મગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna radiata (Linn.) Wilczek syn. Phaseolus radiatus Linn. P. aureus Roxb. (સં. મુદ્ગ; મ. મૂગ; હિં. મૂંગ; ગુ. મગ; તે. પચ્ચા પેસલુ; તા. પચ્ચો પાયરૂ; ક. હેસરું, મલ. ચેરૂ પાયક; અં. ગ્રીન ગ્રૅમ, ગોલ્ડન ગ્રૅમ) છે. તે ઉન્નત (erect) અથવા ઉપોન્નત (sub-erect), એકવર્ષાયુ, અને 45 સેમી.થી 120 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તેની ઉપરની શાખાઓ આધાર સાથે વીંટળાવાનું વલણ ધરાવે છે. પર્ણો ત્રિપંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે. પ્રત્યેક પર્ણિકા અખંડિત, અંડાકાર અને તેની ટોચ અણીદાર હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો હોય છે જેના ઉપર 10થી 25 જેટલાં પીળાં કે પીળાશ પડતાં લીલાં પતંગિયા આકારનાં પુષ્પો ઉદભવે છે. પુષ્પો દ્વિલિંગી હોય છે, જેમાં 10 પુંકેસરો અને એક સ્ત્રીકેસર હોય છે અને સ્વપરાગનયનની ક્રિયા થાય છે. શિંબ પ્રકારનું ફળ 5.5 સેમી.થી 10 સેમી. લાંબું, પાતળું, નળાકાર અને લગભગ અરોમિલ (glabrous) હોય છે. પ્રત્યેક ફળમાં 10થી 12 લીલાં કે કેટલીક વાર કાળાં-લીલાં, પીળાં, બદામી કે જાંબલી-બદામી બીજ આવેલાં હોય છે. બીજ પર ચપટી સફેદ રંગની પટ્ટીવાળી નાભિ (hilum) જોવા મળે છે. 100 બીજનું વજન 3.5 ગ્રા.થી 4.0 ગ્રા. જેટલું હોય છે.

પર્ણ અને દાણાવાળી શિંગો સાથેનો મગનો છોડ

મગ ભારત અને મધ્ય એશિયાના મૂલનિવાસી (native) મનાય છે. તેના ઉદભવ વિશે કોઈ સ્પષ્ટતા નથી, છતાં તે તેની જાત sublobata (Roxb.) Verdcourt syn. Phaseolus sublobatus Roxb.ની સૌથી નજીક છે. આ જાતિ હિમાલયમાં વન્ય સ્થિતિમાં થાય છે અને મગ અને અડદની પૂર્વજ ગણાય છે.

ભારતમાં મગની ઘણી જાતોનું વાવેતર કરવામાં આવે છે. તેમને વિવિધ ઉપજાતિઓ(subspecies)માં વર્ગીકૃત કરવામાં આવે છે. સૌથી અગત્યની ઉપજાતિઓ આ પ્રમાણે છે. (i) var. radiata : તે ઘેરો લીલો પર્ણસમૂહ, ફેલાતી શિંગો અને લીલાં બીજ ધરાવે છે. (ii) var. aurea (Roxb.) Prain syn. Phaseolus aureus Roxb. આછા રંગનો પર્ણસમૂહ, બહિર્વલિત શીંગો અને પીળાં બીજ ધરાવે છે. (iii) var. grandis Prain : મધ્યમ-લીલો પર્ણસમૂહ, મોટી અને ફેલાતી શિંગો અને કાળા રંગનાં બીજ ધરાવે છે. (iv) var. brunea Bose : મધ્યમ લીલો પર્ણસમૂહ, ફેલાતી શિંગો અને બદામી બીજ ધરાવે છે. (v) var. sublobata (Roxb.) Verdcourt syn. Phaseolus trinervis Wight & Arn. Phaseolus sublobatus Roxb.ને જંગલી મગ ગણવામાં આવે છે અને (vi) var. glabra (Roxb.) Verdcourt syn. Phaseolus glaber Roxb; P. mungo var. glaber Baker.

ભારતમાં મગની લગભગ 90 જેટલી અગત્યની જાતો પસંદ કરવામાં આવી છે. ગુજરાતમાં ડી 2–15, ડી 45–6, ટી 5–7, ટી 6–3 અને ટી 12–2 પસંદગી પામેલી જાતો છે, તે પૈકી ડી 45–6 ડીસામાં ખરીફ પાક માટે ઉત્પન્ન કરવામાં આવી છે, જે 80 દિવસોમાં પાકે છે અને લગભગ 554 કિગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે. શુષ્ક પ્રદેશો માટે પસંદ કરાયેલી જાતમાં એસ. 6, એસ. 8, એસ. 9, એસ. 12 અને એસ. 16 છે.

ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓરિસા અને તામિલનાડુમાં તે મુખ્યત્વે વાવવામાં આવે છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં તેનું વાવેતર ઓછું થાય છે. ગુજરાતમાં ખેડા, અમદાવાદ, સૂરત, પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં તેનું વાવેતર થાય છે.

મગ સામાન્ય રીતે ખરીફ પાક તરીકે વવાય છે. પરંતુ દેશના ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ભાગોમાં તે શિયાળામાં ઉગાડવામાં આવે છે. તેને ઊંડી ગોરાડુ અને સારી નિતારવાળી જમીન વધારે માફક આવે છે. મગને માટીવાળી જમીન અનુકૂળ નથી અને વધારે-પડતો વરસાદ નુકસાનકારક છે. પાણીની જરૂર ઓછી હોવાથી અછત-વિસ્તાર, સૂકા કે અર્ધસૂકા પ્રદેશ અને બિનપિયત વિસ્તારોમાં તેની ખેતી થાય છે. તે જુવાર, બાજરી કે કપાસ સાથે મિશ્ર પાક તરીકે પણ વાવવામાં આવે છે. ભારતમાં કાનપુર અને ગુજરાતમાં સરદાર કૃષિનગર ખાતે તેનું સંશોધન થાય છે. ત્રણેક મહિનામાં પાકીને 600 કિગ્રા.થી 800 કિગ્રા. જેટલું ઉત્પાદન તે આપે છે.

મગને થડનો સડો થાય છે. તેનાં બીજને વાવતા પહેલાં એગ્રોસન જી. એન.ની સારવાર આપવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. Oidium sp. નામની ફૂગ દ્વારા ભૂકી છારો થાય છે. જો ઋતુની શરૂઆતમાં જ આ રોગ થાય તો ચેપ વધારે પ્રસરે છે અને પાકને ભારે નુકસાન પહોંચે છે. અલ્ટ્રાસલ્ફર (6.2 ગ્રા./લીટર પાણી), સલ્ફર (50 કિગ્રા./હેક્ટર) પાઉડર અને 1 % બોર્ડો મિશ્રણનો છંટકાવ પર્ણો ઉપરનો ચેપ ઘટાડે છે. પરંતુ રોગી છોડમાં બીજના ઉત્પાદનમાં વધારો થતો નથી. આ ઉપરાંત મગને ગેરુ [Uromyces appendiculatus (Pers.) Unger], મૂળનો સડો (Rhizoctonia sp.), પર્ણનાં ટપકાં (Cercospora cruenta Sacc.) અને ભૂકી છારાનો રોગ (Erysiphe polygon, DC), લાગુ પડે છે.

પર્ણો ઉપર મોટી સ્ફિંગિડ્ઝ (sphingids) અને વાળવાળી ઇયળ (Diacrisia obliqua WlK.) આક્રમણ કરે છે. મગની વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં લાલ વાળવાળી ઇયળો (Amsacta spp.) ખૂબ નુકસાન પહોંચાડે છે. દાણા ઉપર ધનેડાં પણ આક્રમણ કરે છે.

મગના દાણાના શુષ્ક વજનના આધારે બીજાવરણ 10 %થી 12 %, બીજપત્રો 85 %થી 86 % અને બાકીનો ભ્રૂણ 2.0 %થી 2.5 % જેટલો હોય છે. એક રાસાયણિક વિશ્લેષણ મુજબ બીજમાં પાણી 10.4 %; પ્રોટીન 24 %; લિપિડ 1.3 %; રેસો 4.1 %; કાર્બોદિતો 56.7 % અને ખનિજતત્ત્વો 3.5 % જેટલાં હોય છે અને કૅલ્શિયમ 124 મિગ્રા.; ફૉસ્ફરસ 326 મિગ્રા.; લોહ 7.3 મિગ્રા.; મૅગ્નેશિયમ 171 મિગ્રા.; સોડિયમ 28 મિગ્રા.; પોટૅશિયમ 843 મિગ્રા.; તાંબું 0.97 મિગ્રા.; સલ્ફર 188 મિગ્રા.; અને ક્લોરાઇડ 12 મિગ્રા. પ્રતિ 100 ગ્રામે હોય છે. તેનું કૅલરીમૂલ્ય 334 કિ.કૅલરી/100 ગ્રામ હોય છે. બીજમાં આયોડીન 0.034 માઇક્રોગ્રામ/ગ્રા. જેટલું હોય છે. મગના દાણામાં પ્રજીવકોનું પ્રમાણ આ પ્રમાણે હોય છે : કૅરોટિન 94 માઇક્રોગ્રામ/100 ગ્રા.; થાયેમિન 0.47 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.27 મિગ્રા.; નાયેસિન 2.1 મિગ્રા.; પ્રજીવક ‘સી’ 0; કોલાઇન 167 મિગ્રા./100 ગ્રા. અને ફૉલિક ઍસિડ 140 માઇક્રોગામ/100 ગ્રામ.

