મન અને દેહનો સંબંધ
તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની કે મગજની ક્રિયાઓને શારીરિક ક્રિયાઓ ગણીએ છીએ. શરીરની ક્રિયાઓનો આશ્રય શરીર જ છે તે સ્પષ્ટ છે. પણ માનસિક ક્રિયાઓનો આશ્રય કોને ગણવો તે પ્રશ્ન થાય છે. જો એમ કહો કે જેમ પાચનક્રિયા અને હૃદય ધબકવાની ક્રિયા શરીરની છે તે જ રીતે વિચારવાની કે સ્વપ્ન જોવાની ક્રિયા શરીરની જ છે. તો પ્રશ્ન એ થાય છે કે બે તદ્દન ભિન્ન પ્રકારની ક્રિયાઓ જીવંત શરીરમાં કેવી રીતે પ્રવર્તી શકે ? માનસિક ક્રિયાને સ્થળવાચક શબ્દો લાગુ પડતા નથી અને શારીરિક ક્રિયાઓ શરીરના કયા ભાગમાં થાય છે તે નક્કી કરી શકાતું હોય છે તે જોતાં આ પ્રશ્ન વધુ વિકટ બને છે. જો આ આપત્તિમાંથી માર્ગ કાઢવા માટે એમ કહો કે માનસિક ક્રિયાઓનો આશ્રય મન છે અને શારીરિક ક્રિયાઓનો આશ્રય શરીર છે તો તેમ પણ ઘટતું નથી, કારણ કે બે તદ્દન જુદાં તત્વો વચ્ચે આંતરક્રિયા કેવી રીતે સમજવી ? આમ એક જ પ્રકારના અધિષ્ઠાનમાં બે જુદા પ્રકારની ક્રિયાઓ માનો કે બે સ્વતંત્ર પદાર્થો માનો તોપણ, બંને રીતે, તાર્કિક આપત્તિઓ જ આવે છે. મન-શરીર સમસ્યામાં મનનું સ્વરૂપ કેવું સમજવામાં આવે છે તે બાબત પણ મહત્વની છે.
મનનું સ્વરૂપ : સામાન્ય સમજણના સ્તરે આપણે જેને માનસિક બાબતો ગણીએ છીએ તેને વિશે તત્વચિંતકોએ વધુ ઊંડાણથી વિચાર્યું છે.
પ્લેટોએ મન અને શરીરને અલગ તત્વો તરીકે સ્વીકાર્યાં હતાં. આધુનિક ફિલૉસૉફીમાં ડેકાર્ટે અવિસ્તારયુક્ત દ્રવ્ય તરીકે મનને વિસ્તારયુક્ત ભૌતિક દ્રવ્યથી અલગ દર્શાવીને દ્રવ્યનિષ્ઠ દ્વૈતવાદ (substance-dualism) પ્રસ્થાપિત કર્યો. હ્યૂમે દ્રવ્યની વિભાવના પડતી મૂકીને મનને અલગ અલગ પ્રત્યક્ષાનુભવોના અગ્રથિત સમુદાય (bundle of perceptions) તરીકે વિચાર્યું તો ઓગણીસમી સદીના અંતમાં વિલિયમ જેઇમ્સે ચેતના-પ્રવાહ તરીકે મનના સ્વરૂપનો વિચાર કર્યો.
વીસમી સદીનાં છેલ્લાં પચાસેક વર્ષોમાં મનને અશરીરી દ્રવ્ય ગણવાનો અભિગમ પડતો મૂકવામાં આવ્યો છે. તેને બદલે માનસિક અવસ્થા (state), ઘટના (event), પ્રક્રિયા (process) કે માનસિક ગુણધર્મ(property)ની પરિભાષામાં આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે આ ક્ષેત્રમાં છેલ્લે છેલ્લે જે પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે તે કંઈક આ પ્રકારના છે :
શું માનસિક પ્રક્રિયા, અવસ્થા કે ગુણધર્મો શારીરિક અવસ્થા, પ્રક્રિયા કે ગુણધર્મોથી અત્યંત ભિન્ન છે ? જો ભિન્ન માનો તો કયા ધોરણે તેને ભિન્ન માનો છો ? જો ખરેખર આ બે પ્રકારની અવસ્થાઓ એકરૂપ (identical) જ હોય તો પ્રશ્ન એ છે કે તો પછી શું માનસિક ભાષાનું શરીરવિષયક ભાષામાં રૂપાન્તર કરી શકાય ? કદાચ એમ કહી શકાય કે બંને ભાષાનો અર્થ જુદો છે પણ તેના દ્વારા જે નિર્દેશાય છે તે એની એ જ ભૌતિક અવસ્થાઓ છે ? કદાચ એમ પણ હોઈ શકે કે બધી ઘટના તો ભૌતિક જ હોય પણ તેમનાં વર્ણનો અત્યંત ભિન્ન હોય અને તેથી માનસિક ભાષાને શારીરિક ભાષામાં ફેરવી ન શકાય ?
માનસિક અવસ્થાઓ સ્થળમાં નથી, શારીરિક અવસ્થાઓ સ્થળમાં છે તેથી બંનેને એક ન ગણી શકાય તેવું ઘણા ચિંતકોએ સ્વીકાર્યું છે.
ટૉમસ નેગેલે દર્શાવ્યું છે કે વ્યક્તિના પીડા, સ્વાદ, રંગ વગેરે અનુભવો સ્વલક્ષી (subjective) અનુભવો છે અને અવૈયક્તિક અને વસ્તુલક્ષી વિજ્ઞાન તેને બહારથી સમજી શકે પણ તેનું સાચું સ્વરૂપ પામી શકે નહિ, કારણ કે અમુક માનસિક અવસ્થામાં હોવું એટલે કોના જેવું હોવું, કેવું હોવું, તે તો વ્યક્તિ પોતે જ તેને અનુભવે તો જ જાણે. (નેગેલ, 1978). નેગેલ પ્રમાણે સભાન સ્વાનુભવોની અવસ્થામાં હોવું એટલે શું હોવું (what it is like to be in them) તે અનુભવકર્તા પોતે સ્વાનુભવથી જ અનન્ય રીતે જાણે છે. નેગેલની ર્દષ્ટિએ અનુભવાત્મક ર્દષ્ટિકોણથી માનસિક અવસ્થાઓ શારીરિક અવસ્થાઓથી તદ્દન ભિન્ન છે કારણ કે એક વૈયક્તિક અને સ્વલક્ષી છે, ત્યારે બીજી બિનવૈયક્તિક અને વસ્તુલક્ષી છે. માનસિક અવસ્થામાં હોવું એટલે કોના જેવું હોવું, શું હોવું તે તો વ્યક્તિ સ્વાનુભવથી તે અવસ્થામાં મુકાય તો અને તો જ જાણી શકે છે. ટૂંકમાં, નેગેલે માનસિક અનુભવના સ્વલક્ષી અનુભવાત્મક (phenomenal) સ્વરૂપનો પ્રશ્ન ઉઠાવ્યો છે. વ્યક્તિલક્ષી સ્વાનુભવના ર્દષ્ટિબિંદુ વગર આવી અવસ્થાનું અનુભવાતી અવસ્થા તરીકેનું સ્વરૂપ સમજી ન શકાય.
જર્મન ફિલસૂફ બ્રેન્ટેનો(1838–1917)ને અનુસરીને અમેરિકન ફિલસૂફ જૉન સેર્લ માનસિક અવસ્થાને કશાકને વિષય કરનારી વિષયનિર્દેશક (intentional) અવસ્થાઓ તરીકે ઘટાવી છે. (સર્લ; 1992). વિચાર, સ્મૃતિ, કલ્પના, ઇચ્છા, માન્યતા વગેરે હંમેશાં કોઈ ને કોઈક બાબત વિશે જ હોય છે. કોઈક બાબતને વિશેનું તેનું આવું હોવાપણું (aboutness) એ તમામ માનસિક અવસ્થાઓનું અને કેવળ માનસિક અવસ્થાઓનું જ લક્ષણ છે. કોઈ ભૌતિક અવસ્થામાં આ પ્રકારની ‘ઇન્ટેશનાલિટી’ હોતી નથી તે જોતાં બંનેને એક ગણી શકાય નહિ. સમકાલીન ચિંતનમાં મનના સ્વરૂપ અંગેના વિચારમાં આ રીતે અનુભવાત્મકતા અને સવિષયકતા અંગે વિચારણા થઈ છે.
