મહીપસિંગ (જ. 1930, અમૃતસર) : હિન્દી તથા પંજાબી લેખક. ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિવેચન, નાટક એમ અનેક ક્ષેત્રોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા પંજાબીમાં પણ અનેક સાહિત્યકૃતિઓની રચના કરનાર મહીપસિંગનો જન્મ શીખ કુટુંબમાં થયો હતો. 1952માં હિન્દી વિષય લઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવીને મેળવી. એ પછી આગ્રા યુનિવર્સિટીમાંથી ગુરુ ગોવિંદસિંહની હિન્દી કવિતા પર સંશોધન કર્યું અને 1954માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ પછી મુંબઈની ખાલસા કૉલેજમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકે તે નિયુક્ત થયા અને 1955થી 1963 સુધી ત્યાં રહ્યા. તે પછી દિલ્હીની ખાલસા કૉલેજમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

1949થી એમણે વાર્તાલેખન શરૂ કર્યું. તેમણે 100 ઉપરાંત ટૂંકી વાર્તાઓ લખી છે. તેઓ હિન્દી તથા પંજાબી બંને ભાષાઓમાં લખે છે. અત્યારસુધીમાં એમના 4 વાર્તાસંગ્રહો હિન્દીમાં અને એક પંજાબીમાં પ્રગટ થયા છે. એમના વાર્તાસંગ્રહો છે. – ‘સુબ્હ કે ફૂલ’ (1959), ‘ઉજાલે કે ઉલ્લૂ’ (1964), ‘ધિરાવ’ (1965), ‘કુછ ઔર કિતના’ (1973), ‘કિતના સંબંધ’ (1979) ઇત્યાદિ. એમની પંજાબી વાર્તાઓમાં કથાવસ્તુ અને કથનરીતિમાં અનેક નવા પ્રયોગો જોવા મળે છે. એમની એકમાત્ર નવલકથા ‘યહ ભી નહીં’(1996)માં તેમણે સાંપ્રતકાલીન જીવનની વિષમતા તાર્દશતાથી નિરૂપી છે. એમણે 1967માં ‘સંચેતના’ નામની માસિક પત્રિકા શરૂ કરેલી. 1976માં જાપાનની કન્થાઈ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે એમને આમંત્ર્યા હતા. 1971માં દિલ્હીની હિન્દી એકૅડેમીએ ટૂંકી વાર્તાના લેખક તરીકે તેમને સુવર્ણચન્દ્રક પ્રદાન કર્યો હતો. 1971માં પંજાબ રાજ્ય તરફથી પંજાબી વાર્તાલેખક તરીકે એમને પુરસ્કાર મળ્યો હતો. 1989થી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

ચન્દ્રકાન્ત મહેતા