અન્ય દાળની જેમ મગ આહારસંબંધી (dietary) કૅલ્શિયમ પ્રમાણમાં ઓછું ધરાવે છે. તે પોટૅશિયમ પુષ્કળ પ્રમાણમાં અને લોહ અને ફૉસ્ફરસ સારા પ્રમાણમાં ધરાવે છે. તેમાં મિથિયોનિન નામનો ઍમિનોઍસિડ ઓછા પ્રમાણમાં હોય છે. અંકુરિત બીજમાં પ્રાપ્ય લોહનું પ્રમાણ વધે છે અને ફાઇટિન-ફૉસ્ફરસનું પ્રમાણ ઘટે છે.

અંકુરણ પામતાં બીજમાં a–ગૅલેક્ટોસાઇડેઝ, ટ્રાન્સગ્લુકોસાઇડેઝ, એરેબિનોકાઇનેઝ, ગૅલેક્ટોકાઇનેઝ, ફૉસ્ફોગ્લુકોમ્યુટેઝ, આલ્ડોલેઝ, ફૉસ્ફોગ્લિસરિલ કાઇનેઝ, ફૉસ્ફોગ્લિસરોમ્યુટેઝ, ઇનોલેઝ, પાયરુવેટ કાઇનેઝ, ઑક્સિડેઝ, ફૉસ્ફોરાયલેઝ, Q–ઉત્સેચક, રીડક્ટેઝ, ડીહાઇડ્રોજિનેઝ, પ્રોટિયોલાયટિક ઉત્સેચકો, ગ્લુટામિક ઍસિડ, ડીકાબૉર્ક્સિલેઝ, નિકોટિનેમાઇડ ડિયેમાઇડેઝ, ટ્રાન્સએમાઇનેઝ, ઍલેન્ટ્રોઇનેઝ, સાયટોસિન ન્યૂક્લિયોસાઇડ ડિયેમાઇનેઝ, ફૉસ્ફોડાઇઍસ્ટરેઝ, ફૉસ્ફોલિપેઝ, ન્યૂક્લિયેઝ, રાઇબોન્યૂક્લિયેઝ M1 અને M2, ફૉસ્ફોમોનોઍસ્ટરેઝ, 3´–ન્યૂક્લિયોટાઇડેઝ, રાઇબોન્યૂક્લીઇક ઍસિડ સિન્થેટેઝ વગેરે ઉત્સેચકોની હાજરી માલૂમ પડી છે.

બીજાવરણરહિત અને લિપિડ વિનાનાં બીજમાંથી સૅપોનિનનું સ્ફટિકસ્વરૂપે અલગીકરણ કરવામાં આવે છે. સૅપોનિનનું ઍસિડ જલઅપઘટન કરતાં સૅપોજેનિન, સોયાસેપોજેનોલ-સી અને ગ્લુકોઝ, રહેમ્નોઝ, ઍરેબિનોઝ અને ગ્લુક્યુરૉનિક ઍસિડ જેવા શર્કરા-ઘટક મળી આવે છે. મૂળગંડિકામાં સંયોજિત સ્વરૂપે હાઇડ્રૉક્સિલેમાઇન (6.7 મિગ્રા. હાઇડ્રૉક્સિલેમાઇન N/100 ગ્રા. મૂળગંડિકા) હોય છે.