અવસ્થા-દ્વૈતવાદીઓ માને છે કે માનસિક અવસ્થાઓ શારીરિક અવસ્થાઓથી તદ્દન ભિન્ન છે અને એટલે જ મનવિષયક ભાષાનો અર્થ તેમજ નિર્દેશ (reference) શરીરવિષયક ભાષાના અર્થ તેમજ નિર્દેશ કરતાં સ્પષ્ટ રીતે ભિન્ન છે. દ્વૈતવાદનો વિરોધ કરનારા ભૌતિકવાદીઓ આ અંગે જુદી જુદી રજૂઆતો કરે છે, જે નીચે પ્રમાણે છે :
(1) માનસિક અવસ્થાઓ શારીરિક વર્તનની અવસ્થાઓ તરીકે ઘટાવી શકાય છે તેથી માનસિક ભાષાને વર્તનવિષયક ભાષામાં નિ:શેષ રીતે ફેરવી શકાય છે. (તાર્કિક વર્તનવાદ)
(2) માનસિક ભાષા અને મગજવિષયક ભાષાનો અર્થ (meaning) જુદો જ છે પણ બંને એની એ જ મગજની ક્રિયાઓનો જ નિર્દેશ કરે છે, કારણ કે માનસિક અવસ્થાઓ હકીકતમાં તો મગજની જ અવસ્થાઓ છે. (તાદાત્મ્ય સિદ્ધાંત)
(3) ઘટનામાં માનસિક વર્ણનો તેનાં શારીરિક વર્ણનો કરતાં સંપૂર્ણ રીતે ભિન્ન છે અને માનસિક વર્ણનને કદી શારીરિક વર્ણનમાં ફેરવી શકાય નહિ અને તેમ છતાં માનસિક ઘટનાઓ શારીરિક ઘટનાઓ જ છે. (ડેવિડસનનો ભૌતિકવાદ)
(4) માનસિક ઘટનાઓ શારીરિક ઘટનાઓ સાથે એકરૂપ નથી પણ તે કાર્યાત્મક અવસ્થાઓ છે અને તેથી ઘણા પ્રકારનાં ભૌતિક ઉપાદાનોમાં તે મૂર્ત થઈ શકે છે. (કાર્યવાદ)
(5) માનસિક અવસ્થાઓ કે ઘટનાઓ જેવું કશું છે જ નહિ તેથી મનવિષયક ભાષા પ્રાકવૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક છે અને રદ થવાને પાત્ર છે. (ચર્ચલૅન્ડ)
આ રજૂઆતો ન સ્વીકારનારા એમ કહે છે કે માનસિક અવસ્થાઓ ‘કશાક વિષયને વિશે હોવા’ની (intentional) અવસ્થાઓ છે અને તેમાંની કેટલીક અવસ્થાઓ અનુભવસ્વરૂપ ગુણધર્મ (phenomenal property) ધરાવે છે તે સ્વીકારવું જ પડે.
દ્વૈતવાદ અને એકતત્વવાદ : મન-શરીર સંબંધના પ્રશ્ને જુદા જુદા યુગના ચિંતકોએ જુદી જુદી રીતે વિચાર્યું છે. આધુનિક યુગ-પૂર્વેના ચિંતકો આ સમસ્યાને આત્મા-શરીર અંગેની સમસ્યા તરીકે સમજતા હતા. આધુનિક ચિંતકો તેને મન-શરીર સમસ્યારૂપે સમજે છે અને કેટલાક સમકાલીન ચિંતકો તો મન-મગજ સંબંધના પ્રશ્ન તરીકે જ તેને વિચારે છે. ગ્રીક ચિંતકો માટે મનનું તાર્કિક સ્વરૂપ મહત્વનું છે. તેમને માટે નિત્ય સત્યો ગ્રહણ કરનારી તર્કબુદ્ધિ આત્માની મહત્વની શક્તિ છે. ડેકાર્ટથી જેનો પ્રારંભ થયેલો ગણાય છે તે આધુનિક ચિંતનમાં મનનું અનુભવાત્મક સ્વરૂપ મહત્વનું ગણાય છે. આધુનિક ચિંતનમાં સર્વદેશીય અપરિહાર્ય સત્યોને ગ્રહણ કરતી તર્કબુદ્ધિનો સ્વીકાર થયો છે પરંતુ મન અંગેની વિભાવનામાં પ્રત્યક્ષાનુભવ, સ્મૃતિ, કલ્પના, ઇરાદા, પીડા, સ્વપ્ન, ભ્રમ, શંકા, નિર્ણય, સ્વીકાર, ઇન્કાર વગેરે અનેક પ્રકારની અવસ્થાઓને અને અનુભવોને સમાવી લેવામાં આવ્યાં છે.
દ્વૈતવાદ : તત્વવિચારમાં પરમતત્વ કે સત્તા (reality) એક જ પ્રકારની છે તેવો મત તે ‘એકતત્વવાદ’ (monism) છે અને પરસ્પરથી ભિન્ન અને વિરુદ્ધ લક્ષણો ધરાવનારાં બે પ્રકારનાં તત્વો જ સત્ છે તેવો મત ‘દ્વૈતવાદ’ (dualism) તરીકે સમજવામાં આવે છે. તેથી મનવિષયક વિચારણામાં પણ મન અને શરીર એકબીજાથી અત્યંત ભિન્ન તત્વો કે દ્રવ્યો (substances) છે તેવો અભિગમ દ્વૈતવાદી અભિગમ છે અને કેવળ મન કે કેવળ શરીર જ પારમાર્થિક રીતે સત્ છે અથવા તો કોઈ એક જ મૂળ સત્તા છે જે શરીરરૂપ કે મનરૂપ નથી તેવો મત એકતત્વવાદી અભિગમ તરીકે પ્રવર્ત્યો છે. ડેકાર્ટે (1596–1650) અવિસ્તારયુક્ત મન અને વિસ્તારયુક્ત (extended) ભૌતિક પદાર્થ(શરીર)નું દ્વૈત સ્થાપ્યું છે.
દ્વૈતવાદીઓ માટે પ્રશ્ન એ થાય છે કે મન અને શરીર એ બે જુદાં દ્રવ્યો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે ? જો બંને વચ્ચે કાર્યકારણસંબંધ માનો તોપણ આવો કાર્યકારણસંબંધ દ્વિમાર્ગી છે કે એકમાર્ગી છે તેવો પ્રશ્ન ઉદભવે છે. મન અને શરીરનો દ્વિમાર્ગી કાર્યકારણસંબંધ સ્વીકારનારો દ્વૈતવાદ ‘આંતરક્રિયાવાદ’ (interactionism) છે અને એકમાર્ગી કાર્યકારણસંબંધ સ્વીકારનારા દ્વૈતવાદને ‘ઉપઘટનાવાદ’ (epiphenomenalism) કહેવાય છે. મન અને શરીર વચ્ચે કોઈ પણ પ્રકારનો કાર્યકારણસંબંધ નથી તેવું માનનારો દ્વૈતવાદ ‘સમાન્તરવાદ’ (parallelism) કહેવાય છે. આમ આંતરક્રિયાવાદ, ઉપઘટનાવાદ અને સમાન્તરવાદ મન અને શરીરનું દ્વૈત તો સ્વીકારે છે. પણ બંને વચ્ચેનો કાર્યકારણસંબંધ દ્વિમાર્ગી છે કે એકમાર્ગી છે અથવા તો કાર્યકારણ- સંબંધ છે કે નહિ એ બાબતમાં તેઓ પરસ્પરથી જુદા પડે છે.
