મહેન્દ્રપાલ પહેલો (રાજ્યઅમલ : 885–908) : કનોજના રાજા ભોજનો પુત્ર અને પ્રતીહાર વંશનો રાજા. તે ‘મહેન્દ્રાયુધ’, ‘નિર્ભય-નરેન્દ્ર’ અથવા ‘નિર્ભયરાજ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે વારસામાં મળેલ સામ્રાજ્ય સાચવી રાખ્યું તથા તેને પૂર્વ તરફ વિસ્તાર્યું હતું. તખ્તનશીન થયા બાદ તેણે મગધ તથા ઉત્તર બંગાળના મોટા-ભાગના પ્રદેશો પાલ રાજા પાસેથી જીતી લીધા હતા. આ તેનું નોંધપાત્ર પરાક્રમ હતું. તેના લેખો સૌરાષ્ટ્ર, પૂર્વ પંજાબ, ઝાંસી જિલ્લો અને અવધ(ઔંધ)માંથી મળી આવ્યા છે. મહેન્દ્રપાલના સમયનાં બે તામ્રપત્રો ઊના(સૌરાષ્ટ્ર)માંથી મળ્યાં છે. તેમાંથી તરુણાદિત્ય નામના સૂર્યમંદિરને બે ગામ આપ્યાનો લેખ છે. ચાલુક્ય વંશના બાહુક-ધવલનો પુત્ર બલવર્મા અને પૌત્ર અવનિવર્મા મહેન્દ્રપાલના મહાસામન્તો હતા. તેનું  સામ્રાજ્ય હિમાલયથી વિંધ્યાચળની પર્વતમાળા તથા પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર સુધી વિસ્તર્યું હતું. તેનું પાટનગર કનોજ હતું. મહેન્દ્રપાલ વિદ્વાનોનો આશ્રયદાતા હતો. પ્રસિદ્ધ લેખક અને કવિ રાજશેખર તેનો ગુરુ હતો. તે મહેન્દ્રપાલના દરબાર માટે આભૂષણરૂપ હતો.

જયકુમાર ર. શુક્લ