મગનો મુખ્ય ઉપયોગ પ્રોટીનયુક્ત આહાર તરીકે થાય છે. તેમાં રહેલું લગભગ 25 % જેટલું પ્રોટીન શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત છે. તેનો ખોરાકમાં આખા દાણા કે દાળ તરીકે ઉપયોગ થાય છે. મગની દાળ મધ્યમ વર્ગનો મુખ્ય ખોરાક છે. તે પચવામાં હલકી હોવાથી માંદા માણસોને મગભાત કે ખીચડી તરીકે અપાય છે. કાચી શિંગોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં આખા મગની ઘણી વાનગીઓ બને છે. ઉત્તર ભારતમાં તેની તળેલી દાળ બનાવે છે. મગનો શીરો અને હલવો પણ બને છે. પલાળીને ફણગાવેલા મગની ઘૂઘરી કે શાક ઊછરતાં બાળકો માટે ઉત્તમ પૌષ્ટિક આહાર છે.

મગને 2 કે 3 દિવસ પલાળી રાખવાથી તેમનું પોષક મૂલ્ય વધે છે. આવા અંકુરિત (ફણગાવેલા) મગમાં પ્રજીવક-‘બી’ જૂથનાં દ્રવ્યો વધીને બમણાં કે ત્રણગણાં થાય છે. આ સાથે પોષકદ્રવ્યોના અવશોષણમાં બાધા નાખનારાં ટૅનિન અને ફાયટેટ્સ પણ ઘટે છે. તેની દાળને આથો આપવામાં આવે તો તે પ્રજીવક ‘બી’ જૂથનાં દ્રવ્યોનું પ્રમાણ વધારે છે અને ફાયટેટ્સ તથા ટ્રિપ્સિન નામના ખોરાક પચવતા ઉત્સેચકના અવદાબક દ્રવ્યોને ઘટાડે છે. કઠોળને રાંધવાથી પણ ટ્રિપ્સિન-અવદાબકનો નાશ થાય છે. મગના દાણા નાના હોવાથી તેમને રાંધવા સહેલા છે અને તેથી તે બીજાં કઠોળ કરતાં વધુ સહેલાઈથી પચે છે. કઠોળના સૂકા દાણા કે સૂકી દાળ લોહીમાં કૉલેસ્ટિરોલ અને ચરબી ઘટાડે છે. ભેજવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી મગનો સંગ્રહ કરવાથી તેમાં ફૂગનો ચેપ લાગે છે. તેને કારણે તેમાં ફૂગવિષ (aflatoxin) નામનું ઝેરી દ્રવ્ય ઉમેરાય છે. તે યકૃતિ(liver)ને નુકસાન કરે છે.

શિંગોમાંથી દાણા જુદા કર્યા પછી બાકી રહેતું ગોતર પશુધન માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. તેના બંધારણમાં પ્રોટીન 8.7 %; ઈથર-નિષ્કર્ષ 2.4 %; અશુદ્ધ રેસો 28.6 %; નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 48.2 %; ભસ્મ 12.1 %; કૅલ્શિયમ 2.66 % અને ફૉસ્ફરસ 0.18 % હોય છે.

કેટલીક વાર મગનો લીલા ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. છોડના 100 ગ્રામ વજનમાં N, 0.72 ગ્રા.; P2O5, 0.18 ગ્રા.; K2O, 0.53 અને CaO, 0.76 ગ્રા. ખનિજ-તત્વો હોય છે. તેના છ અઠવાડિયાંના પાકને હળ વડે ખેડી નાખતાં જમીનને મળતો નાઇટ્રોજન 250 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેક્ટરને સમકક્ષ ગણાય છે.

Streptomyces griseus(NRRL B–150 અથવા MA–13)માંથી સ્ટ્રેપ્ટોમાયસિનનું ઉત્પાદન કરવા માટે વપરાતા સંવર્ધનમાધ્યમમાં મગનો સંપૂરક (supplement) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તે લઘુ, શીત, ગ્રાહક, સ્વાદુ, હલકા, થોડાક વાતકારક, ચક્ષુષ્ય, રુચિકર અને કફ, પિત્ત તથા જ્વરના નાશક છે. મગના લાડુ શીતળ, વીર્ય-વૃદ્ધિકર અને વાત્તપિત્તનાશક છે. શેકેલા મગનો કાઢો, લાહી (મમરા કે ચોખાની ધાણી), મધ અને સાકર નાખી દર્દીને ઊલટી, અતિસાર, દાહ અને જ્વર ઉપર આપવામાં આવે છે.

બાલકૃષ્ણ જોશી

શિલીન નં. શુક્લ

બળદેવભાઈ પટેલ