આંતરક્રિયાવાદ : આંતરક્રિયાવાદમાં મન-શરીર વચ્ચે દ્વિમાર્ગી કાર્યકારણસંબંધ સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે માનસિક બાબતો શારીરિક બાબતોનું કારણ પણ હોય છે અને તેનું પરિણામ પણ હોઈ શકે છે. તે જ રીતે શારીરિક બાબતો માનસિક બાબતોનું કારણ તેમજ પરિણામ બંને હોઈ શકે છે. દા.ત., પ્રત્યક્ષીકરણમાં ઇન્દ્રિયો અને મગજની પ્રક્રિયાઓ શારીરિક છે, પણ તેનાથી પરિણમતો સંવેદન-અનુભવ માનસિક છે. તે જ પ્રમાણે ઐચ્છિક ક્રિયાઓમાં ઇચ્છા માનસિક કારણ છે અને શારીરિક હલનચલનો તેનાં પરિણામો છે.
ડેકાર્ટના દ્વૈતવાદી આંતરક્રિયાવાદમાં આપત્તિ એ છે કે અવિસ્તૃત (unextended) મન અને વિસ્તૃત (extended) શરીર વચ્ચે દ્વિમાર્ગી કાર્યકારણસંબંધ કેવી રીતે પ્રવર્તી શકે ? ડેકાર્ટે જણાવ્યું હતું કે મસ્તિષ્કમાં આવેલી પિનિયલગ્રંથિ દ્વારા માનસિક-શારીરિક બાબતો વચ્ચે આંતરક્રિયા થાય છે, પણ તેમ માનવાથી એ પ્રશ્ન ઉકેલાતો નથી. કારણ કે મુદ્દો આ કે તે સ્થાનનો નથી. હૃદય કે જઠર કે મગજ દ્વારા મન શારીરિક પરિણામો નિપજાવે છે. એમ માનો તોપણ આ અવયવો વિસ્તારયુક્ત છે અને મન તેવું નથી તે જોતાં પિનિયલ ગ્રંથિ હોય કે થાઇરૉઇડ ગ્રંથિ હોય તેનાથી ફેર પડતો નથી. દ્વૈતવાદીઓ તેમના દ્વૈતવાદને લીધે આંતરક્રિયાનો ખુલાસો આપી શકતા નથી અને છતાં રોજેરોજની સર્વસામાન્ય હકીકત તરીકે તેમણે તેનો સ્વીકાર કરવો પડે છે.
ઉપઘટનાવાદ : કેટલાક દ્વૈતવાદીઓ તેથી એકમાર્ગી કાર્યકારણસંબંધ માને છે એટલે કે શરીર માનસિક બાબતોનું કારણ બની શકે છે. પણ મન કોઈ પણ બાબતનું કારણ હોઈ શકે નહિ. માનસિક બાબતો કેવળ પરિણામો જ છે. તેનાં કારણો તો હંમેશાં શારીરિક જ હોય છે. આ મતને ઉપઘટનાવાદ તરીકે ઓળખવામાં આવે છે. મન એ ભૌતિક ક્રિયાઓની આડપેદાશ છે; એક ઉપઘટના (epiphenomenon) છે. વર્તનવાદી મનોવિજ્ઞાનમાં કેટલાકને આ મત સ્વીકાર્ય જણાયો છે. પરંતુ મુદ્દો તો એ જ રહે છે કે જો મન અને શરીર મૂળભૂત રીતે જુદાં હોય તો પછી દ્વિમાર્ગી કે એકમાર્ગી કોઈ પણ પ્રકારના કાર્યકારણસંબંધ વિશે આપત્તિઓ જ આવે છે. ઉપઘટનાવાદ પ્રમાણે કેવળ શારીરિક બાબતોને જ કારણ માનો અને માનસિક બાબતોને પરિણામ માનો તો કદાચ પ્રત્યક્ષીકરણમાં શારીરિક કારણોને લીધે ઉદભવતા માનસિક અનુભવોને સમજાવી શકાય છે. પણ ઐચ્છિક ક્રિયાઓમાં માનસિક કારણોને લીધે ઉદભવતા શારીરિક હલનચલનનો ખુલાસો આપી શકાશે નહિ, કેમકે માનસિક ઘટનાઓ કોઈ શારીરિક ઘટનાઓનું કારણ છે તે સ્વીકારવા જ ઉપઘટનાવાદી તૈયાર નથી. બીજી મુશ્કેલી એ છે કે મન-શરીર વચ્ચે એકમાર્ગી કાર્યકારણસંબંધ પણ કઈ રીતે શક્ય બને ? એટલે પરસ્પર વિરુદ્ધ લક્ષણો ધરાવતાં સ્વતંત્ર દ્રવ્યો વચ્ચે કાર્યકારણસંબંધ અંગે જ આપત્તિઓ આવે છે; પછી એ અંગેનો દ્વૈતવાદ આંતરક્રિયાવાદી હોય કે ઉપઘટનાવાદી હોય.
સમાન્તરવાદ : આ આપત્તિઓમાંથી ઊગરી જવા માટે કેટલાકે સમાન્તરવાદી દ્વૈતવાદ સ્વીકાર્યો છે. મન અને શરીર રેલવેના પાટાની જેમ પરસ્પરને સમાન્તર છે. આધુનિક તત્વજ્ઞાનમાં લાયબ્નિઝે અને મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે ટિચનર અને વુન્ટે આ અભિગમ સ્વીકાર્યો છે. જેમ બે ઘડિયાળો પોતપોતાનાં યંત્રો વડે ચાલે છે છતાં એકમાં ધારો કે ત્રણ વાગ્યાના ટકોરા પડે તો બીજામાં પણ પડે છે અને છતાં બંને વચ્ચે કોઈ આંતરક્રિયા નથી હોતી, તેવી રીતે માનસિક અને શારીરિક ઘટનાઓ વચ્ચે આંતરક્રિયા કે કાર્યકારણભાવ ન હોવા છતાં એકમાં ફેરફાર થાય તો બીજામાં તેને અનુરૂપ સમાન્તર ફેરફાર થાય છે. મન-શરીર વચ્ચે કાર્યકારણનો સંબંધ નહિ પણ સહસંબંધ પ્રવર્તે છે તેવો આ મત પણ ઘણાંને માન્ય નથી. તેનું કારણ એ છે કે લાયબ્નિઝે તો મન-શરીર વચ્ચે પ્રવર્તતા સમાન્તર નિયમાનુસારી સહસંબંધને ઈશ્વરે અગાઉથી સ્થાપેલી સંવાદિતાની વિભાવનાથી સમજાવ્યો છે. આ બાબતમાં ઈશ્વરનો વિચાર વચમાં લાવતાં નવી તાર્કિક મુશ્કેલીઓ અહીં સર્જાય છે. બીજી બાજુ ઈશ્વરને વચમાં ન લાવનાર વુન્ટ કે ટિચનરને માટે પણ પ્રશ્ન એ થાય છે કે મન-શરીર આંતરક્રિયા અને મન-શરીર કાર્યકારણભાવના અસ્વીકાર પછી મનોવૈજ્ઞાનિક સ્પષ્ટીકરણો કોની વચ્ચેનાં સમજાવવા માટે પ્રયોજવાં જરૂરી છે ? આમ કાર્યકારણસંબંધ ન સ્વીકારનારા કે તેવો સંબંધ સ્વીકારનારા એમ બંને પ્રકારના દ્વૈતવાદમાં મન-શરીર સંબંધના પ્રશ્નનું સમાધાન થતું નથી.
