12નું અવશોષણ ઘટે છે અને તેને કારણે પ્રવિઘાતક પાંડુતા થાય છે. અગાઉ 1916માં હૂપરે (Hooper) યકૃતાર્ક વડે પ્રવિઘાતક પાંડુતાની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે તેવું નોંધ્યું હતું, પણ તેના સંશોધન તરફ દુર્લક્ષ દર્શાવાયું હતું. વ્હિપલે લોહીના રક્ત-કોષોના ઉત્પાદનમાં યકૃત, મૂત્રપિંડ અને માંસનું મહત્વ છે તે દર્શાવ્યું. પછી મિનૉટ અને મર્ફીએ 1926માં પ્રવિઘાત પાંડુતાની સારવારમાં યકૃત અને અન્ય આહારી દ્રવ્યો પર પ્રયોગો શરૂ કર્યા હતા; તેથી આ સંશોધનો માટે વ્હિપલ, મિનૉટ અને મર્ફીને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. પ્રવિઘાતક પાંડુતા અને પ્રજીવક B12 વચ્ચેનો સંબંધ ત્યારબાદ અન્ય સંશોધકોએ દર્શાવ્યો હતો.

શિલીન નં. શુક્લ