માઉન્ટબૅટન, લૂઇ (લૉર્ડ) (જ. 25 જૂન 1900, ફ્રૉગમૉર હાઉસ, વિન્ડસર ઇંગ્લૅન્ડ; અ. 27 ઑગસ્ટ 1979, ડાનેગૉલ બે, મલામોર કાઉન્ટી સ્લીગો, આયર્લૅન્ડ) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, બ્રિટિશ નૌકાકાફલાના ઍડમિરલ અને ભારતના છેલ્લા વાઇસરૉય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ. તેમનું મૂળ નામ લૂઇ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ. તેઓ 1917 સુધી પ્રિન્સ ઑવ્ લૂઇ ફ્રાન્સિસ ઑવ્ બૅટનબર્ગ તરીકે ઓળખાતા હતા.

તેઓ પ્રિન્સ લૂઇ બૅટનબર્ગનું ચોથું સંતાન હતા. તેમનાં પત્ની પ્રિન્સેસ વિક્ટૉરિયા ઑવ્ હેસ-ડ્રામસ્ટાડ સમ્રાજ્ઞી વિક્ટૉરિયાનાં પ્રપૌત્રી હતાં. બ્રિટનના શાહી કુટુંબની પશ્ચાદભૂમિકા ધરાવતા આ નેતાએ પોતાની કારકિર્દી દરમિયાન નૌકાદળમાં વિવિધ હોદ્દાઓ શોભાવ્યા હતા. તેમણે ભારત-પાકિસ્તાનના સ્વાતંત્ર્ય અંગેની મંત્રણાઓનું કુનેહભર્યું સંચાલન કરી લશ્કરને અને સંરક્ષણક્ષેત્રને સર્વોચ્ચ નેતૃત્વ પૂરું પાડ્યું.

તેમણે ઑસબૉર્ન અને ડાર્ટમથમાં શિક્ષણ મેળવ્યું અને શાહી સૈન્યમાં કૅડેટ તરીકે 1913માં પ્રવેશ મેળવ્યો. 1916થી નૌકાદળમાં વિવિધ હોદ્દાઓની જવાબદારીઓનું વહન કરી અસાધારણ કારકિર્દીની જમાવટ કરી. 1921માં પ્રિન્સ ઑવ્ વેલ્સના વરિષ્ઠ મદદનીશ અમલદાર (aide-de-camp) નિમાયા અને પ્રિન્સ સાથે પ્રથમ વાર ભારતની મુલાકાત લીધી. 1922માં એડ્વિના ઍશલે સાથે લગ્નગ્રંથિથી જોડાયા (જેમનું નૉર્થ બૉર્નિયોમાં અવસાન થયેલું). 1932માં તેઓ કૅપ્ટનના હોદ્દા પર પહોંચ્યા અને પછીનાં વર્ષો જર્મન અને ફ્રેંચ ભાષાના દુભાષિયા (interpreter) બન્યા. કેલી અને બીજા વિશ્વયુદ્ધનાં ફ્લોટિલા જહાજોના તેઓ મુખ્ય સંચાલક રહ્યા અને 1941માં એરક્રાફ્ટ કૅરિયરના કમાન્ડર બન્યા. 1942માં અગ્નિ એશિયામાં લશ્કરની સંયુક્ત કાર્યવહીના અને 1943માં આ જ વિસ્તારના સર્વોચ્ચ સેનાપતિ રહ્યા. આ દરમિયાન તેમણે ડી-ડે(6 જૂન 1944, ઇતિહાસની સૌથી મહાન લશ્કરી કાર્યવહીનો દિવસ)ની તૈયારીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. જાપાન વિરુદ્ધ યુદ્ધનું સફળ સંચાલન કર્યું અને લગભગ ગુમાવવાની અણી પર પહોંચેલા બર્મા(હાલના મ્યાનમાર)ને ફરીથી પ્રાપ્ત કર્યું. તેઓ 1946માં નૌકાદળમાં Flag rank સુધી પહોંચ્યા અને પહેલા વાઇકાઉન્ટ અને પછી 1947માં અર્લ બન્યા. આમ એક સામાન્ય નૌકા-અફસરમાંથી સર્વોચ્ચ ઉમરાવના હોદ્દા સુધી આપબળે પહોંચ્યા.

લૂઇ (લૉર્ડ) માઉન્ટબૅટન

માર્ચ 1947માં તેઓ ભારતના વાઇસરૉય બન્યા અને 15 માસના તેમના આ હોદ્દા દરમિયાન 3 જૂન 1947ના રોજ ‘માઉન્ટબૅટન પ્લાન’ રજૂ કર્યો, જેમાં મુખ્યત્વે બ્રિટિશ સામ્રાજ્યને સમેટી લેવાની પ્રક્રિયા અને હિંદુસ્તાનના ઉપખંડના ભાગલા દ્વારા ભારત અને પાકિસ્તાનની રચનાની યોજના કેન્દ્રમાં હતી. વાઇસરૉય તરીકે તેમણે આ બંને દેશો વચ્ચે સત્તાના હસ્તાંતરણમાં મહત્વની ભૂમિકા ભજવી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ (ઑગસ્ટ 1947થી જૂન 1948) નિમાયા. આ કામગીરી દરમિયાન ભારતના પૂર્વ રાજવીઓને ભારતીય પ્રજાસત્તાકમાં જોડાવાની સલાહ આપી અને ભારતના શુભેચ્છક તરીકેની ભૂમિકા ખૂબીપૂર્વક નિભાવી.

બ્રિટન પાછા ફર્યા બાદ 1950–52માં તેઓ ચોથા સી-લૉર્ડ (Sea-lord) બન્યા. 1952–54માં ભૂમધ્ય સમુદ્ર વિસ્તારના નૌકાકાફલાના સરસેનાધિપતિ રહ્યા, તેમજ 1953થી બ્રિટિશ સમ્રાજ્ઞીના અંગત સલાહકાર રહ્યા. 1956માં નૌકાકાફલાના ઍડમિરલ અને ચીફ ઑવ્ ધ યુ. કે. ડિફેન્સ સ્ટાફના હોદ્દા પર તેઓ નિયુક્તિ પામ્યા. 1959થી 1965 ચેરમૅન ઑવ્ ધ ચીફ્સ ઑવ્ સ્ટાફ કમિટીના હોદ્દા પર રહ્યા. 1966માં બ્રિટિશ જેલોની સલામતી અંગેની સમિતિમાં તેમણે કામગીરી બજાવેલી, જેનો નોંધપાત્ર અહેવાલ ‘માઉન્ટબૅટન રિપૉર્ટ’ તરીકે જાણીતો થયેલો. તેઓ 1974માં લેફ્ટેનન્ટ નિમાયા. 1975માં તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી.

1979માં મલામોર ખાતે બોટમાં બૉમ્બ મૂકીને, આઇરિશ રિપબ્લિકન આતંકવાદી દ્વારા તેમની હત્યા કરવામાં આવી.

રક્ષા મ. વ્યાસ