મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા અવસાન પામ્યા હતા અને તેઓ છ વર્ષના હતા ત્યારે માતા અમીના મરણ પામ્યાં. તેથી તેમના દાદા અબ્દુલ મુતાલિબે અને દાદાના અવસાન બાદ 578થી કાકા અબૂતાલિબે ઉછેર્યા. અબૂ- તાલિબ હાશિમ કબીલાના વડા બન્યા. આ દરમિયાન મહંમદસાહેબ ઘેટાં, બકરાં અને ઊંટ ચરાવવા જતા. બાર વર્ષની ઉંમરે તેઓ કાકાની સાથે માલ ભરેલી વણજાર લઈને વેપાર કરવા માટે સીરિયા અને પૅલેસ્ટાઇન જઈ આવ્યા. તે દરમિયાન તેઓ ખ્રિસ્તી અને યહૂદી ધર્મના પરિચયમાં આવ્યા તથા તેમણે વિશાળ અનુભવ મેળવ્યો. મક્કાના કુરેશીઓ તથા તાયફના બનીહવાઝિનો વચ્ચેની એક લડાઈમાં દુશ્મનોએ છોડેલાં તીર કાકા અબૂતાલિબને વીણી આપવાનું કામ તેમણે કર્યું. આ દરમિયાન કાબાની નબળી હકૂમતમાં હજ કરવા જતા અનેક લોકો લૂંટાતા હોવાથી તેમના રક્ષણાર્થે સ્થાપેલા સ્વયંસેવક-દળમાં તેઓ જોડાયા અને યાત્રીઓની સેવા કરી.

તેઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતા હોવાથી લોકો તેમને ‘અલ-અમીન’ (વિશ્વાસપાત્ર) કહેતા. તે સમયે મક્કાની શ્રીમંત વિધવા ખદીજાબીબીનો ઘણો સારો વેપાર ચાલતો હતો. તેમણે અબૂતાલિબની ભલામણથી મહંમદસાહેબને પોતાની પેઢીમાં નોકરી આપી. તેમની સચ્ચાઈ, હોશિયારી, પ્રામાણિકતા, નીતિમય જીવન અને કુશળ વહીવટથી ખદીજાને વેપારમાં ઘણો ફાયદો થયો. તેમના સદગુણોથી પ્રભાવિત થઈને ખદીજાબીબીએ પોતાની ચાળીસ વરસની વયે તેમની સાથે લગ્ન કર્યાં. મહંમદની ઉંમર ત્યારે પચીસ વર્ષની હતી. ખદીજાબીબી તેમનાથી પંદર વરસ મોટાં હતાં. શ્રીમંત વિધવા સાથે લગ્ન થવાથી મહંમદને આર્થિક મુશ્કેલી રહી નહિ. તેઓ હવે પોતાનો વધુ સમય ધાર્મિક ચિંતનમાં ગાળવા લાગ્યા. તેમનું લગ્નજીવન ઘણું સુખી હતું. મહંમદસાહેબ પચાસેક વર્ષના થયા અને ખદીજાબીબીનું અવસાન થયું ત્યાં સુધી તેમણે સંપૂર્ણ એકપત્નીવ્રત પાળ્યું.

