ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971 : બાંગ્લાદેશના મુક્તિ આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ. 1947માં ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોના ઉદય પછી પશ્ચિમ પાકિસ્તાને સરકારી હોદ્દાઓ પરની નિમણૂકો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, અંદાજપત્રીય ફાળવણી વગેરેમાં ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરી. પૂર્વ પાકિસ્તાનના નાગરિકો જાણે કે બીજા દરજ્જાના નાગરિકો હોય અને પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હોય તેવી સ્થિતિ રાજકર્તાઓએ પેદા કરી.

આથી પૂર્વ પાકિસ્તાનીઓએ પોતાના રાજકીય અને આર્થિક હક્કો માટે સંઘર્ષ શરૂ કર્યો, જેના પરિણામે પૂર્વ પાકિસ્તાનમાં શેખ મૂજિબુર રહેમાનની આગેવાની હેઠળ અવામી લીગની સ્થાપના થઈ. 1970માં પાકિસ્તાન રાષ્ટ્રીય મહાસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી. તેની કુલ 313 બેઠકોમાંથી 196 બેઠકો પૂર્વ પાકિસ્તાન માટે અનામત રાખવામાં આવી. તેમાંથી અવામી લીગે 167 બેઠકો કબજે કરી; તેથી તેમણે પાકિસ્તાનમાં સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ કરી. બીજી બાજુ પશ્ચિમ પાકિસ્તાનમાં ઝુલ્ફિકાર અલી ભૂટોના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બહુમતી મેળવી. તેથી તેણે અવામી લીગ, સરકારની રચના કરે તેની સામે વાંધો ઉઠાવ્યો. પરિણામે રાષ્ટ્રીય મહાસભાના ઉદઘાટનનો કાર્યક્રમ અનિશ્ચિત મુદત સુધી મુલતવી રાખવામાં આવ્યો. ત્યારપછી પાકિસ્તાનના બંધારણમાં એવો સુધારો કરવામાં આવ્યો, જેમાં સરકારની રચના કરવાના પૂર્વીય પાંખના દાવાને અમાન્ય કરવો; પરંતુ તે પ્રમાણે વાસ્તવમાં થઈ શક્યું નહિ.

આ રાજકીય મડાગાંઠ નિવારવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. તેથી 26 માર્ચ, 1971ના રોજ શેખ મૂજિબુર રહેમાને પૂર્વ પાકિસ્તાનને (એટલે કે બાંગ્લાદેશને) સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કર્યું. તેમણે બાંગ્લાદેશવાસીઓને પોતાના હક્કો માટે પૂરા જોમ સાથે સંઘર્ષ ચાલુ રાખવા અને કરવેરા ન ભરવા હાકલ કરી. માર્ચ, 1971ના અંતમાં પાકિસ્તાનની સરકારે પૂર્વ પાકિસ્તાનના લોકો પર લશ્કરી દમન શરૂ કર્યું. લશ્કરના દમનથી બચવા માટે પૂર્વ પાકિસ્તાનના લોકો ભારતની સરહદોમાં શરણાર્થી તરીકે મોટી સંખ્યામાં દાખલ થયા. ઑક્ટોબર, 1971 ભારતમાં તેમની સંખ્યા લગભગ 10 લાખની થઈ. ભારત દરરોજ સરેરાશ 20 લાખ રૂપિયા તેમને માટે ખર્ચતું હતું; તેથી ભારતના અર્થકારણ પર તેની ઘેરી અસર પડવા લાગી. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે અને ભારતના પાડોશી રાજ્યમાં તંગદિલી ભરેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે, ભારતનાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યુ.એસ., બ્રિટન, ફ્રાન્સ અને બેલ્જિયમના પ્રવાસે ગયાં; પરંતુ તેમને સંતોષકારક ઉકેલ મળ્યો નહિ, ઉપરાંત રોજબરોજ પરિસ્થિતિ તો વણસતી જ રહી.

