ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ (જ. 19 નવેમ્બર 1875; અ. 30 મે 1950) : સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ અને પુરાવસ્તુશાસ્ત્રી. પિતા રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પ્રસિદ્ધ વિદ્વાન હતા. દેવદત્ત પુણેની ડેક્કન કૉલેજમાંથી 1896માં બી.એ. થયા અને કાયદો ભણવા માંડ્યા. એવામાં ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક અને એ નામના પ્રાઇઝ માટેની સંશોધન-નિબંધસ્પર્ધા યોજાતાં તેમાં ભાગ લઈ ‘એ બ્રીફ સર્વે ઑવ્ ધ એન્શ્યન્ટ ટાઉન્સ ઍન્ડ સિટિઝ ઑવ્ મહારાષ્ટ્ર કન્ટ્રી ઇન ધ પ્રિ-મોહૅમેડન પિરિયડ’ એ શીર્ષકથી નિબંધ લખ્યો. જે સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવતાં તેમને ચંદ્રક અને ઇનામ પ્રાપ્ત થયાં. પરિણામે કાયદાનો અભ્યાસ છોડી તેઓ ભારતીય વિદ્યાના અધ્યયનમાં જોડાયા. સંસ્કૃત, લિપિવિદ્યા, તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જેવા વિષયો લઈ 1901માં તેઓ એમ.એ. થયા. તેમની સેન્સસ ઑવ્ ઇન્ડિયાવિભાગમાં નિયુક્તિ થતાં એ વિભાગના વડા આર. ઈ. એન્થોવનને તેમણે વસ્તી-ગણતરીના હેવાલોના સંદર્ભમાં ધર્મ-સંપ્રદાયો અને જ્ઞાતિ-જાતિઓનાં પ્રકરણો લખવામાં સહાય કરી. ત્યારપછી તેમની ઇથનોલૉજિકલ સર્વે ઑવ્ બૉમ્બેના માનાર્હ મદદનીશ મહાનિર્દેશક-પદે નિયુક્તિ થઈ. ત્યાં રહી તેમણે આહીરો, ગુર્જરો અને ગુહિલો વિશે સંશોધનનિબંધો લખ્યા. ગુર્જરોના શિલાલેખોની મિતિઓનું વિક્રમ સંવત સાથે સમીકરણ સાધવાને કારણે ભાંડારકરને વિદ્વજ્જગતમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત થઈ. 1904માં તેમની મુંબઈ યુનિવર્સિટીમાં પંડિત ભગવાનલાલ ઇંદ્રજી લેક્ચરર તરીકે નિયુક્તિ થઈ. અહીં રહી તેમણે ‘ફૉરિન એલિમેન્ટ્સ ઇન હિન્દુ પૉપ્યુલેશન’ પર વ્યાખ્યાનો આપ્યાં, જે ભારે પ્રસિદ્ધિ પામ્યાં. એ જ વર્ષે તેમની પશ્ચિમ વર્તુળના મદદનીશ પુરાવસ્તુ સર્વેક્ષક તરીકે નિમણૂક થઈ. જૂન, 1905થી 1910 દરમિયાન ભાંડારકરે રાજપૂતાના પ્રદેશનાં પ્રાચીન સ્મારકોની નોંધણી નિમિત્તે વ્યાપક પ્રવાસો ખેડ્યા. 1910માં તેમની બઢતી થતાં એ જ વર્તુળના પુરાવસ્તુ નિર્દેશક બન્યા. 1918 સુધી આ હોદ્દા પર રહી તેમણે સમગ્ર પશ્ચિમ ભારતનું સર્વેક્ષણ કરી તેના હેવાલો ‘પ્રોગ્રેસ રિપૉર્ટ ઑવ્ આર્કિયોલૉજિકલ સર્વે, વેસ્ટર્ન સર્કલ’ નામે પ્રગટ કર્યા. દરમિયાનમાં 1911માં તેઓ ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ નામની સંશોધનપત્રિકાના સહસંપાદક તરીકે નિમાયા. આ પદે રહી તેમણે છેક 1922 સુધી સેવાઓ આપી.
