માઉ માઉ : આફ્રિકાવાસી કેન્યનોની રાષ્ટ્રવાદી લડત. કેન્યા આફ્રિકામાંનું મહત્વનું બ્રિટિશ સંસ્થાન હતું. કેન્યાના કેન્દ્રીય વિસ્તારમાં મુખ્યત્વે કીકુયુ જાતિના લોકો વસતા હતા. તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા ‘કેન્યા આફ્રિકન યુનિયન’ નામનો રાજકીય પક્ષ 1940માં સ્થાપ્યો હતો. આ પક્ષના કીકુયુ સભ્યોમાં ગુપ્ત રીતે બ્રિટિશ શાસન વિરુદ્ધ લડતનું આયોજન થયું. બ્રિટિશ શાસન વિરુદ્ધની આ ગુપ્ત લડત ઉપર્યુક્ત નામથી જાણીતી બની હતી.

1952માં માઉ માઉ જૂથ સક્રિય અને આક્રમક બન્યું. તેણે આતંકવાદી રીતરસમો અપનાવી ઘણી હત્યાઓ કરી, જેનું સંચાલન જોમો કેન્યાટાએ કરેલું. આ દરમિયાન બ્રિટિશ શાસનને ટેકો આપવા બદલ 10,000 કીકુયુ લોકોની હત્યા કરવામાં આવેલી. આ ઉપરાંત 2,000 અન્ય આફ્રિકીઓ, 95 યુરોપિયનો અને 29 એશિયનો પણ એમાં માર્યા ગયા હતા.

આથી બ્રિટિશ સરકારે આ જૂથ વિરુદ્ધ લશ્કરી પગલાં ભર્યાં. હજારો રાષ્ટ્રવાદી માઉ સભ્યોને જેલમાં પૂરવામાં આવ્યા તેમજ અટકાયતી છાવણીઓમાં મોકલવામાં આવ્યા. 1953માં આ લડતના નેતા જોમો કેન્યાટા પર કામ ચલાવવામાં આવ્યું અને તેમને લડત માટે કસૂરવાર ઠેરવી અતિ દૂરના પ્રદેશની અજ્ઞાત જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

આ દરમિયાન લડતને સ્થાનિક સમર્થન સાંપડ્યું. તમામ વાંશિક જૂથોએ આફ્રિકી શાસનની માંગ કરી. 1961માં વિદેશી સરકારે નવી સંસદની રચના માટેની ચૂંટણીઓ યોજી. 12 ડિસેમ્બર, 1963ના રોજ કેન્યાને સ્વતંત્ર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું. 1964માં કેન્યા પ્રજાસત્તાક બન્યું અને જોમો કેન્યાટા તેના પ્રથમ પ્રમુખ તરીકે વરાયા.

રક્ષા મ. વ્યાસ