મહેદવી પંથ : ભારતમાં મધ્યકાલમાં પ્રગટેલો ઇસ્લામનો એક ઉદારવાદી પંથ. તેના અનુયાયીઓ ‘ગયર મેહદી’ કે કયામત પહેલાં આવનાર ઇમામ મહેદીમાં નહિ માનતા હોવાથી પોતાને મહેદવી તરીકે ઓળખાવતા.
ઇસ્લામની માન્યતા છે કે આ દુનિયા પર પાપ વધી જશે અને ઇસ્લામમાંથી લોકોનું યકીન ઘટી જશે ત્યારે કયામત પહેલાં ઇમામ મહેદી આવીને સાત વર્ષ રાજ્ય કરશે. તેઓ ઇસ્લામના ઘટતા જતા યકીનને પુન: તાજું કરશે અને દુનિયામાં અદલ ઇન્સાફ ફેલાવશે. તેમના આવી ગયા પછી પાપનો પશ્ર્ચાત્તાપ કરીને મુક્તિ મેળવવાનો માર્ગ બંધ થઈ જશે.
મહેદવી પંથમાં માનનારા લોકોને મતે તેમના પીર સૈયદ મોહમ્મદ મહેદી પહેલા આવનાર ઇમામ મહેદી હતા અને તેઓ આવી ગયા છે તેથી હવે કોઈ ઇમામ મહેદી આવશે નહિ.
મહેદવી પંથના સ્થાપક સૈયદ મોહમ્મદ મહેદીનો જન્મ જૌનપુરમાં 1443માં થયો હતો. તેમણે ચાળીસમે વર્ષે ‘વલી’ તરીકે વર્તવા માંડ્યું હતું. ત્યારપછી તેમણે જૌનપુરથી મક્કા જઈ ત્યાંથી ગુજરાતમાં આવી અમદાવાદ, પાટણ અને અન્ય સ્થળોએ પોતાના પંથનો પ્રચાર કર્યો અને અનેક અનુયાયીઓ એકઠા કર્યા. સૈયદ મોહમ્મદ પોતે ‘મહેદી’ હોવાનો દાવો કરતા હતા. તેમના પછી થયેલા શેખ અબદુલ્લા નિયાઝ અને શેખ અલાઈએ આ પંથનો ખૂબ પ્રચાર કર્યો; તેથી ઉત્તર પ્રદેશ, સિંધ, ગુજરાત અને વિદર્ભમાં તેનો ફેલાવો થયો.
મહેદવી પંથમાં બધા ધર્મોના લોકોનો આદર કરવો, ચારિત્ર્યશીલતા દાખવવી, અલ્લાહની બંદગી કરવી વગેરે આચારો ઉપર ભાર મૂકવામાં આવે છે.
ઇમામ મહેદી જાહેર થયા અને તેઓ ચાલ્યા ગયા એવા પ્રચારને લઈને સેંકડો મહેદવીઓએ જાન ગુમાવ્યા હતા. આમાં અમદાવાદમાં ઈ. સ. 1645માં ગુજરાતના મુઘલ સૂબેદાર ઔરંગઝેબે કરેલી કતલ પ્રસિદ્ધ છે. એમાં મહેદવીઓના આગેવાન પાલનપુરના સૈયદ રાજુ અને તેમના બાવીસ અનુયાયીઓની કતલ કરવામાં આવી હતી.
પ્રવીણચંદ્ર પરીખ