મસ્તાની (જ. ?; અ. 1740, પુણે, મહારાષ્ટ્ર) : અઢારમી સદીની અતિ સુંદર મુસ્લિમ નૃત્યાંગના, સંગીતકાર અને પેશવા બાજીરાવની પ્રિયતમા. મરાઠા બખર અને લેખો પરથી જાણવા મળે છે કે મસ્તાની અફઘાન અને ગૂજર જાતિની હતી. તેણે ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ પણ લીધી હતી. ગુજરાતના મુઘલ નાયબ સૂબેદાર શુજાતખાન અને  મસ્તાનીની પ્રથમ મુલાકાત આશરે 1724માં થઈ. એ જ વર્ષે ચિમાજી અપ્પાએ શુજાતખાન પર ચડાઈ કરી. આ લડાઈમાં શુજાતખાન મરણ પામ્યો. ચિમાજીને લૂંટ સાથે મસ્તાની પણ મળી. તેણે મસ્તાની બાજીરાવને સોંપી દીધી. તે પછી તેઓ બંને પરસ્પર ખૂબ ચાહતાં હતાં. પેશવાના હૃદયમાં મસ્તાનીનું વિશિષ્ટ સ્થાન હતું. મસ્તાનીએ હિંદુ સ્ત્રીઓના રીતરિવાજો અપનાવી લીધા હતા. તેને 1734માં એક પુત્ર જન્મ્યો. તેનું નામ શમશેરબહાદુર રાખવામાં આવ્યું. બાજીરાવે તેને કાલ્પી અને બાંદાનો સૂબેદાર નીમ્યો હતો. 1761માં મરાઠાઓની  તરફેણમાં પાણીપતના યુદ્ધમાં શમશેર મરણ પામ્યો. મસ્તાનીની સોબતમાં બાજીરાવ દારૂ પીતો અને માંસ ખાતો થયો હતો. તેથી રૂઢિચુસ્ત સમાજ અને પેશવાના પરિવારના સભ્યો ઘણા ગુસ્સે થયા. તેથી છત્રપતિએ દરમિયાનગીરી કરી, પવિત્ર ગંગાજળ લઈને પ્રતિજ્ઞા લેવડાવી, મસ્તાનીને પેશવાથી અલગ રાખવામાં આવી. તે પ્રયાસમાં ખાસ સફળતા ન મળી. એપ્રિલ 1740માં  બાજીરાવનું અવસાન થયું. તે સમાચાર જાણીને થોડા દિવસ પછી મસ્તાની પણ મરણ પામી. પુણેથી 32 કિમી. દૂર પાબલ ગામમાં મસ્તાનીનો મકબરો છે.

જયકુમાર ર. શુક્લ