જોકે દ્વૈતવાદના અત્યારે કોઈ પક્ષકારો નથી તેવું નથી. ડેકાર્ટનો દ્રવ્યનિષ્ઠ દ્વૈતવાદ (substance dualism) ન સ્વીકારનારા પણ બે પ્રકારનાં અત્યંત ભિન્ન તત્વોને કોઈ ને કોઈ રૂપે એટલે કે પ્રક્રિયારૂપે, અવસ્થારૂપે, ગુણધર્મરૂપે કે ઘટનારૂપે તો સ્વીકારે જ છે. ફિલસૂફ કાર્લ પૉપર અને ન્યૂરોલૉજિસ્ટ સર જ્હૉન ઇક્લિસ અને ન્યૂરોસર્જન પેનફિલ્ડ સૈદ્ધાંતિક રીતે બે પ્રકારનાં તત્વો માને છે. ડેકાર્ટવાદી ન હોવા છતાં મનોવિજ્ઞાની સ્પેરી સચેતન અવસ્થાઓને મગજના તંતુઓની ક્રિયાઓનાં સામૂહિક નવાં પ્રસ્ફુરિત (emergent) પરિણામો તરીકે સ્વીકારે છે.
એકતત્વાદ (monism) એક જ મૂળભૂત સત્તા (reality) છે અને તે ચૈતન્યસ્વરૂપ છે તેવો મત ચિત્તમાત્રવાદ કે વિજ્ઞાનવાદ (વિચારવાદ – idealism) છે અને આ પ્રકારની સત્તા કેવળ ભૌતિક જ છે તેવો મત ભૌતિકવાદ (materialism) છે. મૂળ સત્તા ચેતનસ્વરૂપ કે ભૌતિકસ્વરૂપ નથી પણ તટસ્થ છે એવો મત તટસ્થ (neutral) એકતત્વવાદ તરીકે સ્થપાયો છે. આમ, આંતરક્રિયાવાદ, ઉપઘટનાવાદ અને સમાન્તરવાદ એવા ત્રણ પ્રકારના દ્વૈતવાદની જેમ કેવળચૈતન્યવાદ, કેવળભૌતિકવાદ અને તટસ્થ એકતત્વવાદ એમ એકતત્વવાદના પણ ત્રણ પ્રકારો આ ક્ષેત્રમાં રજૂ થયા છે. આ ઉપરાંત કાર્યાત્મક અવસ્થાઓ તરીકે માનસિક અવસ્થાઓ અનેક પ્રકારના ઉપાદાનમાં મૂર્ત થઈ શકે તેવો મત કાર્યવાદ તરીકે ઓળખાય છે.
વિજ્ઞાનવાદી (ચિત્તમાત્રવાદી) એકતત્વવાદ : જગતમાં જે કંઈ છે તે કોઈ ને કોઈ ચિત્તની સામગ્રીરૂપે જ સત્ છે અથવા તો ચિત્તસંબદ્ધ હોય તો જ સત્ છે. તેવો સત્તાવિષયક એકતત્વવાદી અભિગમ ‘idealism’ તરીકે ઓળખાય છે. (તેને અહીં નૈતિક આદર્શવાદ સાથે સંબંધ નથી.) હોવું એટલે અનુભવ કરનાર તરીકે હોવું અથવા અનુભવના વિષય તરીકેનું હોવું. આધુનિક પાશ્ર્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં બર્કલીનો આત્મલક્ષી વિજ્ઞાનવાદ (વિચારવાદ), કાન્ટનો મૂળગામી (transcendental) વિજ્ઞાનવાદ અને હેગેલનો નિરપેક્ષ વિજ્ઞાનવાદ એમ ત્રણ પ્રકારના અભિગમો પ્રવર્તે છે.
બાહ્ય પદાર્થની ચૈતન્યનિરપેક્ષ સત્તાને ન માનીને બાહ્ય પદાર્થોને વૈયક્તિક અથવા વૈશ્વિક ચિત્તતત્વને અધીન માનનારા બર્કલી અથવા હેગેલના સિદ્ધાન્તમાં ઘણી આપત્તિઓ છે અને તેમાં ભૌતિકતાનો કોઈ ખુલાસો મળતો નથી. ભૌતિક વસ્તુમાંથી ચૈતન્ય કેવી રીતે પ્રગટી શકે તે અંગે વારંવાર વાંધાઓ રજૂ કરનાર ચિંતકોએ ચૈતન્ય કઈ રીતે ભૌતિકનો આશ્રય કે તેનું ઉપાદાન હોઈ શકે તે પ્રશ્ન જાણે કે પૂછ્યો જ નથી. જડ-ચેતન એવી બે જ કોટિ નથી. જડ, જીવન, ચેતન એવી ત્રણ કોટિ છે. મનુષ્ય પહેલાં પણ આ ભૌતિક જગત પ્રવર્તતું હતું અને પછી પણ તે કદાચ ટકી રહેશે તે જોતાં તમામ વસ્તુઓનું ચૈતન્યઆશ્રિત હોવું કે ચૈતન્યમય હોવું ઘટતું નથી. અત્યારે ફિખ્તે, હેગેલ કે બ્રેડલી જેવા વિજ્ઞાનવાદના ભાગ્યે જ કોઈ પક્ષકારો હશે. મન-શરીરની સમસ્યા ભૌતિકવાદથી ન ઉકેલી શકાય તેમ હોય તો પણ એકતત્વવાદી ચિત્તમાત્રવાદથી તો તે ક્યારેય ઉકેલાશે નહિ તેમ ઘણાં માને છે.
ભૌતિકવાદી એકતત્વવાદ : મન અને શરીરના સંબંધ અંગેના એકતત્વવાદી ભૌતિકવાદનાં મુખ્ય ત્રણ સ્વરૂપો છે : (1) રૂપાન્તરવાદી ભૌતિકવાદ, (2) અરૂપાન્તરવાદી ભૌતિકવાદ અને (3) વિસર્જનવાદી (વિલયવાદી) ભૌતિકવાદ.
રૂપાન્તરવાદી (વિગલનવાદી – reductionist) ભૌતિકવાદ : કોઈપણ ક્ષ પ્રકારની હકીકત અંતે તો ય પ્રકારની હકીકત છે તેથી ક્ષનાં વર્ણનોને યનાં વર્ણનોમાં ફેરવી શકાય તેવો અભિગમ વિગલનવાદી (રૂપાન્તરવાદી) અભિગમ ગણાય છે. મન-શરીર પ્રશ્ને આવા અભિગમનાં બે મુખ્ય સ્વરૂપો છે : (1) તાર્કિક વર્તનવાદ (logical behaviourism) અને (2) મન-શરીરવિષયક તથ્યાત્મક અભેદ(identity)નો સિદ્ધાંત.
તાર્કિક વર્તનવાદ : આ અભિગમ પ્રમાણે વિચાર, પ્રતિમા, કલ્પના, પીડા, આવેગ, માન્યતા (belief) વગેરે શબ્દોને પ્રયોજવામાં વાંધો નથી. તેને રદ કરવાની જરૂર નથી, પણ આ બધા શબ્દો જે ક્રિયાઓ દર્શાવે છે તે ખરેખર તો શારીરિક વર્તનની કોઈ ને કોઈ ઘટના તરીકે જ સમજવાની હોય છે. એટલે કે મનવિષયક ભાષાને શારીરિક વર્તન-વિષયક ભાષામાં નિ:શેષ રીતે ફેરવી શકાય છે તેવું તાર્કિક વર્તનવાદીઓ માને છે. માનસિક ક્રિયા દર્શાવતા શબ્દો વર્તનલક્ષી શારીરિક ક્રિયા દર્શાવતા શબ્દોના સમાનાર્થી શબ્દો છે.
તાર્કિક વર્તનવાદના સ્થાપક ગિલબર્ટ રાઇલે ‘ધ કૉન્સેપ્ટ ઑવ્ માઇન્ડ’ નામના તેમના ખૂબ જ ચર્ચાયેલા પુસ્તકમાં એમ દર્શાવ્યું છે કે ડેકાર્ટ-સ્થાપિત દ્વૈતવાદ એ તો યંત્રમાં ભૂત (ghost-in machine) સ્થાપનાર નિરર્થક અભિગમ છે. રાઇલ દ્રવ્ય-દ્વૈત, અવસ્થા-દ્વૈત, કે ગુણધર્મ-દ્વૈત, કે પ્રક્રિયા-દ્વૈત સ્વીકારતા નથી. માનસિક શબ્દો વલણવાચક (dispositional) શબ્દો છે. તે કોઈ વ્યક્તિના ચિત્તમાં પ્રવર્તતી માનસિક ઘટના(occurrent state)ને લગતા શબ્દો નથી. ‘આ માણસ બુદ્ધિશાળી છે’ તે વાક્યનો અર્થ એટલો જ કે અમુક પ્રકારની પરિસ્થિતિઓમાં તે અમુક પ્રકારની વર્તનલક્ષી પ્રક્રિયાઓ કરશે. બુદ્ધિ નામનો ગુણ પ્રવર્તમાન અનુભવ તરીકે તેમના મનમાં સતત ઉપસ્થિત થયા કરતો હશે તેમ કહેવાની જરૂર નથી. રાઇલ પ્રમાણે મોટાભાગના માનસિક શબ્દો વલણવાચક છે, એટલે કે વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરશે તે જ તેમાં દર્શાવવામાં આવે છે. બાકીના અવસ્થાવાચક શબ્દો માટે પણ કોઈ અશારીરિક માનસિક પદાર્થ કે દ્રવ્ય ધારવાની જરૂર નથી. મન શરીર જેવો બહારથી દેખાતો પદાર્થ નથી માટે અશરીરી અર્દશ્ય પદાર્થ છે તેવું માનવાની જરૂર નથી, કારણ કે ‘મન’ કોઈ પદાર્થ જ નથી ! મનવિષયક ભાષાનું વર્તનવિષયક ભાષામાં રૂપાન્તર કરો તો ‘યંત્રમાં ભૂત’ ધારવાની જરૂર નહિ પડે અને આ સમસ્યા ઉકેલાઈ જશે. ચુસ્ત તાર્કિક વર્તનવાદમાં મનવિષયક શબ્દો વર્તનવિષયક શબ્દોના સમાનાર્થી શબ્દો છે. મનોવૈજ્ઞાનિક ભાષાને ભૌતિકવિજ્ઞાનની ભાષામાં મૂકી શકાય તેવા મતને ‘physicalism’ કહેવાય છે.
તાર્કિક વર્તનવાદથી પદ્ધતિમૂલક અને તથ્યાત્મક (de facto) વર્તનવાદ જુદા છે. પદ્ધતિમૂલક વર્તનવાદ માનસિક બાબતોને પદ્ધતિના હિતમાં અવગણીને કેવળ તેના વર્તનવિષયક પાસાનો અભ્યાસ કરે છે, જ્યારે તથ્યાત્મક વર્તનવાદ એમ માને છે કે માનસિક ભાષા વર્તન-ભાષાને સમાનાર્થી ન ગણો તોપણ હકીકતમાં માનસિક બાબતો શારીરિક વર્તનની જ બાબતો છે. વ્યક્તિને પોતાને હંમેશાં પોતાની માનસિક અવસ્થાઓનો સીધેસીધો અનુભવ થાય છે અને તેવો અનન્ય અનુભવ ક્ષતિમુક્ત (infallible) અને અસુધારણાક્ષમ (incorrigible) હોય છે તેવો અભિગમ કોઈ વર્તનવાદીને માન્ય નથી.
મન–શરીર–તાદાત્મ્યનો સિદ્ધાંત (identity theory) : ચુસ્ત તાર્કિક વર્તનવાદમાં મનવિષયક શબ્દોને વર્તનદર્શક શબ્દોના સમાનાર્થી ગણવામાં આવે છે. એટલે કે મન અને વર્તન વચ્ચે તાર્કિક અભેદ પ્રવર્તે છે પરંતુ તાદાત્મ્ય સિદ્ધાંતમાં માનસિક ભાષાને વર્તનદર્શક ભાષા સાથે નહિ, પણ મગજપ્રક્રિયાદર્શક ભાષા સાથે જોડવામાં આવે છે અને તે ઉપરાંત, બંને ભાષાને તાર્કિક રીતે સમાનાર્થી ભાષા ગણવામાં આવતી નથી. બંને અભિગમ જોકે વિગલનવાદી તો છે જ કારણ કે માનસિક બાબતો તેમને મતે અંતે તો વર્તનની કે મગજક્રિયાઓની જ બાબતો છે; પણ મન-મગજ તાદાત્મ્ય સિદ્ધાંત (mind-brain identity theory) તાર્કિક વર્તનવાદથી એટલા માટે જુદો પડે છે કે માનસિક ભાષાના અર્થ મગજની ભાષાના અર્થ કરતાં જુદા છે તેવું સ્વીકારીને એ સિદ્ધાંત એમ માને છે કે બંને ભાષા સમાનાર્થી ન હોવા છતાં બંનેનો વર્ણનવિષય તો એક જ છે, એટલે કે બંને ભાષા અમુક પ્રકારની મગજની ક્રિયાનો જ નિર્દેશ કરે છે. માનસિક ક્રિયાઓ તથ્યાત્મક રીતે (confengently) મગજની ક્રિયાઓથી અભિન્ન હોય છે, ભલે બંને વિશે પ્રયોજાતી ભાષાના અર્થ જુદા હોય. અર્થની ર્દષ્ટિએ જુદાં પણ નિર્દેશ(reference)ની ર્દષ્ટિએ એક જ હોય તેવાં વિધાનોનાં ર્દષ્ટાંતો નીચે મુજબ છે :
(1) પાણી H2O છે. (2) સવારે દેખાતો તારો સાંજે દેખાતો તારો છે. (વિનસ). (3) ગૅસની ગરમી એટલે તેના અણુસમૂહની સરેરાશ ગતિશક્તિ.
તાદાત્મ્ય સિદ્ધાંત માનસિક પ્રકારની ઘટનાને શારીરિક પ્રકારની ઘટના સાથે એકરૂપ ગણે છે. તેથી તેને પ્રકારનિષ્ઠ અભેદ સિદ્ધાંત પણ ગણવામાં આવે છે. પીડા પ્રકારનો અનુભવ એ મગજમાં ‘સી’ના મત પ્રકારના તંતુઓની ઉત્તેજના જ છે, છતાં પીડા અંગેની ભાષાનો અને મજ્જાતંતુ અંગેની ભાષાનો અર્થ જુદો છે. અર્થની ર્દષ્ટિએ ‘સવારનો તારો’ અને ‘સાંજનો તારો’ બંને શબ્દપ્રયોગ જુદા છે પણ તે બંને એની એ જ બાબતોનો નિર્દેશ કરે છે, જેમકે શુક્રનો તારો. શબ્દો, વિભાવનાઓ કે પરિભાષા અર્થની ર્દષ્ટિએ જુદાં હોય પણ તેનાથી નિર્દેશાયેલી બાબત એની એ જ હોય તે બાબતને માનસિક અને મગજની ક્રિયાઓને આ સિદ્ધાંત લાગુ પાડે છે. વિભાવનાત્મક નહિ પણ તથ્યાત્મક એકરૂપતાની વાત અહીં થઈ હોવાથી તાદાત્મ્ય સિદ્ધાંત અવલોકનથી સિદ્ધ કરવાનો સિદ્ધાંત છે. પ્રકાર-પ્રકાર સિદ્ધાંત (type-type theory) ચિહ્ન-ચિહ્ન સિદ્ધાંત (token-token theory) કરતાં ભિન્ન છે. પ્રકાર-પ્રકાર અભેદવાદમાં એમ કહેવાયું છે કે અમુક પ્રકારની માનસિક ક્રિયા અને અમુક પ્રકારની મગજની ક્રિયા એ બે અભિન્ન છે, જ્યારે ટોકન કે ચિહ્ન અભેદવાદમાં એમ કહેવાયું છે કે અમુક આ કે તે માનસિક