મહંમદસાહેબ કિશોરવયથી જ ચિંતનશીલ તથા સ્વપ્નસેવી હતા અને આધ્યાત્મિક મનન કરતા હતા. તેઓ સ્વભાવે સંકોચશીલ હતા. ખ્રિસ્તી ધર્મના એકેશ્વરવાદથી અને તેના મૂર્તિપૂજાના વિરોધથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે પછાત, અજ્ઞાની અને અંધશ્રદ્ધાવાળી આરબ પ્રજાને સુધારવાનો ર્દઢ નિર્ધાર કર્યો. તેઓ વારંવાર એકાન્તમાં જઈ ચિંતન તથા પ્રાર્થના કરવા લાગ્યા. ઈ. સ. 610માં તેમની ચાળીસ વર્ષની વયે રમજાન માસની એક રાતે મક્કા નજીક હીરા પર્વતની ગુફામાં તેઓ ધ્યાન ધરતા હતા, ત્યાં તેમને અલ્લાહનો સંદેશ સંભળાયો કે, ‘તું ખુદાનો પયગંબર છે, અલ્લાહ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.’ આ દૈવી સંદેશાની વાત તેમણે તેમની પત્ની ખદીજાબીબીને કરી અને ખદીજાબીબી મહંમદ પયગંબરનાં પ્રથમ અનુયાયી બન્યાં. ત્યારબાદ પોતાને મળેલા આદેશાનુસાર તેમણે મક્કાના લોકોને ઉપદેશ આપવાની શરૂઆત કરી. અનેક દેવદેવીઓની મૂર્તિપૂજા છોડીને એક જ ઈશ્વરની પ્રાર્થના કરવાનો; ઊંચનીચના ભેદભાવ દૂર કરી, ભાઈચારો કેળવવાનો તેમણે બોધ આપ્યો. વળી દારૂ, જુગાર, વ્યભિચાર અને છોકરીઓની હત્યા જેવાં સામાજિક દૂષણોનો ત્યાગ કરી, સત્કર્મો કરવાનો તેમણે આરબ લોકોને ઉપદેશ આપ્યો; તેમ છતાં, ત્રણ વર્ષમાં, તેમના કાકા અબૂતાલિબનો દીકરો અલી, પાલક પુત્ર ઝૈદ તથા મક્કાના મશહૂર અને ધનવાન વેપારી અબૂ બક્ર સહિત માત્ર ચાળીસ અનુયાયીઓ તેમને મળ્યા. તેમનામાં ગરીબ અને સામાન્ય માણસો વધારે હતા. મહંમદસાહેબે કુરેશીઓની એક સભા ભરી, બધાં દેવદેવીઓને ત્યાગી માત્ર એક અલ્લાહની પ્રાર્થના કરવા જણાવ્યું. તેઓ મહંમદસાહેબની મજાક ઉડાવતા ઘેર ગયા. પોતાના કુટુંબના લોકોમાંથી પણ અલી સિવાય કોઈએ તેમની વાત ન સાંભળી. મક્કાવાળાઓ ન માનતાં તેમણે બહારથી આવતા યાત્રાળુઓને ઉપદેશ આપવા માંડ્યો. કુરેશીઓની આવક કાબાનાં 360 દેવદેવીઓની પૂજા દ્વારા થતી અને તે જ તેમના નિર્વાહનું સાધન હતું. તેના પર જ મહંમદસાહેબનો સીધો હુમલો હોવાથી કુરેશીઓ તેમના કટ્ટર વિરોધી થયા.

