મહેન્દ્રનગર : નેપાળના નૈર્ઋત્ય ભાગમાં, ભારત-નેપાળની સરહદ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 55´ ઉ. અ. અને 80° 20´ પૂ. રે. . હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં તે આશરે 4,000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરની દક્ષિણે ગંગાની સહાયક નદીઓ પૈકીની એક નદીનું ઉદગમસ્થાન આવેલું છે. ઊંચાઈને કારણે અહીંનું વાતાવરણ એકંદરે હૂંફાળું રહે છે. અહીંનું શિયાળાનું અને ઉનાળાનું તાપમાન અનુક્રમે આશરે 10° સે. અને 26° સે. જેટલું રહે છે. વરસાદ આશરે 3,500 મિમી. જેટલો પડે છે. આ શહેરની આજુબાજુના ભાગોમાં શાકભાજી, શેરડી, મકાઈ અને જુવારના ખેતીના પાકો લેવાય છે. પશ્ચિમ નેપાળનાં મહત્વનાં શહેરો પૈકીનું તે એક ગણાય છે. આજુબાજુના વિસ્તાર માટે તે વેપારી મથક બની રહેલું છે. અન્ય શહેરો સાથે તે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. આ શહેરની વસ્તી આશરે 50,000 જેટલી છે. અહીં નેપાળી ભાષાનો વધુ ઉપયોગ થાય છે.

નીતિન કોઠારી