મખદૂમ શેખ રહમતુલ્લાહ

January, 2002

મખદૂમ શેખ રહમતુલ્લાહ (જ. ?; અ. 3 નવેમ્બર 1472, અમદાવાદ) : પંદરમી સદીના મહાન ઓલિયા. એમના વાલિદસાહેબનું નામ શેખ અઝીઝુલ્લાહ મુવક્કલ હતું. તેઓ મધ્યપ્રદેશમાં માંડુગઢમાં રહેતા હતા. માત્ર બાર વર્ષની ઉંમરથી રોજા રાખવા, આખી રાત ઇબાદતમાં તલ્લીન રહેવું એ એમનો નિત્યક્રમ હતો. બાહ્ય અને આંતરિક જ્ઞાનમાં તેઓ નિપુણ હતા. તેઓ કોઈના ઉપર ક્યારેય ગુસ્સે થતા નહોતા; એવા એ શાંત પ્રકૃતિના હતા. એમના વાલિદસાહેબના અવસાન બાદ તેઓ અમદાવાદ આવ્યા.

વટવાના હઝરત કુત્બેઆલમસાહેબે હઝરત મખદૂમ શેખ રહમતુલ્લાહને ‘મુજસ્સમે હિલ્મ’ એટલે કે ‘શાંતિની મૂર્તિ’નો ખિતાબ એનાયત કર્યો હતો. સાબરમતી નદીના પશ્ચિમ કિનારા ઉપર તેમણે મુકામ કરીને શેખપુર નામે પરું વસાવ્યું. ધીમે ધીમે તેમની ખ્યાતિ ફેલાઈ એટલે સૂફીઓ તથા અન્ય લોકો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શેખપુર આવવા લાગ્યા. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના તેઓ ધર્મગુરુ હતા. સુલતાને તેમને માટે ત્યાં મસ્જિદ, ખાનકાહ (ફકીરનો તકિયો) અને પાઠશાળા બંધાવી આપ્યાં હતાં. એમાં આજે માત્ર તેમનો રોજો (કબર) જ ઊભો છે. ફતેહખાન (મહમૂદશાહ બેગડો) ગુજરાતનો સુલતાન બનશે એવી તેમની ભવિષ્યવાણી સાચી પડી હતી. સુલતાન બન્યા પછી મહમૂદ અવારનવાર હઝરતની સેવામાં હાજર થતો. મહમૂદશાહે ઘણાં ગામો તેમને બક્ષિસરૂપે આપ્યાં હતાં, પરન્તુ તેમણે સ્વીકાર્યાં નહિ અને તેને ઉપદેશ આપ્યો કે ‘ગરીબ પ્રજાની બરાબર દેખભાળ રાખો; લોકોને બે ટંક પેટ ભરીને ખાવાનું મળે એવી વ્યવસ્થા કરો; પ્રજાનો પ્રેમ મેળવો.’ સુલતાન પાસેથી હઝરતે કોઈ પણ ચીજ સ્વીકારી નહિ, કારણ કે તેઓ દુનિયાની માયાને ઠુકરાવી ચૂક્યા હતા. મખદૂમ શેખ રહમતુલ્લાહ ફારૂકી હતા અને ચિશ્તિયા સિલસિલાના ખલીફા હતા. એક દિવસ હઝરતે પોતાનો ઝભ્ભો અને ખિલાફતનો આદેશ–ઉભય એક કપડામાં વીંટીને તેમના ભત્રીજાને પ્રસાદીરૂપે આપીને કહ્યું કે, આ અમાનત મારી વફાત (મૃત્યુ) પછી એ માણસને આપી દેજો કે જેનું નામ મેં અંદર લખ્યું છે. બીજે દિવસે રહમતુલ્લાહ બાબા આ ફાની દુનિયાનો ત્યાગ કરીને જન્નતનશીન થઈ ગયા. તેમણે પોતાના ખાસ શિષ્ય હઝરત બહાઉદ્દીનનું નામ લખ્યું હતું. હઝરતની પવિત્ર દરગાહ (પીરની કબરની જગા) અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશનના ક્રૉસિંગ પાછળ, નગરી હૉસ્પિટલની સામે, કલ્યાણ સોસાયટીમાં આવેલી છે.

જલન માતરી