તેઓ ઉપદેશ આપવા ઊભા થતા ત્યારે તેમના પર મળ અને મૃત પ્રાણીઓનાં આંતરડાં ફેંકવામાં આવતાં. ઘોંઘાટ કરીને તેમનો અવાજ કોઈ સાંભળી ન શકે, એવો પ્રયાસ કરવામાં આવતો. વારંવાર પથ્થર મારીને તેમને ઘાયલ કરવામાં આવતા. એક વાર કાબા(અલ્લાહનું ઘર)માં તેમના પર હુમલો કરવામાં આવ્યો. અબૂ બક્રે તેમને બચાવ્યા ન હોત તો તેમને ત્યાં જ વિરોધીઓ પૂરા કરી નાખત. આમ છતાં તેમણે ઉપદેશ ચાલુ રાખ્યો ત્યારે કુરેશીઓએ તેમના અનુયાયીઓને પજવવા માંડ્યા. તેમના અનુયાયીઓમાંના યાસિર અને તેની પત્ની સમિયાને મારી નાંખવામાં આવ્યાં. તેમના પુત્ર અમ્મારને પણ યાતનાઓ આપી. કુરેશીઓના આગેવાનોએ તેમના પર દેશમાં ઝઘડો ઊભો કરવાનો, ઘરોમાં કુસંપ કરાવવાનો, બાપદાદાના ધર્મને વખોડવાનો તથા પોતાનાં દેવદેવીઓની નિંદા કરવાનો આરોપ મૂક્યો. લોકોએ તેમને વારંવાર ચમત્કાર બતાવવા કહ્યું. તેમણે જવાબ આપ્યો કે તેઓ કશો ચમત્કાર બતાવી શકતા નથી. આ પરિસ્થિતિમાં પુરાણા કટ્ટર વિચારના ઉમરનું હૃદયપરિવર્તન થયું અને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. એ રીતે તેમના કેટલાક કટ્ટર વિરોધીઓ તેમની નોંધપાત્ર સહિષ્ણુતા જોઈને તેમના અનુયાયીઓ બની ગયા. તેમ છતાં મક્કાની શેરીઓમાં તેમનો જીવ જોખમમાં રહેતો હતો. સલામતી માટે હાશિમો મહંમદસાહેબને લઈને મક્કાની પૂર્વે આવેલી એક સાંકડી ખીણમાં ત્રણ વરસ સુધી પુરાઈ રહ્યા. આ દરમિયાન તેમણે ઘણાં દુ:ખો ભોગવ્યાં. કેટલીક વાર તેમને કેટલાક દિવસ સુધી ઉપવાસ થતા હતા. થોડા સમય બાદ તેમના સમર્થ ટેકેદાર અને કાકા અબૂતાલિબ તથા તેમની જીવનસંગિની ખદીજાબીબી માત્ર ત્રણ દિવસના અંતરે ગુજરી ગયાં. એ બંનેનું મરણ તેમને માટે મોટી આફત હતું. ત્યારબાદ મહંમદસાહેબે મક્કાવાળાઓના ત્રાસમાંથી બચવા યસરબ (મદીના) જઈને ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા વિચાર્યું. પોતાના બધા સાથીઓને બે-બે ચાર-ચાર કરીને યસરબ મોકલી દીધા. મક્કાના હાકેમે મહંમદને શહેરમાંથી જીવતા ન જવા દેવાની – તેમનું ખૂન કરવાની યોજના ઘડી. તેઓ ઘરમાંથી પાછલે રસ્તે નીકળી, અબૂ બક્રને સાથે લઈ ચારેક માઈલ ચાલી, એક પહાડી ગુફામાં સંતાઈ ગયા. ત્યાં ત્રણ દિવસ સંતાઈ રહ્યા બાદ મદીના ગયા (ઈ. સ. 622). ઇસ્લામના ઇતિહાસમાં આ હિજરતથી મુસલમાનોની હિજરી સન શરૂ થાય છે. મદીનાવાસીઓએ તેમનો ભારે સત્કાર કર્યો. તેમના આવવાની ખુશાલીમાં નગરનું નામ બદલીને ‘મદીનતુન્નબી’ એટલે ‘નબીનગર’ રાખ્યું. તે પાછળથી’ મદીના’ નામે ઓળખાયું. ઈ. સ. 610થી 622 સુધીનાં તેર વરસમાં માત્ર ત્રણ સો માણસોએ તેમનો ધર્મ સ્વીકાર્યો. એ દરમિયાન તેમણે અપૂર્વ ધીરજ, હિંમત અને વિશ્વાસ દાખવ્યાં અને વિવિધ પ્રકારની મુસીબતો વેઠી. મદીનામાં ઇસ્લામ ધર્મ અપનાવનારની સંખ્યા ઝડપથી વધી. મક્કાથી આવેલા ‘મોહાજિર’ એટલે હિજરતીઓ અને તેમને મદીના બોલાવીને આશરો આપનાર ‘અન્સાર’ એટલે મદદગાર કહેવાયા. મદીનાના લોકોએ તેમને પોતાના હાકેમ ચૂંટ્યા. મદીનામાં એક મસ્જિદ તથા પોતાનું નિવાસસ્થાન બાંધવામાં આવ્યું. તેમના પ્રચારથી ત્યાંના મોટાભાગના લોકો મુસલમાન થયા. તેમની ધર્મ ફેલાવવાની રીત કુરાનમાંની આયતો અનુસાર હતી. તેમણે તલવારને જોરે કે દબાણ કરીને પોતાના ધર્મમાં કોઈને પણ સામેલ કર્યા હોય, કોઈ કબીલા કે ટોળી પર તે માટે ચડાઈ કરી હોય અથવા લડાઈ લડ્યા હોય એવો એક પણ દાખલો મળતો નથી. ધર્મની બાબતમાં અન્ય લોકો પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા તેટલી સ્વતંત્રતા તેઓ બીજાને પણ આપતા હતા.

ઈ. સ. 624માં મક્કાના કુરેશીઓએ મદીના પર હુમલો કર્યો. બદ્રની ખીણની લડાઈમાં કુરેશીઓ હાર્યા અને મુસલમાનો જીત્યા. કેદ પકડાયેલા ઘણાખરા મુસલમાનો બની ગયા. આ પરાજયનું વેર વાળવા 625માં કુરેશીઓ વધુ મોટા લશ્કર સહિત મદીના પર ચડી આવ્યા. ભયંકર લડાઈમાં મહંમદસાહેબ પણ ઘવાયા અને લોહીલુહાણ થઈ ગયા. મુસલમાનો હાર્યા. મહંમદસાહેબને બચાવી લેવાયા. કુરેશીઓ ખુશ થઈ પાછા ગયા. ઈ. સ. 627માં કુરેશીઓએ મદીના પર ફરી આક્રમણ કર્યું. મુસલમાનો રક્ષણાત્મક યુદ્ધ ખેલી, અજિત રહ્યા. છેવટે એક પછી એક વંટોળિયા આવવાથી કુરેશીઓ નાસી ગયા.