ક્રિયાનું વિશેષ ર્દષ્ટાંત અમુક આ કે તે શારીરિક ક્રિયાના વિશેષ ર્દષ્ટાંતથી અભિન્ન છે. ઑસ્ટ્રેલિયન ફિલસૂફો જે. જે. સી. સ્માર્ટ અને આર્મસ્ટ્રૉંગ પ્રકારલક્ષી તાદાત્મ્ય સિદ્ધાંતમાં માને છે. તેમની ર્દષ્ટિએ દરેક પ્રકારની માનસિક અવસ્થા હજી ન શોધાઈ હોય તેવી કોઈક પ્રકારની મજ્જાકીય (neural) અવસ્થા સાથે એકરૂપ છે એટલે કે તથ્યની ર્દષ્ટિએ તેનાથી અભિન્ન છે. આવું મનોશારીરિક તાદાત્મ્ય તાર્કિક કે પ્રાગાનુભાવક (a-priori) નથી, અનુભવજન્ય છે. કહેવાતી દરેક માનસિક પ્રક્રિયાની સહવર્તી મજ્જાકીય પ્રક્રિયા વિજ્ઞાન શોધી કાઢશે. જેમ પાણીનું સ્વરૂપ H2O તરીકે અને મીઠાનું સ્વરૂપ NaCl તરીકે કે ગૅસના તાપમાને અણુસમૂહની સરેરાશ ગતિશક્તિ તરીકે શોધી કાઢવામાં આવ્યું છે, તેમ વિચાર, ઇચ્છા, માન્યતા, આવેગ, કલ્પના આદિને સહવર્તી મજ્જાવ્યાપારો શોધી શકાશે. મન-શરીરની આંતરક્રિયાના પ્રશ્નો જે દ્વૈતવાદમાં નડ્યા હતા તે અહીં ઉકેલાઈ જાય છે કારણ કે માનસિક ક્રિયા એ મગજની શારીરિક ક્રિયા જ છે. જોકે ઘણા માને છે કે પીડા, સ્પર્શ, રંગ, સ્વાદ આદિ સંવેદનોનો દરેક વ્યક્તિને જે અનુભવ થાય છે તેનો અનન્ય અને કેવળ તે જ વ્યક્તિથી જ્ઞાત થતો અનુભવરૂપ ગુણ (phenomenal property) મગજની ક્રિયા સાથે કઈ રીતે એકરૂપ ગણી શકાય તેનો ખુલાસો આવા સિદ્ધાંતમાં નથી. માનસિક ક્રિયા સાથે સહસંબદ્ધ શારીરિક ક્રિયા ધારવી એ એક બાબત છે પણ બંને એક જ ક્રિયા છે તેમ ધારવું ઘણાની ર્દષ્ટિએ અસ્વીકાર્ય છે. મજ્જાતંત્રની ક્રિયા વગર અનુભવ જ ન થાય તે સાચું, છતાં મજ્જાતંત્રની ક્રિયા અને અનુભવ એક જ છે તે સમજવું કે સ્વીકારવું આ સિદ્ધાંતના વિવેચકોને માન્ય નથી.
તાદાત્મ્ય સિદ્ધાંતના પક્ષકાર આર્મસ્ટ્રૉંગે કેન્દ્રીય-અવસ્થાવિષયક ભૌતિકવાદ રજૂ કર્યો છે તે મત મુજબ માનસિક ક્રિયાઓ અમુક વર્તન નિપજાવવા માટે કારણરૂપ ક્રિયાઓ છે, પરંતુ તે મગજની ક્રિયાઓથી અભિન્ન છે.
અરૂપાન્તરવાદી ભૌતિકવાદ (nonreductionist materialism) : કાર્યવિષયક, ભાષાવિષયક અને મનવિષયક તત્વજ્ઞાનમાં અમેરિકન ફિલસૂફ ડૅવિડસને (જ. 1917) ખૂબ મહત્વનું યોગદાન કર્યું છે. દ્વૈતવાદનો તેઓ તેમના સમકાલીન ફિલસૂફ ક્વાઇનની જેમ વિરોધ કરે છે. ક્વાઇનના મત પ્રમાણે જગતમાં જે કંઈ છે તે ભૌતિકવિજ્ઞાન જે કહે છે તે જ છે. ડૅવિડસનના મત પ્રમાણે જગતમાં જે કંઈ છે તે ભૌતિક બાબત સાથે કાર્યકારણભાવે સંકળાઈ શકે તેવું જ છે.
ડૅવિડસનની સત્તાવિષયક (ontological) સ્થાપના એ છે કે વિશેષો (particulars) સત્ છે અને ઘટનાઓ (events) વિશેષો તરીકે સત્ છે. તેમની ર્દષ્ટિએ બધી ઘટનાઓ ભૌતિક ઘટનાઓ છે. આ અર્થમાં તેઓ એકતત્વવાદી ભૌતિકવાદના પક્ષમાં છે. પરંતુ ડૅવિડસનનો વિશિષ્ટ મત એ છે કે વિષયાભિમુખ (intentional) માનસિક ઘટનાનો ભૌતિક ખુલાસો આપી શકાય તેમ નથી. તેઓ માનસિક ભાષાને સ્થાને શારીરિક ભાષા મૂકવાનું આવશ્યક ગણતા નથી. તેઓ રૂપાન્તરવાદી નથી. તેથી તાદાત્મ્ય સિદ્ધાંત કે વર્તનવાદના સિદ્ધાંતથી તેઓ જુદો મત ધરાવે છે. માનસિક બાબતોને તે અંગત અભૌતિક ઘટનાઓ તરીકે ગણતા નથી પણ તેમના મતે ચેતનાની વિષયાભિમુખતા વિષયનિર્દેશકતા એટલે કે વિચાર, ઇચ્છા, માન્યતા, કલ્પના વગેરે માનસિક ઘટનાઓનું કોઈક બાબતને વિશે હોવાનું લક્ષણ (aboutness) એ તેનું મહત્વનું લક્ષણ છે અને તેને શરીરની ભાષામાં ફેરવી શકાય નહિ. ફૉડર, પુટનામ અને સર્લની જેમ ડૅવિડસન મનની વિષયાભિમુખતા(intentionality)ને મહત્વ આપે છે.
માનસિક બાબતો સુસંગતતા, તાર્કિકતા વગેરે ધોરણે સમજવામાં આવે છે. મજ્જાતંતુની ક્રિયાઓને તે રીતે સમજવામાં આવતી નથી.
ડૅવિડસનના મત પ્રમાણે માનસિક ઘટનાઓ ભૌતિક ઘટનાઓથી અભિન્ન છે. જે ઘટનાઓને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં વર્ણવવામાં આવે છે તેની તે જ ઘટનાઓને ભૌતિકવિજ્ઞાનના સિદ્ધાંતમાં પણ વર્ણવવામાં આવે છે. ટૂંકમાં ડૅવિડસન નીચે દર્શાવેલાં ત્રણ વિધાનો એકસાથે સ્વીકારે છે : (1) કેટલીક માનસિક ઘટનાઓ શારીરિક ઘટનાઓ સાથે કાર્યકારણસંબંધે સંકળાયેલી છે. (2) કાર્યકારણસંબંધથી સંકળાયેલી તમામ ઘટનાઓ નિરપવાદ નિયમ હેઠળ સમાવેશ પામે છે. પરંતુ (3) માનસિક અને શારીરિક ઘટનાને કાર્યકારણરૂપે જોડતા આવા નિરપવાદ ચોક્કસ નિયમો હોતા નથી. આવા કડીરૂપ કે સેતુરૂપ નિયમો (bridge laws) ન હોવાથી મનવિષયક ભાષાનું – માન્યતા, ઇચ્છા, વલણ વગેરે દર્શાવતી ભાષાનું – શરીર-વિષયક ભાષામાં કદી રૂપાંતર થઈ શકે તેમ નથી.
ડૅવિડસનનો ભૌતિકવાદ અનિયમિત કે વિસંવાદી (anomalous) ભૌતિકવાદ છે કારણ કે તેઓ ઘટનાનું એકત્વ અને ઘટનાવર્ણનોનું દ્વૈત સ્વીકારે છે. માનસિક બાબતોનાં વર્ણનો શારીરિક બાબતોનાં વર્ણનથી અત્યંત ભિન્ન છે તેમ માનતા હોવાથી ડૅવિડસન અરૂપાન્તરવાદી અભિગમ સ્વીકારે છે પણ બંને વર્ણનો એની એ જ ઘટનાનાં (ભૌતિક ઘટનાનાં) જ છે તેમ માનતા હોવાથી તેમનો મત ભૌતિકવાદી છે.
