મહીપાલ (પ્રતીહાર) : અવન્તિના પ્રતીહાર વંશનો રાજા. અવન્તિના પ્રતીહાર વંશમાં નાગભટ બીજો, ભોજ પહેલો અને મહેન્દ્રપાલ જેવા પ્રતાપી રાજા થયા. મહેન્દ્રપાલના મૃત્યુ પછી એના પુત્રો વચ્ચે ગાદીવારસા માટે ખટરાગ થયો. યુવરાજ મહીપાલે પિતાનો રાજ્યવારસો લીધો, પરંતુ ચેદિરાજ કોક્કલદેવે તથા રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે મહીપાલને હરાવી કુમાર ભોજ(બીજા)ને ગાદી અપાવી. ભોજદેવે થોડાં વર્ષ રાજ્ય ભોગવ્યું, પરંતુ ચંદેલ રાજા હર્ષદેવની મદદ લઈ મહીપાલે થોડા વખતમાં પોતાની સત્તા પુન: પ્રાપ્ત કરી.

સૌરાષ્ટ્રમાં વઢવાણના ચાપ (ચાવડા) વંશના રાજા ધરણીવરાહ ઈ. સ. 914ના (શક વર્ષ 836) દાનપત્રમાં આ રાજાધિરાજ પરમેશ્વર શ્રીમહીપાલદેવનો પોતાના પરમસ્વામી તરીકે નિર્દેશ કરે છે. ઈ. સ. 915–16માં હિંદના પ્રવાસે આવેલ અરબ પ્રવાસી અલ-મસૂદીએ આ ગુર્જર રાજાના વિશાળ પ્રબળ રાજ્યની ભારે પ્રશંસા કરી છે. દક્ષિણે આ રાજ્ય રાષ્ટ્રકૂટોના રાજ્યને અને પશ્ચિમે સિંધના અરબ રાજ્યને સ્પર્શતું હતું. એની ચતુરંગ સેનામાં સાતથી નવ લાખ સૈનિકો હતા ને એના રાજ્યમાં ઘોડા અને ઊંટની ઘણી સંખ્યા હતી.

સંસ્કૃત કવિ રાજશેખર મહેન્દ્રપાલની જેમ મહીપાલના પણ રાજકવિ હતા. એમણે મહીપાલને ‘આર્યાવર્તના મહારાજાધિરાજ’ કહ્યા છે. રાજશેખરકૃત ‘પ્રચંડ પાંડવ’માં તથા ક્ષેમીશ્વરકૃત ‘ચણ્ડ કૌશિક’માં મહીપાલદેવના દિગ્વિજયનો નિર્દેશ આવે છે. એ પરથી મહીપાલદેવે ગાદી પર સ્થિર થયા પછી વિજયયાત્રા આરંભી જણાય છે. પશ્ચિમ પંજાબના પ્રદેશ કાશ્મીરના રાજ્યે જીતી લીધેલા, તે તેણે પાછા મેળવ્યા. દક્ષિણમાં એણે કુન્તલ-કર્ણાટના રાષ્ટ્રકૂટોનો પરાભવ કર્યો ને છેક કલિંગ (ઓરિસા) સુધી પોતાની આણ વરતાવી. પરંતુ રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાએ પ્રતીહાર રાજ્ય પર આક્રમણ કરી છેક કનોજ સુધી વિજયકૂચ  કરી ને મહીપાલ ત્યાંથી પલાયન થઈ ગયો. પણ રાષ્ટ્રકૂટ સૈન્ય દક્ષિણમાં પાછું ફર્યું ને મહીપાલે પોતાની ઘણીખરી સત્તા પાછી મેળવી. મહીપાલ પછી એનો ભાઈ વિનાયકપાલ ગાદીએ આવ્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી