માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી

January, 2002

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી (જ. 1890, હૅલૅટ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1976) : માનવવંશવિજ્ઞાની અને લેખક. પોસ્ટ-ઑફિસ માટેના મિકૅનિક તરીકે તે ઑસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓના પરિચયમાં આવ્યા અને તેમની જીવનશૈલીના નિષ્ણાત જાણકાર બની ગયા.

તેમણે 1937માં ગુમ થયેલા સાહસખેડુ લુદવિગ લિચહાર્ટની શોધમાં સાહસ-અભિયાન હાથ ધર્યું; 1938થી 1960ના ગાળા દરમિયાન તેમણે મધ્ય ઑસ્ટ્રેલિયામાં 10 જેટલાં સાહસ-અભિયાન હાથ ધર્યાં. અમેરિકાની નૅશનલ જ્યોગ્રાફિકલ સોસાયટી માટે આર્નહેમ લૅન્ડ તથા મેલવિલ-1માં આદરેલા અભિયાનની તેમણે નેતાગીરી સંભાળી. ‘બ્રાઉન મૅન ઍન્ડ રેડ સૅન્ડ’(1948)થી આરંભીને તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં અને તેમાં તેમણે પોતે જ ઝડપેલા અનેક ફોટોગ્રાફ મૂકીને એ પુસ્તકોને દસ્તાવેજી સામગ્રીથી પ્રમાણભૂત અને સમૃદ્ધ બનાવ્યાં અને એ રીતે આદિવાસી સમૂહો તથા તેમની સંસ્કૃતિ વિશે સચિત્ર અને વૈજ્ઞાનિક માહિતી દ્વારા બહારના જગત સમક્ષ નવો જ પ્રકાશ પાથર્યો.

મહેશ ચોકસી