ડૅવિડસનના મંતવ્ય અનુસાર માનસિક અને શારીરિક ઘટના કાર્યકારણરૂપે સંકળાયેલી હોય તો તેમનો ચોક્કસ નિયમ હેઠળ સમાવેશ થતો હોવો જોઈએ, પણ મનોભૌતિક કડીરૂપ નિયમો તો છે જ નહિ એટલે બંને ઘટનાને કોઈ ભૌતિક નિયમ હેઠળ જ સમાવવી પડે. હવે તેમ કરવા માટે માનસિક ઘટનાનું ભૌતિક વર્ણન શક્ય હોવું જોઈએ અને તે શક્ય હોય તો માનસિક ઘટના શારીરિક ઘટના જ ગણાય.
ડૅવિડસન ઘટનાનું ઐક્ય અને વર્ણનપ્રકારોનું દ્વૈત સ્વીકારે છે. સત્તાવિષયક ર્દષ્ટિએ ઘટના એક જ પ્રકારની છે (એટલે કે ભૌતિક ઘટના જ છે), પણ તેમ છતાં માનસિક વર્ણનો હેઠળ નિર્દેશાયેલી ઘટના અને શારીરિક વર્ણનો હેઠળ નિર્દેશાયેલી ઘટના વચ્ચે કડીરૂપ નિયમોના અભાવે કાર્યકારણસંબંધ ઘટતો નથી.
વિસર્જનવાદી કે વિલયવાદી ભૌતિકવાદ : વીસમી સદીના છેલ્લા દાયકામાં ફેયરઆલન્ડ રિચર્ડ રૉર્ટીને અને ક્વાઇનને અનુસરતા બે ચિંતકોએ પૉલ ચર્ચલૅન્ડ અને પેટ્રિસિયા ચર્ચલૅન્ડે – એ વિસર્જનવાદી કે વિલયવાદી (eliminative) ભૌતિકવાદ તેના ઉગ્ર સ્વરૂપમાં રજૂ કર્યો છે. તેમના મતે માનસિક ભાષાનું રૂપાંતર શારીરિક ભાષામાં કરવું કે ન કરવું એ વિવાદ જ મિથ્યા છે. ખરી રીતે તો માનસિક વિભાવનાઓ કે માનસિક પરિભાષાઓ કે વર્ણનો જ આપણે તજી દેવાં જોઈએ. તેનું દૂરીકરણ, તેનું વિસર્જન કરવું જોઈએ. માનસિક ભાષા પ્રાક્વૈજ્ઞાનિક તેમજ અવૈજ્ઞાનિક છે. ભૂતપ્રેતની કે વળગાડની ભાષાને જેમ હવે તબીબી વિજ્ઞાનમાં સ્થાન નથી તેમ માનસિક ભાષા – ઇચ્છા, ઇરાદો, પ્રયોજન, લાગણી વગેરે દર્શાવતી ભાષા – રદ થવાને પાત્ર છે. એ તો લોક-મનોવિજ્ઞાન(folk psychology)ની ભાષા છે, વિજ્ઞાનમાં તેને કોઈ સ્થાન હોઈ શકે જ નહિ. ‘ન્યૂરોસાયન્સ’નો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ આ ભાષા આપોઆપ પડતી મુકાતી જશે. ‘મને પીડા થાય છે’ એમ કહેવાને બદલે લોકો એમ કહેશે કે ‘‘મારા મગજમાં ‘સી’ પ્રકારના તંતુઓ ઉદ્દીપ્ત થઈ રહ્યાં છે.’’ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણને પહેલાં રાક્ષસોની ભાષામાં સમજાવવામાં આવતાં હતાં. હવે વિજ્ઞાનીઓ ‘એસ્ટ્રૉનોમી’ની ભાષા વાપરે છે. લોકો ભલે ગમે તે માનતા હોય પણ સત્ય તો વિજ્ઞાનને પક્ષે જ છે. માનસિક ભાષાને રૂપાંતરિત કરીને કે તેને જાળવીને નહિ, પણ તેને રદ કરીને જ ભૌતિકવાદ સ્થાપી શકાય તેમ છે.
તટસ્થ એકતત્વવાદ (neutral monism) : સત્તા એક જ પ્રકારની છે તેવો એકતત્વવાદી મત સ્વીકારનારા બર્ટ્રાન્ડ રસેલ જેવા કેટલાક ફિલસૂફોએ તટસ્થ એકતત્વવાદ રજૂ કર્યો છે. તેમને મતે એક જ પ્રકારની સત્તા માનસિક સ્વરૂપની કે ભૌતિક સ્વરૂપની નથી, પણ અમુક પ્રકારનાં તત્વો અમુક સંયોજનોમાં માનસિક બાબતો તરીકે અને અમુક સંયોજનોમાં ભૌતિક બાબત તરીકે અનુભવાય છે. અત્યારે આ મત કોઈ ભૌતિકવાદી કે દ્વૈતવાદી કે ચિત્તમાત્રવાદીને માન્ય નથી.
કાર્યવાદ (functionalism) : માનસિક પ્રક્રિયાઓને તેનાં કારણો અને તેનાં પરિણામોના સંદર્ભમાં જ સમજવી જોઈએ તેવો મત ‘કાર્યવાદ’ તરીકે ઓળખાય છે. આ મત મુજબ, માનસિક અવસ્થાઓને તેના અંતર્ગત સ્વરૂપને આધારે નહિ પણ તેના સંબંધક (relational) સ્વરૂપને આધારે જ સમજવાની રહે છે. દા.ત., પીડા નામની અવસ્થા શારીરિક ઈજાને લીધે ઉદભવતી માનસિક અવસ્થા છે અને તેને બીજી માનસિક અવસ્થા ઉત્પન્ન કરનારી (જેમ કે ચિંતા, ભય) અને બૂમો પાડવાનાં કે રડવાનાં વર્તનને નિપજાવનારી અવસ્થા તરીકે સમજવાની રહે છે એટલે કે તેને કાર્યાત્મક (functional) અવસ્થા તરીકે સમજવાની છે. કાર્યકારણસંબંધમાં માનસિક અવસ્થાનું શું સ્થાન અને યોગદાન છે તે જ વિચારવાનું રહે છે. કાર્યકારણમાં માનસિક અવસ્થાની કોઈ ભૂમિકા (role) હોય છે અને તે ભૂમિકાનો કોઈ ધારણ કરનાર (occupant) હોય છે તેટલું જ સ્વીકારવું અનિવાર્ય હોય છે.
કાર્યકારણાત્મક (causal) ભૂમિકા અને તેનો આશ્રય કે ધારક એવો ભેદ કમ્પ્યૂટરની ભાષામાં પ્રવર્તતા ‘સૉફ્ટવેર’ અને ‘હાર્ડવેર’ના ભેદની જેમ સમજવાનો છે. કાર્યવાદના સ્થાપક પુટનેમે ‘ટ્યૂરિંગ મશીન’ના મૉડેલથી કાર્યવાદ પ્રારંભમાં સમજાવ્યો હતો. માનસિક અવસ્થાઓને અંત:ક્ષેપ (input), બહિ:ક્ષેપ (output) અને પ્રક્રિયાકરણ- (processing)ના મશીનના મૉડેલથી સમજી શકાય છે.
