મહમૂદ ગઝ્નવી (જ. 971; અ. 1030, ગઝ્ના, અફઘાનિસ્તાન) : ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરનાર ગઝ્નવી વંશનો ગઝ્નાનો સુલતાન. તેણે યુદ્ધની તાલીમ લીધી અને તેના પિતા સબુક્તેગીનની ભારત ઉપરની ચડાઈઓમાં તે ભાગ લેતો હતો. પિતાના અવસાન (998) સમયે તે ખુરાસાનનો હાકેમ હતો. ભાઈ ઇસ્માઈલને લડાઈમાં હરાવી તે ગઝ્નાની ગાદીએ બેઠો. બગદાદના ખલીફાએ તેને માન્યતા આપી અને તેને ‘યમીનુદ્દૌલા’નો ખિતાબ આપ્યો. તેથી તેનો વંશ યમીની વંશ પણ કહેવાય છે. તેના રાજ્યમાં અફઘાનિસ્તાન તથા ખુરાસાનનો સમાવેશ થતો હતો. ભારતની અઢળક સંપત્તિ તથા વ્યાપક મૂર્તિપૂજા જોઈને તેણે ઈ. સ. 1000થી 1026 દરમિયાન ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરી. જોકે આ સંખ્યા વિશે ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. તેણે આ ચડાઈઓ દરમિયાન ખૈબરઘાટના પ્રદેશો, પેશાવર, મુલતાન, પંજાબ, નગરકોટ, થાણેશ્વર, મથુરા, ગ્વાલિયર, સોમનાથ અને અણહિલવાડ પાટણમાં વિપુલ દોલત લૂંટી, મંદિરોમાં લૂંટ ચલાવી, મૂર્તિઓ તોડી, કારીગરો તથા બીજા લોકોને ગુલામ તરીકે પકડ્યા અને હત્યાકાંડ સર્જ્યો. ઈ. સ. 1025માં મહમૂદે સૌરાષ્ટ્રમાં આવેલા વિખ્યાત સોમનાથ–પાટણ પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. તે ગુજરાતમાં અણહિલવાડ પાટણ નજીક આવે તે પહેલાં ભીમદેવ પહેલો નાસી ગયો અને તેણે કચ્છના કંથકોટમાં જઈ આશ્રય લીધો. મહમૂદે અણહિલવાડ કબજે કરી, પુરવઠો ઉમેરી સોમનાથ તરફ કૂચ કરી. મોઢેરામાં 20 હજાર સૈનિકોએ તેનો સામનો કર્યો; પરંતુ નિષ્ફળ ગયા. સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલ ઊના નજીક દેલવાડા પર હુમલો કરી ત્યાં લૂંટ અને કતલ કરી તથા મંદિરોનો નાશ કર્યો. ત્યાંથી તે સોમનાથ-પાટણ ગયો અને ત્યાંના કિલ્લા પર ભારે હુમલો કર્યો, દુર્ગના સૈનિકોને અંદર જવા ફરજ પાડી, કોટ પર ચડી અંદર પ્રવેશ કર્યો. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પાસે ભીષણ લડાઈ થઈ. મંદિરનું રક્ષણ કરતાં કરતાં આશરે 50 હજાર સૈનિકોએ બલિદાન આપ્યા પછી મુસ્લિમો મંદિર કબજે કરી શક્યા. મહાદેવના લિંગને ખોદી કાઢી તેના ટુકડા કરવામાં આવ્યા. મંદિર તોડીને તેમાંથી પુષ્કળ સંપત્તિ લૂંટી લેવામાં આવી. પાછા ફરતાં તેણે કચ્છ અને સિંધનો ઘણો વિકટ રસ્તો લેવો પડ્યો. એ માર્ગે એના સૈન્યને પુષ્કળ ખુવારી વેઠવી પડી. સોમનાથ પરની મહમૂદની ચડાઈથી અહીંના લોકોમાં હાહાકાર ફેલાયો, પરંતુ એની અસર લાંબો સમય ટકી નહિ.

ઇસ્લામી સુલતાનોમાં મહમૂદનું સ્થાન સેનાપતિ, વિદ્વાનોના આશ્રયદાતા તથા હુન્નરકળાના ઉત્તેજક તરીકે ઊંચું છે. મુસ્લિમ તવારીખકારોએ નીડર અને સાહસિક સુલતાન તરીકે તેનાં વખાણ કર્યાં છે. તેનામાં પોલાદી સંકલ્પશક્તિ હતી. તે તુર્ક જાતિમાં જન્મ્યો હતો અને જંગ ખેલવામાં આનંદ માણતો હતો. સમૃદ્ધ ભારત ઉપર વંટોળિયાની પેઠે તે હુમલો કરતો હતો અને પ્રાચીન સમયથી ભેગી કરેલી મંદિરોની સંપત્તિ ગઝ્ના લઈ જતો હતો. તે ધનલોભી હતો; તો સાથે સાથે ઉલેમાઓ અને શાયરોનો આશ્રયદાતા પણ હતો. ‘શાહનામા’ મહાકાવ્યનો કવિ ફિરદૌસી; ગણિત, દર્શનશાસ્ત્ર વગેરેના વિદ્વાન અલ્બિરૂની; ઇતિહાસકાર અલ્ઉત્બી તથા ઉન્સુરી અને ફર્રુખી જેવા શાયરો તેના દરબારનાં રત્નો હતાં. ગઝ્નામાં તેણે મહેલો, મદરેસા, મસ્જિદો વગેરેનાં બાંધકામ કરાવ્યાં હતાં. ભારત ઉપરનું તેનું પ્રત્યેક આક્રમણ ‘જેહાદ’ ગણાયું હતું.

જયકુમાર ર. શુક્લ