મહેન્દ્રપાલ બીજો (ઈ. સ. 945–’46) : પ્રતીહાર વંશનો રાજા. વિનાયકપાલનો પુત્ર. તેના પછીનાં 15 વર્ષમાં (1) દેવપાલ, (2) વિનાયકપાલ બીજો, (3) મહિપાલ બીજો અને (4) વિજયપાલ – એમ ચાર રાજાઓ થઈ ગયા. આ ચાર અલગ રાજાઓ હતા કે અલગ નામ ધરાવનાર બે રાજા હતા, તે બાબતમાં ઇતિહાસકારો અલગ અલગ મત ધરાવે છે. રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલા પરતાબગઢના ચાહમાનો મહેન્દ્રપાલ બીજાનું સાર્વભૌમત્વ સ્વીકારતા હતા તથા તેના અધિકારીઓને ઉજ્જૈન અને માંડુમાં નીમ્યા હતા એમ ઈ. સ. 945–’46ના લેખમાં જણાવ્યું છે. તેનું પાટનગર કનોજમાં હતું. તેણે મહોદયમાં મંદિર બાંધવા તેની રહેણાકની જગામાંથી ભૂમિદાન કર્યું હતું. દસમી સદીના દિગંબર જૈન વિદ્વાન સોમદેવ તેના સંપર્કમાં આવ્યા હતા અને મહેન્દ્રપાલ બીજાના સૂચનથી તેમણે ‘નીતિવાક્યમિત્ર’ ગ્રંથની રચના કરી હતી.

જયકુમાર ર. શુક્લ