માઓ-ત્સે-તુંગ (જ. 26 ડિસેમ્બર 1893, શાઓશાન, હુનાન પ્રાંત; અ. 9 સપ્ટેમ્બર 1976, પૅકિંગ) : પ્રજાસત્તાક ચીનના અને ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. 1911–12માં સુન યાત-સેને ક્રાંતિ કરીને મંચુવંશની સરકારને ઉથલાવી ત્યારે તેઓ વિદ્યાર્થી હતા. તેમણે 1918માં સ્નાતક થયા બાદ દેશના પાટનગર પૅકિંગ(બેજિંગ) જઈને યુનિવર્સિટીના ગ્રંથાલયમાં નોકરી કરી.
બીજે વર્ષે માઓ હુનાન પાછા ફર્યા અને ઉદ્દામ રાજકીય પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે જૂથો રચ્યાં અને રાજકીય પ્રવૃત્તિ કરવા માંડી. તેમણે 1921માં શાંઘાઈમાં ચીની સામ્યવાદી પક્ષની રચનામાં સહાય કરી. હુનાનની શાખાના તેઓ નેતા બન્યા હતા. તેમણે શાંઘાઈ, હુનાન અને કૅન્ટોનમાં પક્ષને મજબૂત બનાવ્યો. તેમણે ગ્રામપ્રદેશોમાં રહીને ગેરીલા દળ તૈયાર કર્યું. પક્ષની પ્રવૃત્તિની બાબતમાં સોવિયેત સંઘનું માર્ગદર્શન મેળવવાનું તેમણે બંધ કર્યું. કિઆંગસીથી 1934માં તેમણે સામ્યવાદીઓની ‘લાંબી કૂચ’(The Long March)નું નેતૃત્વ લીધું અને 9,700 કિલોમીટરની પદયાત્રા એક વર્ષમાં પૂરી કરીને શેન્સી પ્રાંતમાં યેનાન પહોંચ્યા.
1937માં ચીન પર જાપાનનું આક્રમણ થવાથી સામ્યવાદીઓ અને રાષ્ટ્રવાદીઓ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું (1945) ત્યાં સુધી સંયુક્ત રહ્યા. આ સમય દરમિયાન માઓએ ગેરીલા પદ્ધતિ અજમાવીને સામ્યવાદી પક્ષના સભ્યોની સંખ્યા 40,000થી વધારીને બાર લાખની કરી દીધી. આ દરમિયાન સામ્યવાદીઓના કબજા હેઠળ દસ કરોડની વસ્તીના ચીનના પ્રદેશો હતા. 1946માં શરૂ થયેલા આંતરવિગ્રહના અંતે ઑક્ટોબર 1949માં સામ્યવાદીઓએ ચીન પર અંકુશ મેળવ્યો અને રાષ્ટ્રવાદીઓએ નાસી જઈને તાઇવાનમાં આશ્રય લીધો. 1949માં ચીનના પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી માઓની આગેવાની હેઠળ સામ્યવાદીઓએ સરકારની રચના કરી. માઓ પ્રજાસત્તાક ચીનના અધ્યક્ષ બન્યા. તેમણે સોવિયેત સંઘ સાથે જોડાણ કર્યું અને ચીનના લશ્કરને મજબૂત બતાવ્યું. 1958માં તેમણે ‘ધ ગ્રેટ લીપ ફૉરવર્ડ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો; પરંતુ તેમાં તેમને આર્થિક નિષ્ફળતા મળી. તેમનો વિરોધી લિઉ શાઓ ચી કેન્દ્ર સરકારનો અધ્યક્ષ બન્યો; પરંતુ પક્ષમાં નીતિ ઘડનાર તરીકે માઓનું સ્થાન ચાલુ રહ્યું. 1960ના દાયકામાં ચીનના ન્યૂક્લિયર વિસ્ફોટને કારણે સામ્યવાદી દેશોના નેતૃત્વ માટે ચીન અને સોવિયેત સંઘ વચ્ચે સંઘર્ષ થયો. માર્કસ, લેનિન અને સ્તાલિનનું સાચું અર્થઘટન કરનાર તરીકે માઓ પોતાને માનતા હતા. આ દરમિયાન ચીનમાં લિઉ અને માઓ વચ્ચે સત્તાસંઘર્ષ વધ્યો. માઓએ 1966થી 1969 દરમિયાન ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ શરૂ કરી. તે દ્વારા પરિવર્તનનો વિરોધ કરનારા સામે તેમણે ચળવળ આરંભી. તેના દ્વારા તેમણે ક્રાંતિ માટેનો જુસ્સો જાળવી રાખ્યો. લિઉને તેમણે દૂર કર્યો. 1970માં તેઓ લશ્કરના સર્વોચ્ચ સેનાપતિ અને રાષ્ટ્રના સર્વસત્તાધીશ વડા બન્યા. સિત્તેરના દાયકામાં માઓએ પશ્ચિમના દેશો સાથેના સંબંધો સુધાર્યા. દરમિયાન ગેરીલા યુદ્ધ-પદ્ધતિ અને સામ્યવાદી ક્રાંતિ વિશેના તેમના વિચારો અનેક દેશોમાં જાણીતા થયા. તેમણે ચીનની સામ્યવાદી લડતને સુદીર્ઘ નેતૃત્વ પૂરું પાડ્યું. સામ્યવાદના સિદ્ધાંતોને ચીનની પ્રજામાં કાર્યાન્વિત કરી તેને નવો ઓપ આપ્યો, માર્કસ-લેનિનના સાચા વારસદાર તરીકે એશિયાઈ સામ્યવાદી નેતાના રૂપમાં બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર તેમણે મૂકી આપ્યું.
જયકુમાર ર. શુક્લ