મસ્તબા : પ્રાચીન ઇજિપ્તમાં ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન બંધાયેલી અમીરો વગેરે પ્રખ્યાત પુરુષોની વિશિષ્ટ કબરો. ભવન-સ્વરૂપની આ સમચોરસ કબરોની દીવાલો ઢળતી હોય છે. એમાં ભૂગર્ભ દફનખંડ, તેના ભોંયતળિયાને જઈ મળતું છેક ઉપરથી કરેલું સમચોરસ બાકોરું અને ઉપરની સમચોરસ અધિરચના – એમ ત્રણ અંગો જોવામાં આવે છે. દફનવિધિ વખતે શબપેટી ઉપરથી બાકોરા દ્વારા નીચે ઉતાર્યા પછી બાકોરું પૂરી દેવામાં આવે છે. અધિરચનામાં મૃતક વ્યક્તિનો આત્મા સ્વેચ્છાએ કબરમાં અવરજવર કરી શકે તે માટે એક છદ્મદ્વાર કરેલું હોય છે. એ નકલી દ્વારની ઉપર ઉત્તરાંગમાં એક શિલા મૂકવામાં આવે છે, જેમાં વિધિવિધાન લખેલું હોય છે અને તેની સાથે મૃતક વ્યક્તિનું અંશમૂર્ત શિલ્પ કંડારવામાં આવેલું હોય છે. ક્યારેક એમાં મૃતક વ્યક્તિને તેની પત્ની અને બાળકો કંઈ ભેટ-ઉપહાર અર્પણ કરતાં હોય એવું દર્શાવાયું હોય છે. કેટલાક વિશિષ્ટ મસ્તબાઓમાં સેરદાબ નામે અલાયદો ખંડ કરવામાં આવેલો છે, જેમાં મૃતકનું વ્યક્તિચિત્ર કે તેનાં પૂતળાં મૂકવામાં આવેલાં હોય છે.

ઇજિપ્તમાં મસ્તબા બાંધવાનો પ્રારંભ ત્યાંના પ્રથમ અને દ્વિતીય રાજવંશોના સમય (ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 2800) દરમિયાન થયો. આ પ્રથમ તબક્કાના મસ્તબા ઈંટોથી બાંધવામાં આવેલા છે. તેમના નમૂના સક્કર અને આર્બિડૉસમાં જોવા મળે છે.

મસ્તબા

બીજા તબક્કામાં ઈંટોનું સ્થાન પથ્થરોએ લીધું. ચતુર્થ રાજવંશના ચેઓપ્સના સમય(ઈ. પૂ. 2600)થી તેનો પ્રારંભ થયો. તેના નમૂના ફરાઉં(Faraun)માં જોવા મળે છે. છઠ્ઠા રાજવંશના સમય (ઈ. પૂ. 2480થી ઈ. પૂ. 2180) દરમિયાન આ સ્થાપત્યનો પૂર્ણ વિકાસ થયો. હવે પથ્થરમાં બનેલાં આ દફન-સ્મારકોને ફરતો કોટ પણ બાંધવાનું શરૂ થયું. તિ અને મેરેરુકા નામનાં સ્થળોએ આવેલા મસ્તબા આ તબક્કાના ઉત્તમ નમૂનારૂપ છે.

પ્રવીણચંદ્ર પરીખ