મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ તથા સ્મરણશક્તિનો વારસો તેમણે દીપાવ્યો. નાનપણમાં માતાનું અવસાન થતાં પિતાની સીધી દેખરેખ નીચે ઉછેર.

હંસા મહેતા

અભ્યાસમાં તેજસ્વી. ગણિત અને ભૂમિતિ પર નાનપણથી જ પ્રભુત્વ. 1913માં મૅટ્રિકની પરીક્ષામાં બહેનોમાં પ્રથમ. આથી ‘ચેટફીલ્ડ પ્રાઇઝ’ અને ‘નારાયણ પરમાણંદ ઇનામ’ મળ્યાં. નેતૃત્વશક્તિને લીધે ‘બૉમ્બે પ્રેસિડન્સી સ્ટુડન્ટ્સ ફેડરેશન’ની વડોદરા શાખાનાં પ્રમુખ. સ્વાતંત્ર્ય-ચળવળની ભાવનામાં રંગાયેલાં તેમણે આગળ પડીને વિદ્યાર્થીસમાજની સ્થાપના કરી. 1916માં ‘ગંગાબાઈ ભટ્ટ સ્કૉલરશિપ’ મેળવી ઇન્ટર થયાં. 1918માં ફિલૉસૉફી સાથે બી.એ. (ઑનર્સ) થયાં. વધુ અભ્યાસ અર્થે 1919માં ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં તેમનો મેળાપ સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થયો. 1920માં જિનીવા ખાતેના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની સાથે હિંદનાં પ્રતિનિધિ તરીકે હાજરી. એમ વૈશ્વિક ભૂમિકાએ સ્ત્રીઓની લડતનાં તેઓ અગ્રણી નેતા બન્યાં.

વિદેશથી પરત આવી સમજપૂર્વક, સમાજની ટીકાઓની પરવા કર્યા વગર ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્ન બાદ 1925માં તેઓ મુંબઈ ગયાં.

સ્ત્રીવિકાસ અને કેળવણી – એ બે તેમનાં મુખ્ય કાર્યક્ષેત્રો બન્યાં. તેઓ અનેક સંસ્થાઓમાં સભ્યપદે કે પ્રમુખપદે કે કોઈક જવાબદારી સાથે સંકળાયેલાં હતાં. કેળવણીના ક્ષેત્રે તો પ્રાથમિકથી માંડી ઉચ્ચ કેળવણી સુધીના વિવિધ તબક્કામાં તેમણે બહુ નોંધપાત્ર યોગદાન કર્યું છે. 1946થી 1948 દરમિયાન એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર; જ્યારે 1949થી 1958 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીના ઉપકુલપતિ. કોઈ મહિલા ઉપકુલપતિ બને તેવી આ પ્રથમ ઘટના હતી. વડોદરા તેમજ દિલ્હીમાં ગૃહવિજ્ઞાનના અભ્યાસક્રમની શરૂઆત તેમણે કરાવી.

નીડરતા અને કર્મઠતા જેવા ગુણોને કારણે અસહકારની ચળવળ વખતે દારૂ, તાડી ને વિદેશી કાપડના પિકેટિંગની ગાંધીજીએ સોંપેલી જવાબદારી તેમણે પૂરી નિષ્ઠા અને જુસ્સાથી સંભાળેલી. 1947ની મધ્યરાત્રિએ સત્તાના હસ્તાંતરની ઘટના વખતે, સરોજિની નાયડુની અનુપસ્થિતિને લીધે, ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક સક્રિય સભ્ય તરીકે, તેમના હાથે નહેરુને અપાયેલો. સ્વાતંત્ર્ય બાદ પણ તેમણે અનેક જવાબદારીભરેલાં કાર્યો કરેલાં. તેઓ માનવ-અધિકારનાં પ્રખર હિમાયતી હતાં. યુનેસ્કોમાં એ સંદર્ભે કેટલીક નોંધપાત્ર સક્રિયતા એમણે દાખવેલી.

પત્રકારત્વના અભ્યાસને કારણે તેઓ ‘હિન્દુસ્તાન’ સાપ્તાહિકનાં સહતંત્રી અને પછી મુંબઈની ‘ભગિની સમાજ’ની પત્રિકાનાં માનાર્હ મંત્રી થયેલાં. સંભવત: તેઓ પ્રથમ ગુજરાતી સ્ત્રી પત્રકાર હતાં. લેખન તેમના રસનું ક્ષેત્ર. બાલકિશોરસાહિત્ય અને અનુવાદક્ષેત્રના ઉલ્લેખનીય કાર્ય તરીકે ‘બાલવાર્તાવલિ’ (ભાગ 1, 1926; ભાગ 2, 1929), ‘બાવલાનાં પરાક્રમો’ (1929), ‘ગોળીબારની મુસાફરી’ (1931), ‘અરુણનું અદભુત સ્વપ્ન’ (1934) વગેરે નોંધી શકાય. અંગ્રેજી તેમજ સંસ્કૃતમાંથી કેટલાક અનુવાદો ઉપરાંત અંગ્રેજીમાં ત્રણેક કૃતિઓ આપી છે.

આ પ્રતિભાવંત ગુજરાતી મહિલા નોંધપાત્ર કામગીરી બજાવતાં 98 વર્ષની વયે અવસાન પામ્યાં.

શ્રદ્ધા ત્રિવેદી