પૂર્વ પાકિસ્તાનમાં ઉગ્ર બનતી જતી આ કટોકટીને નિવારવાનું પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ યાહ્યાખાનને મુશ્કેલ બનવા લાગ્યું; તેથી તેમણે આ પ્રકારની કટોકટી ઊભી કરવાનો દોષ ભારતને દીધો. વધુમાં ઝુલ્ફિકાર અલી ભૂટોની આગેવાની હેઠળના પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દ્વારા ચાલતી ચળવળની ઉગ્રતાને પામી જઈને તેમણે નાગરિક શાસન સ્થાપવા માટે વાતચીત શરૂ કરી. પૂર્વ બંગાળીઓના બળવાને કચડી નાખવા યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાનમાં એક લાખ સૈનિકોનું લશ્કર મોકલ્યું અને ત્યાં આતંકનું સામ્રાજ્ય સ્થાપ્યું. ચીન અને યુ.એસ. પાસેથી પાકિસ્તાનને સક્રિય પ્રોત્સાહન મળતું હતું. લોકોનું ધ્યાન આ આંતરિક કટોકટીમાંથી બીજે દોરવા માટે જનરલ યાહ્યાખાને ભારત સાથે યુદ્ધ શરૂ થાય તેવા સંજોગો ઊભા કર્યા. 3જી ડિસેમ્બર, 1971ના રોજ ભારતની પશ્ચિમ અને પછીથી પૂર્વ સરહદો પર યુદ્ધની શરૂઆત થઈ.

તે દિવસે પાકિસ્તાને 12 પશ્ચિમી ભારતીય હવાઈ ક્ષેત્રો પર બૉમ્બવર્ષા કરી અને તેનાં ભૂમિદળોએ ભિમ્બેર અને જમ્મુ-કાશ્મીરના ચિનાબના પ્રદેશ પર તથા પંજાબ પર હુમલા કર્યા; પરંતુ પાકિસ્તાન આ પ્રયાસોમાં નિષ્ફળ ગયું, ત્યારે તેણે જાસૂસો મોકલ્યા, પણ તેમને પણ ભારતીયોએ હાંકી કાઢ્યા.

9–10 ડિસેમ્બર, 1971ની રાત્રે પાકિસ્તાની લશ્કરે જમ્મુ અને કાશ્મીરમાં પુંચના ઉત્તરીય વિસ્તારમાં કૂચ કરી; ત્યાં પાકિસ્તાની લશ્કર હુમલો કરે તે પહેલાં જ ભારતીય બૉમ્બરોએ તેમને કચડી નાખ્યા. હાજી પીર નજીક આવેલ કાહુતા શહેર પર ભારતે બૉમ્બવર્ષા કરીને ત્યાંના લશ્કરી શસ્ત્રસરંજામના પુરવઠાને ખોરવી નાખ્યો. હાજીરા – કોટલી માર્ગ પર આવેલાં તમામ સ્થળો પર ભારતીય સૈન્યે કબજો જમાવ્યો અને પુંચ સરહદને જોડતા તમામ વિસ્તારો ભારતીય હકૂમત હેઠળ આવ્યા. 10–11 ડિસેમ્બરની રાત્રિએ ભારતીય સૈન્યે વળતો હુમલો કર્યો અને પોતાના સૈન્યને રાવી નદીના બીજા છેડે ઉતારી દુશ્મન લશ્કરને મારી હઠાવ્યું. આ સફળ વળતા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર લશ્કરી દબાણ શરૂ કર્યું. છાંબ, પુંચ અને ઉસ સહિતના તમામ સરહદી વિસ્તારોમાં ઘણુંખરું શાંતિ સ્થપાઈ ગઈ.

કાશ્મીરમાં કડકડતી ઠંડી અને ભારે બરફવર્ષા હોવા છતાં ભારતીય સૈનિકો બહાદુરીપૂર્વક લડ્યા. તીવ્ર ઠંડીમાં પંજાબના શકરગઢ મુકામે ટૅન્કોની ભયંકર લડાઈ થઈ.

ભારતે દુશ્મનની 45 ટૅન્કોનો નાશ કર્યો, જ્યારે તેણે 15 ટૅન્કો ગુમાવી. આ રીતે પાકિસ્તાની લશ્કરને મોટા પાયે નુકસાન ખમવું પડ્યું. આમ પશ્ચિમી સરહદે છામ્બ, શકરગઢ અને રાજસ્થાન સિવાય થરના રણથી શરૂ કરીને પંજાબના ગુરુદાસપુર જિલ્લાને આવરી લેતા આશરે 700 કિલોમીટર લાંબા સરહદી વિસ્તાર પર અથડામણો ચાલુ રહી. ભારતીય સૈન્યે આ વિસ્તારમાં દુશ્મનોનો પૂરી તાકાતથી સામનો કર્યો.

