માઉ (1979) : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર મોહન કલ્પના-લિખિત નવલકથા. વિભાજન-વિભીષિકા, કોમવાદની જ્વાળા, વિશૃંખલિત સિંધી સમાજની કષ્ટદાયક પરિસ્થિતિ તથા પુનર્વસવાટ માટેના વિડંબનાયુક્ત સંઘર્ષની આ નવલકથા ‘માઉ’(માતા)ની નાયિકા કલ્યાણી તથા તેનો પુત્ર હશમત – એ બંને યાદગાર પાત્રો બની રહ્યાં છે.

સિંધમાં યુવાન હશમતને નિયાઝી નામક મુસ્લિમ યુવતી સાથે પ્રણયસંબંધો પાંગર્યા હતા. મા કલ્યાણીને આ સંબંધનો કોઈ વિરોધ નથી. તે માનવીય સંબંધોને વધુ મહત્વ આપે છે. પરંતુ નિયાઝીના મુસ્લિમ પિતાને આ પ્રણયસંબંધ સામે વિરોધ હોય છે. પરિણામે હશમત જીવનભર નિયાઝીનું સ્મરણ કરતાં તેના વિરહમાં ઝૂરતો રહે છે. કલ્યાણીનો પતિ તથા ભાઈ અંગ્રેજો સામે યુદ્ધે ચડે છે. ભાઈ મૃત્યુ પામે છે અને પતિ જેલ ભોગવે છે. કલ્યાણી વિભાજનનો વિરોધ કરે છે અને હિજરત ન કરવાનું સૂચન કરે છે, પરંતુ પરિસ્થિતિ હિજરત માટે તેને વિવશ બનાવે છે. ભારતમાં પુનર્વસવાટ માટે મા-પુત્રને સંઘર્ષ ખેડવો પડે છે, કષ્ટો વેઠવાં પડે છે. સ્થાનિક લોકોના દ્વેષભાવ તેમજ ભ્રષ્ટ વ્યવસ્થાની અવગણનાના તેમને ભોગ બનવું પડે છે. મૃત્યુ પૂર્વે મા કલ્યાણી પોતાનાં અસ્થિ સિંધુમાં વિસર્જિત કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે; પરંતુ તેની તે અંતિમ ઇચ્છા પણ ફળીભૂત થઈ શકતી નથી.

સિંધીમાં લખાયેલી આ નવલકથા 1979માં ભારતમાં પ્રગટ થયા બાદ, સિંધ-પાકિસ્તાનમાં પણ તેનું પુન:પ્રકાશન થયું હતું. ભારત ઉપરાંત સિંધમાં પણ આ કથાએ ચર્ચા જગાવી હતી.

સામાજિક, આર્થિક તેમજ રાજકીય દબાણો થકી માનવ-અસ્તિત્વ ઉપર કેવી વિપદાઓ સર્જાય છે, માનવી કેટલો વિવશ અને અપમાનિત બને છે અને અપ્રામાણિકતાની સામે ઝૂઝનાર પ્રામાણિક વ્યક્તિઓને કેટલા અને કેવા ભોગ આપવા પડે છે, તેવી સંઘર્ષમય કરુણ કથનીવાળી આ નવલકથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 1998માં ‘મા’ નામે ગુજરાતીમાં પણ પ્રગટ થઈ છે.

જયંત રેલવાણી