મસ્તરામજી (જ. ?; અ. 1901, બોટાદ) : સૌરાષ્ટ્રના રામસનેહી પંથના અવધૂત. પૂર્વાશ્રમ અજ્ઞાત. તેમને પૂછતાં તેઓ બ્રહ્મને પોતાના પિતા, માયાને માતા અને વિશ્વને જન્મભૂમિ બતાવતા. સંભવત: બાળવય અયોધ્યામાં, યુવાની મારવાડમાં અને પ્રૌઢ તથા વૃદ્ધ અવસ્થા સૌરાષ્ટ્રમાં વીત્યાં. મારવાડની રામસનેહી પંથ-પરંપરાને સૌરાષ્ટ્રમાં ફેલાવનારા તેઓ અવધૂતી સંત હતા. ‘સાધુ તો ચલતા ભલા’ એવી માન્યતાને લઈને કોઈ સ્થળે સ્થિર વાસ કરતા નહિ. ગામ હોય ત્યાં એક દિવસ, સામાન્ય શહેરમાં ચાર દિવસ અને મોટા શહેરમાં એકાદ અઠવાડિયું રોકાતા. હાથમાં સમાય એટલું ખાતા. એક વસ્ત્ર અને એક કમંડળ એટલો જ પરિગ્રહ રાખતા. સતત નામરટણમાં રત રહેતા. તેમની આ મસ્ત ફકીરીને લઈને લોકો તેમને ‘મસ્તરામજી’ કહેતા. તેમના સમાગમમાં રાય-રંક સહુ આવતાં અને તેમાંનાં ઘણાંનું એમણે જીવનપરિવર્તન કર્યું હતું. ભાવનગર, લીંબડી અને વઢવાણ વિસ્તારમાં ઘણા લોકો તેમના પર વિશેષ ભાવ રાખતા. ભાવનગરના મહારાજા તખ્તસિંહ તેમનો ઘણો આદર કરતા. તેમણે મસ્તરામજી માટે આશ્રમ બાંધી આપવાની ભાવના વ્યક્ત કરી તો બાગબગીચા અને જંગલનાં વૃક્ષો એ બધાં મારા આશ્રમ જ છે, પછી મકાનનું બંધન શા માટે ? – એમ કહી એ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. મહારાજાએ સેવામાં નોકર મૂકવાની તત્પરતા બતાવી, પણ મારી દશેય ઇન્દ્રિયો મારા આજ્ઞાંકિત સેવકો છે જ એમ કહી એ વાત ટાળી દીધી હતી. આમ નિ:સ્પૃહી અને ત્યાગમૂર્તિ મસ્તરામજી ચેલાચેલી કે તેની પરંપરાથી દૂર રહ્યા હતા. તેમ છતાં તેમના સંપર્કમાં આવનારને માટે તો તેઓ ગુરુ જેવા જ હતા. બોટાદમાં સ્વરૂપાવસ્થાન પામ્યા પછી ત્યાં તેમની સમાધિ કરવામાં આવી છે. આજે એ સમાધિ પર મંદિર બાંધવામાં આવેલું છે.
સિદ્ધાંત પરત્વે મસ્તરામજી અજાતવાદી કે પરમાત્મવાદી હતા. તેમને મતે એક અનાદિ અનંત આત્મતત્ત્વ કે પરમતત્વ કે સ્વસ્વરૂપ જ ત્રિકાલાબાધિત સત્ છે અને તેની પ્રાપ્તિ માટે દેહ અને દુનિયાની ચિંતા નહિ કરતાં હરદમ પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. આત્મસિદ્ધિ માટે જીવે પોતાના નાનકડા ‘અહં’નો પરમાત્મામાં પૂર્ણ વિલય કરવો જોઈએ, પણ નાહંભાવ કે આત્મભાવની પ્રાપ્તિ માટે પ્રથમ મનને નિ:સંકલ્પ કરવું પડે. ખરી અને પૂરી આત્મસમજણ હોવી જોઈએ અને માયાનો મોહ કે વાસનાનો ક્ષય કરવો જોઈએ. મન, બુદ્ધિ અને ચિત્તની ત્રિપુટીને બ્રાહ્મી બનાવ્યા સિવાય અહંનો વિલય થાય નહિ, કારણ કે માયા મહાપ્રબળ છે. આ પ્રબળ માયાને જીતીને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુગમ, ગુરુકૃપા અને પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે.
પ્રવીણચંદ્ર પરીખ