મહીપાલ પહેલો (શાસનકાળ ઈ. સ. 988–1038) : બંગાળના પાલ વંશનો એક પ્રતાપી સમ્રાટ. તેના પિતા વિગ્રહરાજ બીજાના અવસાન પછી તે ગાદીએ બેઠો ત્યારે પાલ રાજાઓના સામ્રાજ્યનું વિઘટન થઈને માત્ર મગધ એટલે કે દક્ષિણ બિહાર તેમની સત્તા હેઠળ રહ્યું હતું. દુર્ભાગ્યવશાત્ તેમણે બંગાળમાંનું પૂર્વજોનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેની સરહદ બહાર નાસી જવું પડ્યું હતું. મહીપાલે બંગાળનો ઘણો મોટો પ્રદેશ પાછો જીતી લીધો હતો, પરન્તુ તેની વિગતો પ્રાપ્ત થતી નથી. પોતાના શાસનકાળનાં બે-ત્રણ વર્ષમાં તેણે પૂર્વ બંગાળ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. તેથી પરોક્ષ રીતે સાબિત થાય છે કે ઉત્તર બંગાળ પણ તેણે જીતી લીધું હતું. તેના શાસનકાળના નવમા વર્ષના બાણગઢ ગ્રાન્ટના શિલાલેખમાં પૂર્વજોની સત્તા હેઠળના પ્રદેશો પુન: પ્રાપ્ત કરવા માટે તેની પ્રશંસા કરવામાં આવી છે. બંગાળની બહારના પાલ રાજાઓની સત્તા હેઠળના પ્રદેશો ફરી મેળવવામાં તેને વધુ સફળતા મળી હતી. ઉત્તર બિહારમાંથી તેના શિલાલેખો મળ્યા છે. તેથી કહી શકાય કે ઉત્તર બિહાર પણ તેણે પાછું મેળવ્યું હતું. બનારસ પાસે સારનાથમાં મળેલા ઈ. સ. 1026ના શિલાલેખમાંથી જાણવા મળે છે કે મહીપાલે બૌદ્ધોના તે પવિત્ર પ્રદેશમાં અનેક પવિત્ર ઇમારતો સુધરાવી હતી. આ નોંધ પરથી અનુમાન કરી શકાય કે મહીપાલના રાજ્યનો વિસ્તાર વારાણસી સુધી હતો. મહીપાલના રાજ્યકાળ દરમિયાન દક્ષિણ ભારતના ચોલ વંશના રાજા રાજેન્દ્રે બંગાળ પર આક્રમણ કર્યું. તેણે મહીપાલને હરાવીને મગધ, ગૌડ, અંગ (ભાગલપુર) આદિ જીતી લીધાં. તેના પાછા ફર્યા બાદ મહીપાલે તે પ્રદેશો કબજે કરી લીધા. મહીપાલના શાસનકાળનાં પાછલાં વરસોમાં, કલચુરી રાજા ગાંગેયદેવે અંગના રાજાને હરાવ્યો હતો, જે મહીપાલ પહેલો જ હતો. મહીપાલ પહેલાના શાસનકાળ દરમિયાન ભારત પર ગઝનીના શાસકોના હુમલા થયા હતા. મુસ્લિમોના હુમલા સામે પોતાના દેશનું રક્ષણ કરવા રચાયેલા હિંદુ શાસકોના સંઘમાં મહીપાલ જોડાયો ન હતો; તે માટે કેટલાક લેખકોએ આ બૌદ્ધધર્મી શાસકની સખત ટીકા કરી છે; પરન્તુ તેના અમલ દરમિયાન તેણે જે મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો, તે તેમણે ધ્યાનમાં લીધી નથી. શરૂનાં વરસોમાં તેણે પૂર્વજોના પ્રદેશો પુન: પ્રાપ્ત કરવાના હતા અને પાછલાં વરસોમાં તેણે તેના રાજ્ય પરના બે શક્તિશાળી હુમલા સામે રક્ષણ કરવાનું હતું. તેણે વિનાશ તરફ જતા પાલ વંશના રાજ્યને બચાવી લઈને તેની સત્તા અને ભવ્યતા પાછાં મેળવ્યાં તે એની નોંધપાત્ર સિદ્ધિ હતી. તેથી દેવપાલ પછી તે મહાન પાલ સમ્રાટ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યો હતો.

મહીપાલ બૌદ્ધ ધર્મ પાળતો હતો. વારાણસી, સારનાથ તથા નાલંદામાં અનેક ધાર્મિક મકાનો તથા મંદિરો તેણે બંધાવ્યાં હતાં અને જીર્ણ થયેલાં સુધરાવ્યાં હતાં. બોધગયામાં પણ તેણે બે મંદિરો બંધાવ્યાં હતાં. બંગાળનાં અનેક નગરો તથા જલાશયો સાથે તેનું નામ જોડાયેલું છે. આ રીતે અડધી સદીનો તેનો રાજ્ય-અમલ બંગાળના ઇતિહાસનો યાદગાર સમય હતો.

જયકુમાર ર. શુક્લ