પુરાવસ્તુ-નિર્દેશક તરીકે ભાંડારકરે જે સ્થળે ઉત્ખનન કર્યાં, તેમાં બેસનગર(વિદિશા)નો ‘ખમબાબા’ નામે ઓળખાતો ગ્રીક એલચી હેલિયોદોરનો સ્તંભ ખાસ ઉલ્લેખનીય છે. તેના પરના શિલાલેખથી જણાય છે કે હેલિયોદોર વાસુદેવનો ઉપાસક હતો અને તેણે એ સ્તંભ વાસુદેવના માનમાં ત્યાં ઊભો કરાવ્યો હતો. તે વિદિશાના તે વખતના રાજા ભાગભદ્રના રાજદરબારમાં તક્ષશિલાના રાજા અંતિઅલકિદે મોકલેલો એલચી હતો. ભાંડારકરે વાસુદેવમંદિરની ઉત્તરે ઉત્ખનન કરીને એક નક્કર વેદિકા શોધી કાઢી અને તેના બે ટુકડાઓ પૈકીનો એક ટુકડો શુદ્ધ પોલાદ હોવાનું પુરવાર થતાં આ એક ભારતીય ઇતિહાસની સીમાચિહ્નરૂપ શોધ ગણાઈ. તેમની બીજી મહત્વની શોધ તે મૌર્યકાળનાં બાંધકામો પર શુંગકાળ(ઈ. પૂ. બીજી સદી)માં ચૂનાનો ગારો પ્રયોજાયો હોવાના પ્રતિપાદન અંગેની છે. ઈ. પૂ. બીજી સદીના યજ્ઞકુંડોમાં પ્રયોજાયેલ ઈંટોની પ્રાપ્તિ પણ ભાંડારકરની એક મહત્વની શોધ ગણાઈ છે.
1917ના જુલાઈમાં ભાંડારકરની કલકત્તા યુનિવર્સિટીના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિભાગમાં નવી ઊભી થયેલી કાર્માઇકલ પ્રોફેસરની જગ્યા પર નિમણૂક થઈ. તેની સાથોસાથ 1920 સુધી ઇન્ડિયન મ્યૂઝિયમ, કોલકાતાના પુરાતત્વ-વિભાગનો હવાલો પણ તેમણે સંભાળ્યો. કાર્માઇકલ પ્રોફેસર તરીકે તેમણે 1918માં ‘એન્શ્યન્ટ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા : 650 બી. સી. થી 325 બી.સી.’ વિષય પર 1921માં ‘એન્શ્યન્ટ ઇન્ડિયન ન્યૂમિઝમૅટિક્સ’ પર અને 1923માં ‘અશોક’ વિશે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં, જે પુસ્તકાકારે પ્રગટ પણ થયાં. તેમનાં આ સંશોધનો પૈકી ભારતીય સિક્કાઓ વિદેશી નહિ, પણ ભારતીય ઉદગમ જ ધરાવે છે એવું તેમણે કરેલું પ્રતિપાદન મહત્વનું છે.
1925માં ભાંડારકરની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં મણીન્દ્રચંદ્ર નાંદી લેક્ચરર તરીકે નિયુક્ત થઈ અને એના ઉપક્રમે તેમણે ‘સમ આસ્પેક્ટસ ઑવ્ એન્શ્યન્ટ હિંદુ પૉલિટી’ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં, ત્યાંથી તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં ફેલો અને કાર્માઇકલ પ્રોફેસર તરીકે પુન: જોડાયા અને 1936માં એ પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિના વર્ષે તેઓ કૉલકાતામાં મળેલી કલ્ચરલ કૉન્ફરન્સના પ્રમુખપદે ચૂંટાયા. 1938માં ઇન્ડિયન હિસ્ટરી કાગ્રેસના અલ્લાહાબાદ અધિવેશનના પ્રમુખ થયા. 1938–39 દરમિયાન મદ્રાસ યુનિવર્સિટીના ઉપક્રમે ‘સર વિલિયમ મેયર વ્યાખ્યાનો’ આપી તેમાં ‘સમ આસ્પેક્ટ્સ ઑવ્ એન્શ્યન્ટ ઇન્ડિયન કલ્ચર’ની છણાવટ કરી. પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વને ક્ષેત્રે તેમણે કરેલી મહત્વપૂર્ણ કામગીરીની કદર રૂપે રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગૉલે તેમને માનાર્હ ફેલોપદ તેમજ ડૉ. બિમલાચરણ લૉ સુવર્ણચંદ્રક અર્પણ કર્યાં. 1943માં પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે પણ તેમને પોતાના માનાર્હ ફેલો બનાવ્યા. ભારત સરકારના ઇન્ડિયન હિસ્ટૉરિક્લ રેકૉર્ડ કમિશનના સભ્ય તથા ‘ઇન્ડિયન કલ્ચર’ પત્રિકાના સહસંપાદક તરીકે પણ તેમણે સેવાઓ આપી.
75 વર્ષની જૈફ વયે તેઓ અવસાન પામ્યા. તેમના મોટાભાગના સંશોધનલેખો ‘ઇપિગ્રાફિયા ઇન્ડિકા’, ‘જર્નલ ઑવ્ બૉમ્બે બ્રાન્ચ રૉયલ એશિયાટિક સોસાયટી’ તેમજ ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ પત્રિકાઓમાં છપાયા છે. શિલાલેખો અને તામ્રપત્રોને લગતો તેમનો સ્વાધ્યાય તેમણે પ્રગટ કરેલ ‘લિસ્ટ ઑવ્ ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ નૉર્ધર્ન ઇન્ડિયા’ ગ્રંથમાં જોવા મળે છે.
પ્રવીણચંદ્ર પરીખ