માઓરી : ન્યૂઝીલૅન્ડમાં વસતા પૉલિનેશિયન આદિવાસી જાતિના લોકો. તેઓ હવાઈ ટાપુઓમાંથી સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયા હતા. પુરાતત્વીય શોધ દર્શાવે છે કે તેઓ. ઈ. સ. 800થી ન્યૂઝીલૅન્ડમાં રહે છે. તેઓ ત્યાં નૉર્થ આઇલૅન્ડમાં રહ્યા અને શિકારી, ખેડૂત અને માછીમારનાં કે વસ્તુઓ ભેગી કરવાનાં કામો કરે છે. માઓરી સમાજમાં મુખી, સામાન્ય લોકો અને ગુલામો હતા. મુખીને ધર્મગુરુ માનવામાં આવતો હતો. માઓરી લોકો બહાદુર યોદ્ધાઓ હતા. તેમને અંદરોઅંદર કે અન્ય જાતિના લોકો સાથે લડાઈઓ થતી હતી. યુરોપિયનો તેમની જમીનો વેચી ન દે તથા ત્યાં વસાહતો ન સ્થાપે તે માટે, 1843થી 1869 દરમિયાન યુરોપિયન વસાહતીઓ સામે તેઓ બહાદુરીથી લડ્યા હતા.

માઓરી લોકો લાકડાની કોતરણીના કુશળ કારીગરો છે. તેમને નૃત્ય કરવું ગમે છે. તેઓ પોતાના ચહેરા જુદી જુદી રીતે રંગે છે. તેમનાં ઘરોમાં તેઓ લાકડાની કોતરણીવાળી વિવિધ વસ્તુઓ રાખે છે. ત્યાં વસતા યુરોપિયનોના નિકટના સંપર્કમાં તેઓ આવ્યા છે. તેથી તેઓ વચ્ચે આંતરલગ્નો પણ થાય છે. ખાસ કરીને માઓરી પુરુષો યુરોપિયન સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે.

માઓરી લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધારવાના હેતુથી 1961માં માઓરી એજ્યુકેશન ફાઉન્ડેશન સ્થાપવામાં આવ્યું છે; આમ છતાં અન્ય લોકોની તુલનામાં તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. તેમનામાંના કેટલાક ભણીને ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે. ન્યૂઝીલૅન્ડની કુલ વસ્તીના 10 % લોકો માઓરી છે. ઓગણીસમી સદીમાં તેમની જમીનો ખરીદી લેવાઈ કે જપ્ત કરી લેવામાં આવી. તે પછી મોટાભાગના માઓરી લોકો નાના ખેડૂતો અથવા ખેત-મજૂરો બની ગયા. તેમણે શહેરોમાં સ્થળાંતર કર્યું. આજે 75 % માઓરીઓ શહેરોમાં રહે છે. તેઓ ઘણાખરા ખ્રિસ્તી ધર્મ પાળે છે. ન્યૂઝીલૅન્ડની સંસદની કુલ 92 બેઠકોમાંથી 4 બેઠકો માઓરી લોકો માટે અનામત રાખવામાં આવી છે.

જયકુમાર ર. શુક્લ