માનસિક અવસ્થાઓને મશીનની પરિભાષામાં સમજવાને બદલે ઑસ્ટ્રેલિયન ફિલસૂફ આર્મસ્ટ્રૉંગ તેને કેવળ કારણરૂપ અવસ્થા તરીકે ઘટાવે છે. આર્મસ્ટ્રૉંગના મત પ્રમાણે : (1) માનસિક અવસ્થાઓ વર્તન નિપજાવતી આંતરિક અવસ્થાઓ છે અને (2) વર્તન નિપજાવતી આંતરિક અવસ્થાઓ તરીકે પણ માનસિક અવસ્થાઓ હકીકતમાં મગજની જ અવસ્થાઓ છે. આમ આર્મસ્ટ્રૉંગ(2)ને લીધે તાદાત્મ્ય સિદ્ધાંતમાં માનનારા વિગલનલક્ષી (reductionist) ભૌતિકવાદી છે અને(1)ને લીધે તેઓ કાર્યવાદી પણ છે. બધા કાર્યવાદીઓ આર્મસ્ટ્રૉંગનો પહેલો મુદ્દો સ્વીકારે છે પણ મોટાભાગના કાર્યવાદીઓ તેમનો બીજો મુદ્દો સ્વીકારતા નથી. આવા કાર્યવાદીઓની દલીલ એ છે કે માનસિક અવસ્થાઓ ‘કાર્યાત્મક (functional) અવસ્થાઓ’ તરીકે અનેક પ્રકારનાં આશ્રયો કે માધ્યમો કે ઉપાદાનોમાં દેહીભૂત કે મૂર્ત થતી હોય છે. આવી ‘અનેક પ્રકારના ધારકોમાં મૂર્ત થવાની શક્યતા(multiple realizability)’ને લીધે અમુક પ્રકારની માનસિક ક્રિયાઓ અમુક પ્રકારની મગજની ક્રિયાઓથી અભિન્ન છે એવો આર્મસ્ટ્રૉંગનો પ્રકારનિષ્ઠ અભેદવાદ અનિવાર્ય બનતો નથી. માનસિક ક્રિયાને મનુષ્યના મગજની ક્રિયા સાથે હકીકતમાં એકરૂપ ગણવાનું અનિવાર્ય નથી. કાર્યકારણાત્મક હોવાથી આ અવસ્થાઓ બીજાં ઉત્પાદનોમાં પણ મૂર્ત થઈ શકે છે.
એવું કલ્પી શકાય કે કોઈ મંગળનિવાસી સચેતન જીવ પીડાની અવસ્થામાં હોય છતાં મનુષ્ય જેવું જ મજ્જાતંત્ર તે ધરાવતો હોય તેવું બને. એટલે કાર્યકારણાત્મક અવસ્થા તરીકે માનસિક અવસ્થાઓ અનેકવિધ ઉપાદાનોમાં મૂર્ત થઈ શકે છે.
કાર્યવાદીઓ (આર્મસ્ટ્રૉંગ સિવાય) ડૅવિડસનની જેમ અવિગલનલક્ષી ભૌતિકવાદીઓ છે. ડૅવિડસનના મતે ‘ઇન્ટેશનલ’ હોવાથી માનસિક વર્ણનો શારીરિક વર્ણનોમાં ફેરવી શકાય નહિ છતાં ઘટના તરીકે તો માનસિક ઘટના અને શારીરિક ઘટના એક જ ઘટના છે અને તે જુદા જુદા પ્રકારનાં વર્ણનોમાં અભિવ્યક્ત થાય છે.
ડૅવિડસને વર્ણનો પૂરતો માનસિક ઘટનાની વિષયાભિમુખતા(intentionality)નો સ્વીકાર કર્યો છે. પરંતુ જૉન સર્લ તો મનના સ્વરૂપને મૂળભૂત રીતે જ વિષયનિર્દેશક ગણે છે. ડૅવિડસનથી જુદા પડતાં સર્લ (1992) તો એમ જ કહે છે કે માત્ર માનસિક વર્ણનો જ નહિ, માનસિક ઘટનાઓ પણ ‘ઇન્ટેન્શનલ’ હોવાથી શારીરિક ઘટનાથી અલગ જ છે. વર્ણનભેદે સર્લ ઘટનાભેદ માને છે, ડૅવિડસન વર્ણનભેદને ઘટનાભેદ તરીકે સ્વીકારતા નથી. ડૅવિડસન, ડેનેટ અને પુટનેમ ચેતનાની વિષયલક્ષિતા અવગણતા નથી પણ ફૉડર સર્લ, નેગેલ અને ક્રિપકેની જેમ તેને તેઓ સત્તાવિષયક મહત્વ આપતા નથી.
શરૂઆતમાં પુટનેમ કાર્યવાદના પક્ષકાર હતા. હવે તેઓએ એમ દર્શાવ્યું છે કે માનસિક અવસ્થા-પ્રકારોને કાર્યાત્મક અવસ્થા-પ્રકારો સાથે એકરૂપ ન ગણી શકાય અને કાર્યાત્મક અવસ્થા-પ્રકારોને ભૌતિક-શારીરિક અવસ્થા-પ્રકારો સાથે એકરૂપ ન ગણી શકાય, કારણ કે એક જ પ્રકારની કાર્યાત્મક અવસ્થા ઘણા પ્રકારની ભૌતિક અવસ્થામાં મૂર્ત થઈ શકે અને એક જ પ્રકારની ‘ઇન્ટેન્શનલ’ માનસિક અવસ્થા ઘણા પ્રકારની કાર્યાત્મક અવસ્થામાં મૂર્ત થઈ શકે.
બોધ-પ્રક્રિયાવિજ્ઞાનમાં હવે મનોવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, તત્વજ્ઞાન, કૃત્રિમ બુદ્ધિની શોધ અને કમ્પ્યૂટર વિજ્ઞાન એમ – જુદાં જુદાં ક્ષેત્રોનાં સહિયારાં સંશોધનોથી આ પ્રશ્ન અંગેની આપત્તિઓ કંઈક ઓછી થવાની ધારણા છે. મનુષ્યની બોધાત્મક ક્રિયાઓનું મશીન દ્વારા સફળ રીતે બેવડાવવાનું કે તેને અનુકૃતિ(નકલ – simulation)થી સમજવાનું હવે શક્ય બનતું જાય છે. પણ આવેગિક (affective) અને ઇચ્છા-સંકલ્પરૂપ (volitional) પ્રક્રિયાઓ મશીનોમાં મૂર્ત કરવાની શક્યતા અંગેના પ્રશ્નો તો રહ્યા જ છે. હાયડેગર, મારલૉ પોન્તી તેમજ સાર્ત્રની ર્દષ્ટિએ મન-શરીરસમસ્યામાં મનવિષયક કરતાં જીવંત શરીરવિષયક વિચારને કેન્દ્રમાં મૂક્વો જોઈએ. બીજા ભૌતિક પદાર્થો કરતાં વ્યક્તિના પોતાના શરીરનું ભાન તેને કોઈક અનન્ય રીતે સુલભ થતું હોય છે તે બાબત યંત્રવાદી ફિલસૂફોએ અવગણી છે એટલે પોતાના શરીરના સ્વકીય સ્વાનુભવનો વિચાર કરીને ‘મનુષ્યના–જગતમાં–શરીરી-હસ્તી-તરીકેના–હોવાપણા’ને મહત્વ આપીને નવેસરથી આ પ્રશ્ન વિચારવો ઘટે તેવું હાય્ડેગર, પોન્તી અને સાર્ત્રના ચિંતનમાંથી ફલિત થાય છે. મનના અને શરીરના એમ જુદા જુદા અનુભવો ધારીને આગળ વિચારવાનું ઘણાની ર્દષ્ટિએ ઉચિત નથી. ભૌતિકવિજ્ઞાનની બધી વિચારકોટિઓ જેમની તેમ જીવંત વ્યક્તિના માનસિક અનુભવને લાગુ પાડવાનું કે મનને માત્ર બાહ્ય પ્રકૃતિના પદાર્થોનું પ્રતિબિંબ નિષ્ક્રિય રીતે ઝાલતા દર્પણની જેમ કલ્પવાનું ઘણાને માન્ય નથી. જોકે પ્લૅટોથી ડૅવિડસન કે ચર્ચલૅન્ડ સુધીનો આ પ્રશ્નનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે.
મધુસૂદન બક્ષી