જિલકાદ મહિનામાં અરબસ્તાનમાં લડાઈ કરવાની મનાઈ હોય છે. તેથી ઈ. સ. 628માં મહંમદસાહેબ 1,400 હાજીઓના સંઘ સહિત મક્કા ગયા. ત્યાં કુરેશીઓ સાથે મંત્રણા કરી દસ વર્ષનો ‘યુદ્ધ નહિ’નો કરાર કર્યો. તેને હુદેબિયાની સુલેહ કહે છે. બીજે વર્ષે 2,000 મુસલમાનો સાથે મહંમદસાહેબ કાબાની હજ કરવા મક્કા ગયા. ત્યારે કુરેશીઓ અથડામણ ન થાય તે માટે મક્કા ખાલી કરીને બહાર તંબૂઓમાં રહ્યા. આ દરમિયાન મુસલમાનોના નમ્ર વર્તનથી પ્રભાવિત થઈને ઇસ્લામ ધર્મ સ્વીકારનારાઓની સંખ્યા ઝડપથી વધી. કેટલાકે કરારભંગ કરવાથી મહંમદસાહેબે 10,000ના લશ્કર સહિત, ઉમરની સરદારી હેઠળ મક્કા પર ચડાઈ કરી. તેમણે મક્કામાં રક્તવિહીન વિજયપ્રવેશ કર્યો. કુરેશીઓના અનેક કબીલા મુસલમાન થઈ ગયા. કુરેશીઓએ વરસો પર્યંત તેમને જે દુ:ખ દીધાં હતાં તે તેમણે માફ કર્યાં. કાબાના મંદિરમાંની 360 મૂર્તિઓ તેમણે એક પછી એક દૂર કરી; તેમ છતાં કાબા આરબોના સૌથી મોટા તીર્થ તરીકે રહ્યું. ઈ. સ. 632માં મહંમદસાહેબે મક્કાની છેલ્લી યાત્રા (હજ્જતુલ વિદા) કરી. ત્યારબાદ તેમને તાવ લાગુ પડતાં 63મા વરસે અવસાન થયું.

ખદીજાબીબીના અવસાન બાદ મહંમદસાહેબે એકપત્નીવ્રત ત્યાગી અંતિમ 13 વરસમાં નવ લગ્નો કર્યાં હતાં. એમનાં કેટલાંક લગ્નો રાજકીય કારણસર તથા અન્ય કેટલાંક નિરાશ્રિત તથા દુ:ખીને આશ્રય આપવા માટે પણ કરવામાં આવ્યાં હતાં. તેમની રહેણીકરણી સાદી અને મહેનતકશની હતી. પોતાને માટે કે પોતાના ઘરનાંને માટે સરકારી કરમાંથી, જકાત કે દાનમાંથી એક કોડી પણ લેવી તેઓ હરામ સમજતા હતા. કેવળ ખજૂર અને પાણી પર તેમના મહિના વીતી જતા. ખજૂરની મોસમ ન હોય ત્યારે કે જાનવરો દૂધ ન દેતાં હોય ત્યારે તેમને તથા તેમના ઘરવાળાંને સતત ત્રણ ત્રણ દિવસના  ઉપવાસ થતા. કેટલીયે વાર રાત્રે દીવો કરવાને માટે ઘરમાં તેલ નહોતું રહેતું. પોતાના ઘરમાં મહંમદસાહેબ ઘણુંખરું પોતાને હાથે ઝાડુ કાઢતા, બકરીઓ પોતે દોહતા, પોતાનાં કપડાંને પોતે થીંગડાં મારતા, પોતાનાં ચંપલ પણ સીવતા અને પોતાના ઊંટને જાતે ખરેરો પણ કરતા.

મહંમદસાહેબને એક સાથે એક રાષ્ટ્ર, એક રાજ્ય અને એક ધર્મ સ્થાપવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમનો ઉપદેશ અતિ સરળ અને સ્પષ્ટ હતો. તેમણે એકેશ્વરવાદ અને મૂર્તિપૂજાના વિરોધની ર્દઢભાવના પ્રસ્થાપિત કરી, છતાં અન્ય ધર્મોની ટીકા કરી નથી. તેમણે આરબ દેશોની અંદરોઅંદર લડતી અનેક કોમોનું સંગઠન સાધીને એક નવું રાષ્ટ્ર પેદા કર્યું, અને એમનામાં એક આદર્શને માટે જુસ્સો પેદા કર્યો. તેમણે સ્થાપેલા ધર્મે જગતને એક નવી સંસ્કૃતિની ભેટ ધરી.

જયકુમાર ર. શુક્લ