પૂર્વીય સરહદે ભારતીય લશ્કર અને બાંગ્લાદેશની મુક્તિવાહિની ફોજે સંયુક્તપણે પાકિસ્તાની લશ્કરનો સામનો કર્યો. પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની દળોને ભારતના લશ્કર સમક્ષ શરણે થઈ જવા સિવાય બીજો વિકલ્પ ન હતો. તેથી ભારતીય લશ્કરના સરસેનાપતિ જનરલ માણેકશાએ 8 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સૈન્યને શરણાગતિ સ્વીકારવાની હાકલ કરી; પરંતુ સામા પક્ષ તરફથી ઉત્તર મળ્યો નહિ. 9 ડિસેમ્બરે, ભારતે વિધિસર જાહેરાત કરી કે 3–4 ડિસેમ્બરની રાત્રિએ ભારતીય નૌકાદળ દ્વારા પાકિસ્તાનની સૌથી મોટી અમેરિકી બનાવટની ‘ગાઝી’ સબમરીનને તોડી પાડવામાં આવી છે. 12 ડિસેમ્બર, 1971ની સવારે ભારતીય સૈન્યે ઢાકા તરફ કૂચ કરી. તાંગપાલ નજીકના પાકિસ્તાની સૈનિકો જમાલપુર અને મયમનસિંઘ સુધી પહોંચી ગયા હતા. દરમિયાન ભારતીય લશ્કરે એમને ઘેરી લીધા અને એ ઘર્ષણમાં આશરે 300 પાકિસ્તાની સૈનિકોની ખુવારી થઈ. ભારતીય લશ્કરે પાકિસ્તાની દળોને બધેથી ઘેરી લીધાં. આ પરિસ્થિતિમાં પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. તે પૂર્વે ભારતીય હવાઈ દળે ઢાકાના લશ્કરી વિસ્તારોમાં હવાઈ મથક પર તથા ગવર્નરના બંગલા પર બૉમ્બવર્ષા કરી. ગવર્નર ડૉ. મલિકે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. વળી કરાંચી મુકામે પાકિસ્તાને સંગ્રહ કરેલા પેટ્રોલની ટાંકીઓ પર પણ ભારતનાં નૅટ વિમાનોએ હુમલા કરીને પાકિસ્તાની લશ્કર તે હવાઈ બળતણ ન મેળવી શકે તેવા સંજોગો ઊભા કર્યા હતા. અંતે 16 ડિસેમ્બરે ભારતીય સૈન્યના વડા જનરલ માણેકશાએ પૂર્વ પાકિસ્તાનના લશ્કરના સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ અબ્બાસ નિયાઝીને શરણે થવા જણાવ્યું અને તે સંમત થયા. ત્યારબાદ ભારતીય સૈન્યના વડાઓ ઢાકામાં આવેલા પાકિસ્તાની લશ્કરી હેડક્વાર્ટર્સમાં ગયા, જ્યાં જનરલ નિયાઝી એક બંકરમાં છુપાયા હતા.

છત્રીસમી પાકિસ્તાની ડિવિઝનના મેજર જનરલ જમશેદે પોતાના સૈન્ય સાથે વિના શરતે શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ ભારતના પૂર્વ કમાન્ડના સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ સુરજિતસિંઘ અરોરા અને મેજર જનરલ જેકબ હેલિકૉપ્ટર દ્વારા શરણાગતિના દસ્તાવેજ સાથે ઢાકા પહોંચ્યા. નિયાઝીએ દસ્તાવેજ પર સહી કરી અને 93,000 સૈનિકો સાથે પોતે શરણે આવ્યા. આમ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધનો અંત આવ્યો અને ‘બાંગ્લાદેશ’ નામના નવા સ્વતંત્ર સાર્વભૌમ દેશનો ઉદય થયો. બાંગ્લાદેશના લોકોએ શેખ મૂજિબુર રહેમાનને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા અને તેમની નેતાગીરીમાં વિશ્વાસ મૂક્યો. પાકિસ્તાનમાં જનરલ યાહ્યાખાને નાગરિક સરકારની રચના થાય તે માટે રાજીનામું આપ્યું અને વડાપ્રધાન ભૂટોની આગેવાની હેઠળ નવું પ્રધાનમંડળ રચવામાં આવ્યું. 2 જુલાઈ, 1972ના રોજ ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ભૂટોએ સિમલા મુકામે કરાર કર્યા, જે ‘સિમલા કરાર’ તરીકે જાણીતા છે. તે કરાર અન્વયે પાકિસ્તાનની સરહદોમાંથી ભારતે પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું અને બંને દેશોએ પોતાના પ્રશ્નોને યુદ્ધને બદલે શાંતિથી, પરસ્પર વાટાઘાટો દ્વારા ઉકેલવાનો કરાર કર્યો.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા