મહેશ યોગી, મહર્ષિ (જ. 1911, ભારત) : ભાવાતીત ધ્યાન નામના વિશિષ્ટ યોગપ્રકારના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. યોગસાધના તરફ તે વળ્યા તે પૂર્વેના તેમના જીવન વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. થોડોક સમય કારખાનાંઓમાં કામ કર્યા પછી તેઓ જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહેલા. ત્યાં તેર વર્ષ સુધી બાબા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ અધ્યયન કર્યું. 1952માં બાબા ગુરુદેવના અવસાન પછી મહેશ યોગીએ ભાવાતીત ધ્યાન(Transcendental Meditation – TM)ના પ્રચારાર્થે વિશ્વસ્તર પર ઝુંબેશ શરૂ કરી. 1957માં તેમણે વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક આત્મોન્નતિ ચળવળના શ્રીગણેશ કર્યા. 1967માં તેમણે ચેતનાશુદ્ધિના ક્ષેત્રમાં સંશોધનની શરૂઆત કરી અને તે દ્વારા સાત પ્રકારની ચેતના-અવસ્થા પર પ્રકાશ પાડ્યો. મહર્ષિ મહેશ યોગીના ભાવાતીત ધ્યાન (TM) અંગેના સંશોધનની પ્રમાણભૂતતા વિશે 1970માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિક ‘સાયન્સ ઍન્ડ સાયન્ટિફિક અમેરિકન’માં લખાણ પ્રસિદ્ધ થયું. 1972માં તેમણે પોતે તૈયાર કરેલ વૈશ્વિક યોજનાનું વિમોચન કર્યું અને તે દ્વારા ચેતનાશુદ્ધિ અંગેના નવા વૈજ્ઞાનિક અભિગમ ‘સર્જનાત્મક ગ્રહણશક્તિ’(Science of Creative Intelligence)નો પ્રારંભ કર્યો અને સાથોસાથ વિશ્વભરમાં તેનો પ્રસાર કરવા માટે ખાસ તાલીમ પામેલા પ્રચારકોને પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી, જેમની સંખ્યા 2001ના વર્ષમાં આશરે 40,000 જેટલી થઈ હતી.

મહર્ષિના ભાવાતીત ધ્યાન (TM) વિશેના વૈજ્ઞાનિક અભિગમ અંગે છેલ્લાં લગભગ 40 વર્ષમાં અઠ્ઠાવીસ જેટલા દેશોની 200 જેટલી યુનિવર્સિટીઓ તથા સંશોધનસંસ્થાઓમાં 600 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે; જેના તારણ રૂપે એવું સ્વીકારવામાં આવ્યું છે કે તેમના આ કાર્યક્રમ દ્વારા માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહિ, પરંતુ સામાજિક સ્તર પર પણ ઘણા લાભ થયા છે અને તે સ્વાસ્થ્ય, શિક્ષણ, વાણિજ્ય અને વ્યાપાર, ઉદ્યોગ, પુન:સ્થાપન, સંરક્ષણ, કૃષિ અને રાજ્ય-પ્રશાસન સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તે ઉપરાંત વિશ્વભરના લગભગ એક લાખ લોકો મહર્ષિના ભાવાતીત ધ્યાન અને સિદ્ધિ કાર્યક્રમનું પ્રત્યક્ષ અધ્યયન કરી ચૂક્યા છે અને તેઓ રોજ તેનો અભ્યાસ કરી રહ્યા છે.

મહર્ષિ મહેશ યોગી

મહર્ષિ મહેશ યોગીએ છેલ્લાં લગભગ 40 વર્ષમાં વિશ્વના બધા જ ભૌગોલિક વિભાગોમાં વિશ્વશાંતિ પરિષદો અને સભાઓનું આયોજન કર્યું છે. 1987માં તેમણે ‘મહર્ષિ વેદવિજ્ઞાન વિશ્વ-વિદ્યાપીઠ’ના નેજા હેઠળ 7,000 જેટલા વૈદિક વૈજ્ઞાનિકોનું જૂથ ઊભું કર્યું છે, જેમના દ્વારા મહર્ષિના ભાવાતીત ધ્યાન તથા ભાવાતીત સિદ્ધિ કાર્યક્રમો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

ઈ. સ. 2001ના વર્ષમાં વિશ્વના 108 દેશોમાં તેમનાં 1,200 જેટલાં કેન્દ્રો કાર્યરત છે, જેના દ્વારા તેમની વિચારસરણીનો પ્રસાર-પ્રચાર કરવામાં આવે છે. તેમના ફિલ્મ અને ટેપ ધરાવતા સંગ્રહાલયમાં તેમનાં વ્યાખ્યાનોનાં ર્દશ્ય અને શ્રાવ્ય ટેપ-મુદ્રણો(tape recordings)ની કુલ લંબાઈ એટલી છે કે તે સળંગ 14,000 કલાક સુધી જોઈ-સાંભળી શકાય. ભૂતકાળનાં હજારો વર્ષ દરમિયાન વિશ્વમાં અત્રતત્ર ફેલાયેલા વૈદિક સાહિત્યનો વ્યવસ્થિત સંચય કરવામાં તેમને સફળતા મળી છે.

બૅંગલોર ખાતે આયોજિત પ્રથમ વિશ્વસંમેલનમાં તેમને ‘મહર્ષિ’ પદ અર્પવામાં આવ્યું હતું. ત્યારબાદ અમેરિકા અને સ્વિટ્ઝર્લૅડમાં ‘મહર્ષિ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો’ની સ્થાપના કરવામાં આવી હતી.

ભાવાતીત ધ્યાન અંગેની તેમની વિચારસરણીના પ્રચારાર્થે તેઓ વિશ્વભરમાં પ્રવાસ કરતા રહે છે. તેને કારણે તેઓ તેમના અનુયાયીઓમાં ‘ધ ફલાઇંગ યોગી’ નામથી ઓળખાય છે.

મહર્ષિ યોગીના ‘ભાવાતીત ધ્યાન’ વિચારસરણીના સિદ્ધાંતોની વિશદ ચર્ચા તેમના બે ગ્રંથો : ‘ધ સાયન્ય ઑવ્ બીઇંગ ઍન્ડ આર્ટ ઑવ્ લિવિંગ’ (1963) તથા ‘મેડિટેશન્સ ઑવ્ મહર્ષિ મહેશ યોગી’(1968)માં કરવામાં આવી છે. તેમની પ્રવૃત્તિનાં મુખ્ય કેન્દ્રો સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત (હરદ્વાર) ખાતે આવેલાં છે.

ભગવતીપ્રસાદ પંડ્યા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે