મખદૂમ, મોહિયુદ્દીન

January, 2002

મખદૂમ, મોહિયુદ્દીન (જ. 1908, હૈદરાબાદ નજીક; અ. 1969) : પ્રગતિશીલ ઉર્દૂ કવિ. તેઓ પ્રથમ પંક્તિના કવિ હતા. ‘મખદૂમ’ તેમનું તખલ્લુસ હતું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી 1927માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી. બાળપણથી તેમને બે શોખ હતા : કવિતા લખવાનો અને ગરીબો પ્રત્યે હમદર્દી દાખવવાનો. બીજા શોખના પરિણામે તેઓ ઘણી વાર કુટુંબના માથે મુસીબત પણ ઊભી કરી દેતા, અભ્યાસનો પણ ભારે શોખ. માર્કસવાદ અંગેના સાહિત્યનું તેમનું વાચન ખૂબ વિશાળ હતું. વસ્તુત: માર્કસના તેઓ ભક્ત હતા.

1936માં જ્યારે દેશમાં કેટલાંક અગ્રગણ્ય શહેરોમાં ‘અંજુમને તરક્કીપસંદ મુસન્નિફીન’ની સ્થાપના થઈ અને તેની પરિષદો યોજાવા લાગી ત્યારે મખદૂમે પણ હૈદરાબાદમાં પ્રગતિશીલ લેખકસંઘની સ્થાપના કરી. પરિણામે પ્રગતિવાદમાં વિશ્વાસ રાખનારા અનેક લેખકો આ પરિષદના નેજા હેઠળ ભેગા મળ્યા અને ચર્ચાઓ, પરિસંવાદો, સંવિવાદો વગેરેની શરૂઆત થઈ. લોકોમાં, ખાસ કરીને મજૂર વર્ગમાં, આ પ્રગતિશીલ સાહિત્યિક આંદોલનના કારણે જાગૃતિ આવી.

આ દરમિયાન મખદૂમ એક સ્થાનિક કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા; પરંતુ સામ્યવાદી ર્દષ્ટિકોણના કારણે તેઓ ત્યાં વધુ ટકી શક્યા નહિ. કૉલેજમાંથી છૂટા થઈ તેઓ પોતાનો સમગ્ર સમય સામ્યવાદી પક્ષના કામ અને મજૂર આંદોલન માટે ગાળવા લાગ્યા. તેમણે જેલવાસ પણ વેઠ્યો. જેલમાંથી છૂટ્યા પછી ‘તિલંગાના’ આંદોલન શરૂ થતાં તેમણે તેમાં ખૂબ જોરશોરથી ભાગ લીધો. તેજાબી પ્રવચનો અને જોશીલી કવિતાના પરિણામે 1951માં બીજી વાર તેમણે ધરપકડ વહોરી લીધી. શ્રમજીવીઓએ તેમને નેતા તરીકે સ્વીકાર્યા અને પછી તો તેઓ વિધાનસભામાં પણ ચૂંટાઈ આવ્યા.

મખદૂમ કવિ તરીકે ખૂબ પ્રશંસા પામ્યા. તેમનો વાચકવર્ગ ખૂબ વિશાળ હતો. 1944માં ‘સુર્ખ સવેરા’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો. તેની કેટલીક રચનાઓ આજે પણ લોકજીભે રમે છે. તેમની કવિતાના અન્ય ભાષાઓમાં અનુવાદો પણ થયા છે અને લોકપ્રિય બન્યા છે. તેમના અન્ય સંગ્રહોમાં ‘ગુલે તર’ અને ‘વિસાતે રક્સ’નો સમાવેશ થાય છે.

મખદૂમ સાચા અર્થમાં મજદૂર-કવિ હતા. તેઓ આજીવન મહેનત્કશ લોકો સાથે રહીને તેમના પ્રશ્નો માટે લડતા રહ્યા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા