માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન
January, 2002
માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન (જ. 1901; અ. 1960) : બર્માના અર્લ માઉન્ટબૅટન લૂઇનાં પત્ની; 1922માં તેમનાં માઉન્ટબૅટન સાથે લગ્ન થયાં હતાં. 1940–42 દરમિયાનના લંડનમાં થયેલા ઉગ્ર અને વિનાશક હવાઈ હુમલા વખતે તેમણે રેડ ક્રૉસ તથા સેંટ જૉન ઍમ્બ્યુલન્સ બ્રિગેડને ગણનાપાત્ર સેવા આપી હતી અને 1942માં એ સંસ્થાનાં તેઓ સુપરિન્ટેન્ડન્ટ-ઇન-ચીફ નિમાયાં હતાં.
ભારતનાં વાઇસરેઇન (વાઇસરૉયનાં પત્ની) (1947) તરીકે તેમણે સામાજિક સેવાના ક્ષેત્રે બજાવેલી કીમતી કામગીરીના પરિણામે તેઓ ગાંધીજી અને નેહરુનાં પ્રીતિપાત્ર મિત્ર બન્યાં હતાં. સેંટ જૉન ઍમ્બ્યુલન્સ બ્રિગેડના સત્તાવાર કામે તેઓ બૉર્નિયો ગયાં હતાં ત્યારે અચાનક તેમનું અવસાન થયું હતું.
મહેશ ચોકસી