મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે.

મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો.

પુરાણો અનુસાર યદુવંશની હૈહય શાખાના મહિષ્માન્ નામના રાજાએ માહિષ્મતી વસાવ્યું હતું. એ વંશના રાજા કાર્તવીર્ય સહસ્રાર્જુનની આ રાજધાની હતી. કિંવદંતી છે કે તેણે પોતાની સહસ્ર ભુજાઓ વડે નર્મદાના પ્રવાહને રોક્યો હતો. સહસ્રાર્જુન ભાર્ગવ પરશુરામને હાથે મરાયો હતો.

મહાજનપદોના કાળમાં મહેશ્વર ચેદિ જનપદની રાજધાની હતી. બૌદ્ધ સાહિત્યમાં એને દક્ષિણ-અવંતી જનપદનું મુખ્ય નગર કહેવામાં આવેલ છે. પતંજલિના મહાભાષ્યમાં ઉજ્જયિનીથી માહિષ્મતીની યાત્રાનો ઉલ્લેખ મળે છે. વસ્તુત: એ સમયે ઉજ્જયિનીથી પ્રતિષ્ઠાન જવાના માર્ગ પર આવેલ આ નગર વ્યાપાર અને સમૃદ્ધિના કેન્દ્રરૂપ હતું. માહિષ્મતીના યાત્રાળુઓએ સાંચીના સ્તૂપો કરાવવામાં જે ઉદારતાપૂર્વક ફાળો આપેલો તેના ઉલ્લેખ સાંચીના શિલાલેખોમાં મળે છે. મહેશ્વરમાંથી ઈ. પૂ. બીજી સદીની તામ્રમુદ્રાઓ મળી છે; તેમાં માહિષ્મતી નગરીનું નામ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલું છે. કાલિદાસ, દંડી અને રાજશેખરે માહિષ્મતીનું વર્ણન કર્યું છે. કાલિદાસે રઘુવંશ(6-43)માં ઇંદુમતીના સ્વયંવર પ્રસંગે માહિષ્મતીનું વર્ણન કરતી વખતે નગરના કોટને ફરતી નર્મદાને ‘નિતંબકાંચી’ (ઘૂઘરીવાળો કંદોરો) કહી છે. કાલિદાસે આ નગરના રાજા પ્રતીપને ‘અનૂપરાજ’ કહ્યો હોવાથી આ વિસ્તાર ‘અનૂપ’ (જળની નિકટનો પ્રદેશ) તરીકે ઓળખાતો હોવાનું પ્રતીત થાય છે. ચીની યાત્રી યુ આન શ્વાંગે ઈ. સ. 640માં આ નગરની મુલાકાત લીધી હતી. તેના જણાવ્યા મુજબ અહીં એક બ્રાહ્મણ રાજા રાજ્ય કરતો હતો. પ્રખ્યાત અનુશ્રુતિ મુજબ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરનાર પ્રસિદ્ધ મીમાંસક પંડિત મંડનમિશ્ર અને તેમની વિદુષી પત્ની ભારતી માહિષ્મતીનાં નિવાસી હતાં. મહેશ્વર પાસે આવેલ મંડલેશ્વરને મંડનમિશ્રનું નિવાસસ્થાન બતાવાય છે. માહિષ્મતી મંડનમિશ્રના સમયમાં સંસ્કૃત વિદ્યા અને તત્વજ્ઞાનનું વિખ્યાત કેન્દ્ર હતું. ધીમે ધીમે સમીપના ઉજ્જયિની નગરનો વિકાસ થતાં માહિષ્મતી-મહેશ્વરનું ગૌરવ અને મહત્વ ઘટતાં ગયાં.

