મહંમદ યૂનુસ (જ. 28 જૂન 1940, બથુઆ, હાથાઝારી, ચિતાગોંગ) : 2006ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા, પ્રથમ અને એકમાત્ર બાંગ્લાદેશી (નોબેલ પુરસ્કાર મહંમદ યૂનુસ અને ગ્રામીણ વિકાસ બૅંકને સરખે હિસ્સે આપવામાં આવ્યો.) પિતા હાજી દુલામિયાં સોદાગર અને માતા સુફિયા ખાતૂન. પિતાનો આભૂષણોનો વ્યવસાય હતો. તેમનાં પત્નીનું નામ છે આફ્રોજી. તેમની બે પુત્રીઓ છે. તેમનાં નામ છે દિના અને મોનિકા. ભાઈ મહંમદ ઇબ્રાહીમ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હોવા સાથે ગ્રામીણ કિશોરીઓને વિજ્ઞાનશિક્ષણ આપવાની સેવાકીય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે. અન્ય ભાઈ મહંમદ જહાંગીર ટી.વી.-કાર્યક્રમોનું સંચાલનકાર્ય કરે છે.

મહંમદ યૂનુસ

યૂનુસનું બાળપણ ગામમાં વીતવા સાથે પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. તેઓ શાળા અને કૉલેજકાળ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થી હોવા સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર 39,000 વિદ્યાર્થીઓમાં 16મા ક્રમે ઉત્તીર્ણ થયા હતા. 1952માં તેમને સ્કાઉટ-પ્રવૃત્તિના ભાગ રૂપે ભારત અને પશ્ચિમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની તક સાંપડેલી. 1955માં વર્લ્ડ સ્કાઉટ જૅમ્બરી(વિશ્વ સ્કાઉટ મહાસંમેલન)માં ભાગ લેવા તેઓ કૅનેડા ગયા અને પાછા ફરતાં યુરોપ અને એશિયાનો પ્રવાસ કર્યો. કૉલેજકાળ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નાટકમાં ભાગ લેવા બદલ તેમણે અનેક ઇનામો મેળવ્યાં હતાં.

1961માં અર્થશાસ્ત્રના અનુસ્નાતક બની થોડો સમય ઇકૉનૉમિક્સ બ્યૂરોમાં સંશોધન-મદદનીશ બન્યા અને પછી તે જ વર્ષે ચિતાગોંગ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. પછી ફુલબ્રાઇટ સ્કૉલરશિપ મેળવી, અમેરિકાની વન્ડરબ્રીટ યુનિવર્સિટીમાંથી 1969માં પીએચ.ડી. થયા. 1969થી 1972 સુધી મિડલ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક રહ્યા પછી સ્વદેશ પરત આવ્યા અને ચિતાગોંગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામગીરી આગળ ધપાવી.

1971માં બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લીધો અને અમેરિકા ખાતે બાંગ્લાદેશ સિટીઝન્સ કમિટી, બાંગ્લાદેશ ઇમ્ફરમેશન સેન્ટર દ્વારા ‘મુક્તિવાહિની’ને વિવિધ પ્રકારે સહાય પૂરી પાડી.

1974માં બાંગ્લાદેશ કારમા દુષ્કાળનો ભોગ બન્યું હતું ત્યારે ચિતાગોંગ યુનિવર્સિટીના આ પ્રાધ્યાપકને ગરીબ પ્રજા માટે આર્થિક રીતે કંઈક કામ કરવાની તક સાંપડી. જોબરા ગામની એક ગરીબ-ગ્રામીણ મહિલાને પાંચ-સાત ટાકા(બંગાળી નાણું)ની જરૂરિયાત માટે વલવલતી જોઈ અને તેમને પોતાનું જીવનકાર્ય લાધ્યું. ગ્રામના નીચલા સ્તરના તમામ ગરીબોને એકઠા કરી તેમની કુલ જરૂરિયાતનો અંદાજ મેળવ્યો અને તે સૌને કુલ લગભગ 200 ટાકાની સહાય પોતાના અંગત નાણાંથી તેમણે પૂરી પાડી. પરિણામે તેમના મનમાં ગરીબોની નજીવી સહાયનો વિચાર વિસ્તરીને ‘ગ્રામીણ વિકાસ બૅંક’નું રૂપ ધારણ કરતો ગયો; જેમાં ગરીબોને માત્ર વિશ્વસનીયતાના ધોરણે જરાક અમથા વ્યાજ સાથે લોન આપવામાં આવતી. આશ્ર્ચર્યની વાત તો એ હતી કે લોન લેનાર વર્ગ મુખ્યત્વે મહિલાઓનો હતો અને તેમની જરાતરા સુધરેલી આવકથી તેમના કુટુંબના સૌ સભ્યોનાં હાડપિંજર શાં શરીર પર ભરાવો વરતાતો હતો. મતલબ કે તેમની સુધરેલી આવકથી કુટુંબનું ભરણપોષણ સારી રીતે થતું. આથી બૅંકિંગ પ્રવૃત્તિ અને આર્થિક સ્વાવલંબનના વિચારોને વેગ મળ્યો.

