ભારત ભવન : મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે આવેલું સાંસ્કૃતિક સંકુલ. 1980ના દશકામાં તેનો મૂળ વિચાર ઉદભવ્યો હતો અને તેની સ્થાપના થઈ હતી. સ્થાપના પછી આ ભવનમાંનાં સંગ્રહસ્થાન, ગ્રંથાલય, રંગભૂમિ તથા સંગીતકેન્દ્રે સાંપ્રત કલા પરત્વે દૂરગામી પ્રભાવ સર્જ્યો છે. સમસ્ત દેશ તેમ પરદેશમાંથી લલિત કલાઓ તથા રંગમંચીય કલાઓના કલાકારો માટે તે આકર્ષણ-કેન્દ્ર બની રહ્યું હોઈ, અનેક કલાકારો અહીં નિરંતર મુલાકાતે આવતા રહે છે.

પ્રાકૃતિક ર્દશ્યોની પાર્શ્વભૂમિમાં સહેલાઈથી સમાઈ-ગોઠવાઈ જતાં બેઠા ઘાટનાં મકાનોની ડિઝાઇન સ્થપતિ ચાર્લ્સ કોરિયાએ તૈયાર કરી છે. આ ભવનના સંકુલમાં રંગમંડળનો સમાવેશ થાય છે; ત્યાં નાટક-મંડળી આખું વર્ષ પોતાનાં નિયત નાટકો લગાતાર ભજવતી હોય છે. મોટાભાગે આ નાટકો મૌલિક અને કલ્પનાપ્રધાન વિષયવસ્તુ પર આધારિત હોય છે; પરંતુ શૈલી તથા ટૅકનિક વિશેની પ્રેરણા મેળવવા આ નાટ્યલેખકો તથા રંગકર્મીઓ ભારતની પ્રાચીન નાટ્ય-પરંપરાઓનો આધાર શોધે છે. આ ઉપરાંત આ સંકુલમાં સંગીત-ખંડ (‘અનહદ’), કાવ્ય-ગ્રંથાલય (‘વાગર્થ’) તથા કલા-સંગ્રહાલય (‘રૂપંકર’) આવેલાં છે.

સંગ્રહાલયની વિશેષતા જેવા તેમાં બે ભાગ છે : સાંપ્રત કલા વિભાગમાં ભારતના નામાંકિત કલાકારોનાં ચિત્રો તથા શિલ્પો પ્રદર્શિત કરાયાં છે, જ્યારે બીજા વિભાગમાં મધ્યપ્રદેશના વિસ્તારોની પ્રાદેશિક તેમજ આદિવાસી કલાના નમૂના રજૂ કરાયા છે. તાજેતરમાં જ લોકકલા તેમ આદિમકલા, કાંસ્ય સર્જનો, માટીમાંથી સર્જેલી કલાકૃતિઓ, રમકડાં તથા ધાર્મિક વિધિ (rituals) અંગેના પદાર્થોને ઉચિત દરજ્જો તથા મહત્વ અપાયાં છે. ભારતીય પ્રજાની જાણે કે રોજેરોજની જીવનશૈલીમાં એક સ્વાભાવિક સ્ફૂર્તિ તથા તાજગી વણાયેલી હોવાથી તેમાં સૌ કોઈને રસ પડે તેમ છે. ભારતના એક સૌથી મોટા રાજ્ય સમા મધ્યપ્રદેશમાં બસ્તર, ઝાબુઆ અને અનેક પ્રદેશો એવા છે જ્યાં હજુય આદિવાસી વસ્તી અને તેની વિશિષ્ટ સંસ્કૃતિ જળવાઈ રહેલ છે.

ભવન તરફથી ખાસ પ્રદર્શનો, કાર્યક્રમો તથા ‘બનન્તી’ (happenings) જેવી વિવિધ રજૂઆત નિયમિત યોજાતી રહે છે, જે નિત્ય ઉત્સવનું વાતાવરણ જમાવે છે.

મહેશ ચોકસી