ભાંગરો

January, 2001

ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની  એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય વનસ્પતિ છે. તેની ગાંઠો પરથી મૂળ ઉદભવે છે. પર્ણો સમ્મુખ, અદંડી, લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) અને લગભગ 2.5 સેમી.થી 10 સેમી. લાંબાં હોય છે. પુષ્પવિન્યાસ સફેદ-સ્તબક (capitulum) પ્રકારનો હોય છે અને તેનો વ્યાસ લગભગ 0.6 સેમી.થી 0.9 સેમી. જેટલો હોય છે. તે સમગ્ર ભારતમાં અપતૃણ તરીકે ભેજવાળી આબોહવામાં 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે. E. albaને પુષ્પનિર્માણ સમયે સફેદ ભાંગરો અને ફળ નિર્માણ થતાં કાળો ભાંગરો કહે છે. પીળો ભાંગરો સફેદ ભાંગરા સાથે ગાઢ રીતે સંબંધિત છે. તેનું વૈજ્ઞાનિક નામ Wedelia chinesis Merrill syn. W. calendulacea Less. છે. કાળો ભાંગરો ગુણોમાં શ્રેષ્ઠ છે.

આયુર્વેદ અનુસાર તે આંખોને લાભકર્તા, કડવો, ઉષ્ણ, કેશોને કાળાશ આપનાર, વૃદ્ધિ કરનાર, ત્વચાને હિતાવહ, રુક્ષ, તીક્ષ્ણ, દાંતને લાભકારી, મેધાકારક અને રસાયન છે; અને કફ, સોજો, વિષ, કામોત્પત્તિ, અંડવૃદ્ધિ, શિરોરોગ, નેત્રરોગ, વાયુ, દમ, ઉધરસ, કોઢ, કૃમિ, આમદોષ, પાંડુ, હૃદયરોગ, ત્વગ્ગરોગ અને કંડૂ(ખરજ)નો નાશ કરે છે. કાળો ભાંગરો ઉષ્ણ, પાકકાળે તીક્ષ્ણ, તીખો અને રસાયન છે; અને કૃમિ, વાયુ અને કફનો નાશ કરે છે.

ભાંગરો (Echipta alba)

તે ઉપદંશના વ્રણની શુદ્ધિ થવા માટે; સૂર્યાવર્ત અને આધાશીશી ઉપર; બાળકની શરદી ઉપર; ધનુર્વાત ઉપર; કમળી ઉપર; બાળકના પેટના ભાર ઉપર; શરીરે પારો ફૂટી નીકળે તે ઉપર; સોજા ઉપર; મોડશી (કોલેરા) ઉપર; અગ્નિદગ્ધ વ્રણ ઉપર; મેદોરોગ ઉપર; મુખપાક ઉપર; અગ્નિમાંદ્ય, વિડબંધ અને પાંડુરોગ ઉપર; અને સ્વરભેદ પર વપરાય છે.

ભાંગરાનાં પાન લગભગ 58 ગ્રા. અને કાળાં મરી 5.8 ગ્રા. લઈ બંનેને વાટી ઘૂંટી ચણી બોર જેવડી ગોળી બનાવી છાયામાં સૂકવવામાં આવે છે. તેને ભૃંગરાજ વટી કહે છે. સવાર-સાંજ બે ગોળી લેવાથી સૂકા અને દૂઝતા મસા મટી જાય છે.

ભાંગરો રસાયન છે. તેનો રસ રસાયનવિધિથી એક માસ સુધી લેવાથી યકૃતના કમળા સહિત તમામ રોગો મટે છે. યકૃતના કૅન્સરમાં પણ તે લાભપ્રદ છે. યકૃત વધવાથી પેટમાં પાણી ભરાયું હોય તેવા જલોદરમાં પણ તે ઉપયોગી છે. જે સ્ત્રીઓને કોઠે ગરમી હોય તેમણે ભાંગરાનો રસ અને તેટલું જ દૂધ લેવાથી ગર્ભપાત કે ગર્ભસ્રાવ થતો નથી.

ભાંગરાનો રસ 1280 મિલી. જેઠીમધ 50 ગ્રા. દૂધ 640 મિલી., તલનું તેલ 160 મિલી. – આ બધાંથી તલનું તેલ સિદ્ધ કરવામાં આવે છે. મૃદુપાકી આ સ્નેહથી નસ્ય લેવાથી વળિયા-પળિયાં દૂર થાય છે.

તેના મૂળના ચૂર્ણની પાણીમાં ગોળીઓ વાળવામાં આવે છે તેના સેવનથી આમ અને લોહીવાળો ઝાડો મટે છે. દમ અને ખાંસીમાં ભાંગરાના રસનું મધ સાથે સેવન કરવાથી લાભ થાય છે.

આમળાં અને તલ ભાંગરાના રસમાં મેળવીને તેનું સેવન કરવાથી વાળ કાળા થાય છે; ઇંદ્રિયો નિર્મળ અને પ્રસન્ન બને છે અને તમામ રોગો દૂર થઈને વ્યક્તિ શતાયુ બને છે.

તે Staphylococcus aureus અને Escherichia coli સામે પ્રતિજૈવિક ક્રિયાશીલતા દર્શાવે છે.

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે

બળદેવભાઈ પટેલ