આ જ રીતે તેમના એક સંશોધનના સંદર્ભમાં ગ્રામીણ આર્થિક કાર્યક્રમ ઘડાયો અને ‘તેભાગા ખમાર’(ત્રણ ભાગનું ખેતર)ના કાર્યક્રમ દ્વારા અન્ન-સ્વાવલંબન પણ કેટલાક વિસ્તારોમાં હાંસલ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શરૂઆતમાં સરકારે થોડી મદદ કરેલી અને પછીથી આવો જ બીજો ગ્રામ સહકારનો પ્રોજેક્ટ ઘડી આ કામને વેગ આપેલો.

આ બંને કાર્યક્રમો દ્વારા છેવાડાના આદમીને ગરીબીમાંથી બહાર કાઢી જનજીવનના સામાન્ય સ્તરે પહોંચાડવાની તેમની કામગીરી અનન્ય બની રહી. બાંગ્લાદેશના અન્ય વિસ્તારોમાં તો તે પ્રસરી જ; પરંતુ આફ્રિકા યુરોપ અને અમેરિકાના ગરીબ અને બેહાલ વર્ગોમાં પણ અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા તે વિકસી. એથી ગરીબી-નિવારણનું એક અસાધારણ મૉડલ રચાયું. બાંગ્લાદેશમાં તેમણે આ મૉડલ વિકસાવીને ભિક્ષુકોને પણ નાણાકીય લોન દઈ સ્વ-રોજગાર માટે પ્રેર્યા; એથી રોજગારી અને સ્વાવલંબન તો આવ્યાં જ પણ સાથોસાથ ભિક્ષુકોને માનવ હોવાનું સન્માન પણ પ્રાપ્ત થયું. ‘આત્મસન્માન વગરના ગણાતા છેક નીચેના સ્તરના લોકોમાં કંઈ કેટલીયે શક્તિ ધરબાયેલી છે તેની તથા તેમની આંતરિક શક્તિઓ ખીલતી-વિકસતી કરવા જનસમાજે તેમને જોવાની દૃષ્ટિમાં બદલાવ લાવવાની જરૂર છે’ – એવું નમ્ર મંતવ્ય મહંમદ યૂનુસ ધરાવે છે. ગ્રામીણ વિકાસ બૅંકના આ મૉડલ પર અન્ય 100 દેશોમાં 250 સંસ્થાઓ ઊભી થઈ છે. ગ્રામીણ બૅંકની માઇક્રો ક્રેડિટે કાઠું કાઢ્યું. ગરીબ મહિલાઓને અપાયેલી નાની બૅંકિંગ સેવા વિશ્વને દેખાઈ અને સમજાઈ. ગરીબો પણ બૅંકો માટે વિશ્વાસપાત્રતા ધરાવે છે તે સૌને અનુભવે સમજાયું. આ ગ્રામીણ બૅંકના કરજદારોમાં 97 ટકા બહેનો છે. બૅંકની સફળતાના મૂળમાં ગરીબ શ્રમિક બહેનોનું ગરીબીનિવારણનું સામર્થ્ય સમાયેલું છે. આમ ગરીબીમુક્ત વિશ્વ માટેના તેમના અથાક પ્રયાસો ચાલુ રહ્યા. તેઓ ગરીબ લોકોની તુલના બોનસાઈ (જાપાનમાં સુશોભન માટે છોડને કૂંડામાં તૈયાર કરાતું વામન-વૃક્ષ) સાથે કરે છે. ગરીબી નાબૂદ થતાં એક નાના આદમીને બોનસાઈની જેમ વિકસવાની સીમિત તકો સુલભ બને છે. તેઓ એક નાનકડા પણ સ્વતંત્ર વૃક્ષની જેમ સમાજમાં ખુમારીભેર, ટટ્ટાર રહી વિકસે છે. આ જ બોનસાઈ કદ(આર્થિક સંદર્ભમાં)ના આદમીઓને ધરતીમાં રોપવામાં આવે તો તેઓ તેના પૂર્ણ કદમાં વિકસી-ખીલી શકે. શેષ સમાજે તેમને ખરી ધરતી પૂરી પાડવાની છે, સાચી તકો પૂરી પાડવાની છે. તો અન્ય લોકોની જેમ ગરીબો પણ તેમની શક્તિના પૂરા પ્રાકટ્યના પરિણામે પૂર્ણ કદમાં વિકસી શકશે. ગરીબોના સશક્તીકરણ દ્વારા સમગ્ર સમાજવ્યવસ્થાને વધુ ન્યાયપૂર્ણ અને તર્કસંગત બનાવી શકાય એવી તેમની ધારણા છે. આ સમગ્ર યોજનાથી ગ્રામીણ અર્થતંત્રમાં મૂળગામી પરિવર્તન આવ્યું છે અને ગરીબી-નાબૂદીની અને ગરીબોના વિકાસની તકો ઊજળી બની છે.

આ કાર્યો માટે તેમને અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે; જેમાંનો એક મહત્વનો રેમન મૅગ્સેસે ઍવૉર્ડ પણ છે. આવા નાના-મોટા 22 ઍવૉર્ડ તેઓ ધરાવે છે. 27 જેટલી માનાર્હ ડૉક્ટરેટ ડિગ્રીઓ તેમને એનાયત થઈ છે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટન ખુલ્લંખુલ્લા મહંમદ યૂનુસને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવાની ભલામણ કરતા રહેલા. તેમને 2006માં ગ્રામીણ વિકાસ બૅંક સાથે સહિયારો પુરસ્કાર એનાયત કરીને વિશ્વે તેમનાં કાર્યોને પ્રમાણિત કર્યાં છે.

રક્ષા મ. વ્યાસ