મહેન્દ્ર (મહેન્દુ) : અગિયારમી સદીમાં થઈ ગયેલો નડૂલનો ચાહમાન રાજા. ચાહમાનો(ચૌહાણો)નાં કેટલાંક રાજ્યો રાજસ્થાનમાં સ્થપાયાં, તેમાં શાકંભરી(સાંભર-અજમેર)નું રાજ્ય ગણનાપાત્ર છે. શાકંભરીનું ચાહમાન રાજ્ય વાસુદેવે સાતમી સદીમાં સ્થાપ્યું. એના વંશમાં થયેલ દુર્લભરાજના પિતા સિંહરાજના કનિષ્ઠ ભાઈ લક્ષ્મણે નડૂલ કે નાડોલ(જોધપુર પાસે)માં ચાહમાન રાજ્યની એક અલગ શાખા સ્થાપી. એના પુત્ર શોભિતે આબુ પ્રદેશ કબજે કર્યો, પરંતુ એના પુત્ર બલિરાજ પાસેથી આબુ અને એની આસપાસનો પ્રદેશ રાજા મુંજે પડાવી લીધો. બલિરાજ પછી એના કાકા વિગ્રહપાલનો દીકરો મહેન્દ્ર (મહેન્દુ) ગાદીએ આવ્યો. નડૂલના ચાહમાનો અને શાકંભરીના ચાહમાનો વચ્ચે હવે સંઘર્ષ ચાલતો હતો. શાકંભરીના રાજા દુર્લભરાજે નડૂલના રાજ્ય પર આક્રમણ કર્યું. મહેન્દ્ર સ્વતંત્ર રીતે તેનો સામનો કરી શકે તેમ નહોતો. તેથી એણે રાષ્ટ્રકૂટ વંશના રાજા ધવલનો આશ્રય લઈ રાજ્ય પાછું મેળવ્યું. દ્વ્યાશ્રય કાવ્યમાં હેમચંદ્રાચાર્યે જણાવ્યા મુજબ રાજા મહેન્દ્રે સ્વયંવર યોજીને પોતાની બહેન દુર્લભદેવીનાં લગ્ન ગુજરાતના દુર્લભરાજ સાથે કર્યાં હતાં. તે પછી મહેન્દ્રે તેની નાની બહેન લક્ષ્મીનાં લગ્ન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કર્યાં હતાં.

રામજીભાઈ ઠા. સાવલિયા