માઉઝો, દામોદર (જ. 1 ઑગસ્ટ 1944, મજોર્ધ, ગોવા) : કોંકણી ભાષાના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘કાર્મેલિન’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.
તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યના વિષયમાં સ્નાતક થયા. પોતાના વતનમાં તેમણે ધંધો શરૂ કર્યો. તેમણે 2 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો અને બાલસાહિત્યનાં 3 પુસ્તકો આપ્યાં છે. ટૂંકી વાર્તાના સંગ્રહ ‘જાગરણમ્’ને કોંકણી ભાષા મંડલ ઍવૉર્ડ મળ્યો હતો. તેમની ઘણી ટૂંકી વાર્તાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમણે નાટકો પણ લખ્યાં છે. તેમણે વ્યાપક રીતે વિદેશપ્રવાસ ખેડ્યો છે.
ઊર્મિગત સંઘર્ષોનું સમભાવપૂર્ણ નિરૂપણ, માનવજીવન વિશેની ઊંડી સૂઝ, રસાળ વર્ણનકલા અને પ્રભાવક ભાષાને કારણે ‘કાર્મેલિન’ ગણનાપાત્ર કૃતિ ઠરી છે.
મહેશ ચોકસી