અઢારમી સદીમાં ઇંદોરનાં રાણી અહલ્યાબાઈ હોળકરે આ નગરને પોતાના વહીવટી મથક તરીકે અપનાવતાં તેનો ભારે વિકાસ થયો. તેમાં પ્રાચીન ગૌરવને પુન: પ્રસ્થાપિત કરવામાં અહલ્યાબાઈએ મહત્વનો ફાળો આપ્યો. નગરને ફરતા કિલ્લાને સમરાવવામાં આવ્યો અને મધ્યમાં રાજગઢ કરવામાં આવ્યો. નર્મદા નદીમાં ઊતરવા માટે ઘાટ કરવામાં આવ્યા. રાજગઢમાં હોળકર રાજપરિવારના સભ્યોના નિવાસ માટેના ખંડો અને તેની મધ્યમાં સિંહાસન પર બેઠેલ રાણી અહલ્યાબાઈનું મૂર્તિશિલ્પ ધ્યાનપાત્ર છે. અહલ્યાબાઈએ જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ મંદિરોના મંડોવરની દીવાલો તેમના પરના થરોની ગીચતા તેમજ તેમાંથી કાઢેલા ઝરૂખાઓને લઈને જુદાં તરી આવે છે. મંદિરોનાં પ્રવેશદ્વારો પરની કોતરણી પણ વિશિષ્ટ છે. નર્મદાનદીને કાંઠે અહલ્યાબાઈ તથા બીજા હોળકર રાજાઓની હિંદુ મંદિરોની અનુકૃતિરૂપ છતરીઓ (સ્મૃતિમંદિરો) ઉલ્લેખનીય છે. નર્મદાકાંઠે આવેલા પેશવાઘાટ, ફણસેઘાટ અને અહલ્યાઘાટ એક જ હરોળમાં આવેલા છે. અહલ્યાબાઈએ અહીં વિશિષ્ટ પ્રકારના વણાટકામવાળી સાડીઓ વણવાની કલાને ઉત્તેજન આપેલું. ‘મહેશ્વરી’ તરીકે ઓળખાતી એ સાડીઓ આજે પણ વિખ્યાત છે.

મહેશ્વર અને સામે કાંઠે આવેલા નાવડાટોલીમાં 1952–’53માં ડૉ. હસમુખ સાંકળિયાના નિર્દેશનમાં પુરાતત્વીય ઉત્ખનન થયું અને પછી 1957થી 1959 દરમિયાન મોટા પાયા પર ઉત્ખનન થયું. આનાથી ઈ. પૂ. 1500થી ઈ. પૂ. 1000 દરમિયાન વિકસેલી તામ્રાશ્મ યુગની સભ્યતા પ્રકાશમાં આવી છે. તે પરથી જણાયું છે કે આ સભ્યતાના લોકો માટીનાં ઘરોમાં રહેતા હતા. એ મકાનો આકારમાં ચોરસ, લંબચોરસ કે વૃત્તાકાર હતાં. દીવાલો તથા છતો ઘાસમાટીના ગારાની બનતી; છતો સપાટ બનતી અને તેને વાંસની ચીપોથી આધાર અપાતો. દીવાલોને સફેદ માટી કે ચૂનાનું અસ્તર કરવામાં આવતું. ચૂનો અને કાળી કે પીળી માટીના ગારાથી ભોંય કરવામાં આવતી. લોકો ઘઉં, ચણા, વટાણા, મસૂર, મગ અને ડાંગરની ખેતી કરતા હતા. તેઓ ચાકડા પર માટીમાંથી સુંદર વાસણો બનાવતા અને તેને લાલ કે સફેદ રંગે રંગીને તેના પર કાળા રંગની આકર્ષક ચિત્રકારી કરતા. માહિષ્મતીના લોકો પથ્થર, તાંબું અને કાંસાનાં વિવિધ ઓજારો બનાવતા. આ સભ્યતાના લોકો મહાભારત અને પુરાણોમાં વર્ણિત હૈહય લોકો હોવાનું મનાય છે. તેઓના પરદેશમાં ઈરાન સાથે અને અંતર્વર્તી પ્રદેશોમાં ચંબલ અને તાપી-ગોદાવરી વિસ્તારમાં રહેતા સમકાલીન લોકો સાથે સંપર્ક હતા. ઈ. પૂ. 400થી માહિષ્મતીમાં લોખંડનાં ઉપકરણોનો ઉપયોગ થતો હોવાનું જણાયું છે. ધીરે ધીરે પાકી ઈંટોનાં બનેલાં મકાનોમાં તેઓ રહેવા લાગ્યા. કાલિદાસ અને મંડનમિશ્રના સમયમાં અહીં પ્રચલિત સભ્યતા તત્કાલીન ઉજ્જયિની અને વિદિશા વગેરે નગરોની સભ્યતા સાથે સામ્ય ધરાવે છે.

પ્રવીણચંદ્ર પરીખ