મહમૂદ ગાવાન (જ. 1411, જીલાન, ઈરાન; અ. 14 એપ્રિલ 1481, બિદર, દક્ષિણ ભારત) : બહમની રાજ્યનો મુખ્ય વજીર. (વકીલુસ્ સલ્તનત). આશરે ઈ. સ. 1452માં બહમની રાજ્યના સુલતાન અલાઉદ્દીન અહમદશાહ બીજા(1435–1458)ના શાસન દરમિયાન તે વેપાર કરવા ભારતમાં આવ્યો હતો. પરિસ્થિતિ જોઈને તેણે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. તેની કુશળતા, મુત્સદ્દીગીરી અને દીર્ઘર્દષ્ટિને કારણે સુલતાન હુમાયૂં શાહના અવસાન (ઈ. સ. 1461) પછી બહમની સુલતાનો પર તેનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો હતો. તે ર્દઢ મનોબળનો, સાહસિક, ધીરજવાન તથા કાર્યદક્ષ હતો. સુલતાન મોહમ્મદશાહ ત્રીજાના શાસન (1463–1482) દરમિયાન મુખ્ય વજીર તરીકે તેની નિમણૂક કરીને તેને ‘મલેકુત તુજ્જાર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તે શાસનતંત્રનો નિષ્ણાત અને કુશળ સેનાપતિ હોવાથી રાજ્યના લશ્કરી તંત્રને વ્યવસ્થિત કરવામાં સફળ થયો. તેના સમયમાં રાજ્યના અમીરો બે પક્ષોમાં વિભાજિત હતા : (1) દખ્ખણના અમીરો તથા (2) વિદેશી અમીરો. તેઓમાં કુસંપ, અદેખાઈ અને ઝઘડા હતા; પરંતુ તેણે બંને જૂથોનો કુશળતાપૂર્વક ટેકો મેળવી સમતોલપણું જાળવ્યું. તેણે વહીવટી તંત્ર તથા અર્થતંત્રમાં સુધારા કર્યા. તેણે ખેતી-વિષયક સુધારા કરીને ખેડૂતોની સ્થિતિ સુધારી. તેણે રાજ્યની જમીનની માપણી કરાવીને જમીન-મહેસૂલ ઠરાવ્યું. લાંચ-રુશવતની બદી બંધ થાય તે માટે તેણે કડક પગલાં ભર્યાં અને વેરા વસૂલ કરવા માટે ખેડૂતો પર ત્રાસ ગુજારનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવહી કરી. તેણે સૈનિકોના પગારમાં વધારો કરીને તેમને પ્રોત્સાહિત કર્યા. આ રીતે આખા વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવ્યું.
તે ઇસ્લામ ધર્મના વિદ્વાનો (આલિમ ફાજેલો) સાથે સારા સંબંધો રાખતો. તે જાતે સાહિત્ય, ગણિત તથા ચિકિત્સામાં નિષ્ણાત અને શાયર પણ હતો. તેનો ગઝલસંગ્રહ તથા ‘રિયાઝુલ્ ઇન્શા’ નામનો પત્રોનો સંગ્રહ ફારસી સાહિત્યમાં જાણીતા છે. તેના પત્રોમાંથી બહમની સલ્તનતનાં અન્ય રાજ્યો સાથેના સંબંધો તથા સંઘર્ષો, અમીરોનાં વિરોધી જૂથોની પરસ્પર સ્પર્ધા તથા દરબારની ખટપટો વગેરે વિશે આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. તેણે બિદરમાં એક મદરેસાની સ્થાપના કરી તથા તેમાં તેણે પોતાની માલિકીના ત્રણ હજાર ગ્રંથો ભેટ આપ્યા હતા. આ મદરેસામાં ભણાવવા માટે તેણે ઈરાન અને ઇરાકથી કેટલાક વિદ્વાનોને નિમંત્રણો પાઠવીને બોલાવ્યા હતા. આ બધા ગુણો હોવા છતાં ધાર્મિક બાબતમાં તે અસહિષ્ણુ હોવાથી બિનમુસ્લિમોને મારી નાખવામાં તથા રક્તપિપાસા પ્રદર્શિત કરવામાં તેને આનંદ આવતો. તેના વિરોધી દખ્ખણના અમીરોએ બનાવટી રાજદ્રોહી પત્ર મહમૂદ ગાવાનના નામથી તૈયાર કરાવી, શરાબના નશામાં ચકચૂર સુલતાન મોહમ્મદશાહને બતાવ્યો. સુલતાને તેની કતલ કરાવી. પાછળથી પોતાના મૂર્ખાઈભર્યા કાર્ય માટે સુલતાનને પશ્ચાત્તાપ થયો હતો અને તેણે આઘાત પણ અનુભવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