ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999 : આ યુદ્ધ મુખ્યત્વે કાશ્મીરના કારગિલ અને દ્રાસ વિસ્તારમાં લડાયું. કાતિલ ઠંડીને કારણે કારગિલ વિસ્તાર સાથેનો સંપર્ક શિયાળામાં તૂટી જતો. અતિશય ઠંડીને કારણે દર વર્ષની જેમ 1998ના શિયાળામાં આ વિસ્તારમાંથી ભારતીય લશ્કરી પહેરો ખસેડી લેવાયો હતો, જેને કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી માટે આ વિસ્તાર સાવ ખુલ્લો થઈ ગયો હતો. પાકિસ્તાને મુજાહિદોને ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર કર્યા અને તેમને કારગિલ અને દ્રાસની 50 ચોકીઓ તરફ રવાના કરેલા. આ સાથે શ્રીનગર–લેહ ધોરી માર્ગ કબજે કરવાની યોજના પણ પાકિસ્તાને બનાવેલી.

1999ના મે માસના પ્રારંભમાં ઠંડી ઓછી થતાં ભારતીય લશ્કરના અધિકારીઓ મોખરાની ચોકીઓ પર પહોંચવા આગળ વધતા હતા ત્યાં જ કાકસર અને અન્ય ચોકીઓના માર્ગમાં દુશ્મનોના હાથે માર્યા ગયા. 17મી મેના રોજ એકત્રીસ જવાનોની ટુકડી રવાના થયેલી તે પણ દુશ્મનનો ભોગ બની. ભારતીય લશ્કરને પાકિસ્તાનના લશ્કરી કાવતરાનો અહેસાસ થયો. વધુમાં દૂરસંવેદન (remote sensing) ઉપગ્રહ દ્વારા ભારતીય લશ્કરને જાણવા મળ્યું કે પાકિસ્તાન તરફથી તે વિસ્તારમાં જંગી હુમલાની તૈયારી ચાલી રહી છે.

આ સંદર્ભમાં તાબડતોબ પગલાં લેવાયાં અને રખેવાળ સરકારના વડાપ્રધાન વાજપેયીએ લશ્કરની ત્રણેય પાંખના વડાઓ સાથે દિલ્હી ખાતે તાકીદની મંત્રણા યોજી. તેમાં કારગિલ, દ્રાસ અને બટાલિક મોરચા પરની સ્થિતિની ચર્ચા કરવામાં આવી. ભારતના વડાપ્રધાને લશ્કરને તાકીદ કરી કે ‘કોઈ પણ ભોગે ભારતીય ભૂમિનો એક તસુ જેટલો ભાગ પણ દુશ્મનના કબજામાં ન જવો જોઈએ. ‘ભારત–પાક વચ્ચે કારગિલ યુદ્ધ છેડાયું’ જેને ભારતીય લશ્કરે ‘ઑપરેશન વિજય’ તરીકે ઓળખાવ્યું છે. પાકિસ્તાનના ભાડૂતી સૈનિકોને અંકુશરેખા (line of control) પર પાછા ખસેડવાનો નિર્ણય લેવાયો. લશ્કરના જવાનોની મદદમાં હવાઈ દળ પણ સૈન્ય સાથે જોડાયું. જુલાઈ, 1999 સુધીમાં પાકિસ્તાની મુજાહિદો અને આતંકવાદીઓની ભારે ખુવારી સાથે પાકિસ્તાનના ભાડૂતી સૈનિકોને અંકુશરેખા પર પાછા ખસવાની ફરજ પડી અને ભારતે ટાઈગર હિલ સહિતની પોતાની ચોકીઓ પર કબજો સ્થાપિત કર્યો તથા ભારતના વિજય સાથે આ યુદ્ધનો અંત આવ્યો.

આ યુદ્ધ જેમ કારગિલ મોરચે લડાયું તેમ રાજકીય મોરચે પણ લડાયું. ભારત સરકારની મુત્સદ્દીગીરીના પ્રયાસોથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં રાજકીય ર્દષ્ટિએ એકલું પડી ગયું અને તેના કાયમી મિત્ર અમેરિકાએ પણ ભારતીય વિદેશનીતિ અને રાજદ્વારીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી. પાકિસ્તાનને સંયમથી વર્તવાની તથા આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવાની સલાહ આપી. આ યુદ્ધ પછીના ટૂંકા ગાળામાં જ યોજાયેલી તેરમી સામાન્ય ચૂંટણીમાં વાજપેયીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય મોરચાને બહુમતીથી પસંદ કરી લોકોએ સરકારના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો એમ કહેવાય. આ યુદ્ધમાં પરાજયને કારણે પાકિસ્તાનમાં સત્તાપલટો થયો અને ત્યાં લશ્કરે સત્તા હાંસલ કરી. લશ્કરી વડા જનરલ મુશર્રફ પાકિસ્તાનના મુખ્ય વહીવટી વડા (Chief Executive Officer) તરીકે શાસક બન્યા અને તે સાથે ત્યાં લોકશાહીનો ફરી અંત આવ્યો. આ યુદ્ધને કારણે લશ્કરી ર્દષ્ટિએ, રાજકીય રીતે અને વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી.

સ્વાતંત્ર્યોત્તર યુદ્ધોમાં થયેલી ખુવારીના આંકડા (1947થી 1999)

ખુવારીનું સ્વરૂપ 1947-48 કાશ્મીર પર પાકિસ્તાનનું પરોક્ષ આક્રમણ 1962 ચીન દ્ધારા ભારત પર આક્રમણ 1965 પાકિસ્તાનનું ભારત પર આક્રમણ 1971 બાંગ્લાદેશ યુદ્ધ 1984 આજ દિન સુધી સિયાચીન પ્રદેશમાં લશ્કરી કાર્યવહી મે, 1999થી જુલાઈ, 1999 કારગિલ ક્ષેત્ર પર પાકિસ્તાની આક્રમણ કુલ
1. યુદ્ધભૂમિ પર શહીદ થયેલા સૈનિકોની સંખ્યા 1103 1521 2902 3630 650 326 10132 આશરે
2. યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સંખ્યા 3152 548 8622 9856 10,500 476 33154 આશરે
3. ગુમ થયેલા સૈનિકોની સંખ્યા 1729 361 213 48 2351

નોંધ :  (1) ઉપરના કોષ્ટકમાં આપેલા આંકડાઓ લશ્કરની ખુવારીના છે, તેમાં નાગરિકોની ખુવારી દર્શાવેલ નથી.

(2) આ આંકડાકીય કોષ્ટકમાં તા. 9–7–1999 સુધીની વિગતો છે (1947થી 1999).

(3) આપેલ આંકડાઓમાં લશ્કરના અધિકારીઓ (officers) તથા જુનિયર કમિશન્ડ ઑફિસરો (JCOs) અને નૉન-કમિશન્ડ ઑફિસરો(NCOs)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

(4) કોષ્ટકમાં આપેલી વિગતો ભારતીય લશ્કરના પાયદળ (infantry), વિમાનદળ તથા નૌકાદળ આ ત્રણેય પાંખની ખુવારી દર્શાવે છે.

(5) એક બીજા અંદાજ પ્રમાણે 1947થી અત્યાર સુધીમાં 17,000 સૈનિકો શહીદ થયા છે; 30,000 સૈનિકો ઘવાયા છે; અને તેમાંથી 2,500 અપંગ બન્યા છે.

રક્ષા મ. વ્યાસ