ભાંડારકર, મધુર

January, 2001

ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી તેઓ પોતે ચલચિત્ર વ્યવસાયની બારીકીઓ શીખ્યા હતા. હિંદી ચલચિત્રોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માના સહાયક તરીકે થોડોક સમય તેમણે કામ કર્યું. 1999માં પ્રદર્શિત થયેલ ‘ત્રિશક્તિ’ ચલચિત્ર એ મધુરનું દિગ્દર્શક તરીકેનું પ્રથમ સોપાન, જેને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી ન હતી; પરંતુ વર્ષ 2001માં તેમના નિર્દેશન હેઠળ જે ચલચિત્ર મશહૂર થયું તે ‘ચાંદની બાર’ જે મુંબઈની માદક પીણાં પીરસતી ઉપલા વર્ગની ઘરાકી ધરાવતી હોટલોમાં નર્તકી તરીકે વ્યવસાય કરી રોટલો રળતી સ્ત્રીઓની જિંદગી પર તૈયાર કરેલું છે. આ નર્તકીઓ(bar girls)નો વ્યવસાય વિવાદાસ્પદ ગણી મહારાષ્ટ્ર રાજ્યની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ભાંડારકરની આ ફિલ્મને સમીક્ષકોએ પણ સારો પ્રતિભાવ આપ્યો હતો અને બૉક્સ-ઑફિસ પર પણ તે ચલચિત્ર સફળ નીવડ્યું હતું. આ ચલચિત્રને સર્વોત્તમ કથાચિત્રનો પુરસ્કાર એનાયત થયો હતો. ત્યાર બાદ વર્ષ 2003માં તેમના દ્વારા દિગ્દર્શિત ‘સટ્ટા’ ચલચિત્ર અને વર્ષ 2005માં પ્રદર્શિત ફિલ્મ ‘પેજ 3’ને પણ સમીક્ષકો અને પ્રેક્ષકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ‘પેજ 3’ને સર્વોત્કૃષ્ટ ચલચિત્રનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રદાન થયો હતો. વર્ષ 2006માં તેમણે દિગ્દર્શિત કરેલા ‘કૉર્પોરેટ’ વર્ષ 2007માં ‘ટ્રાફિક સિગ્નલ’ ચલચિત્રો પ્રદર્શિત થયાં હતાં. ‘ટ્રાફિક સિગ્નલ’ના દિગ્દર્શન માટે તેમને સર્વોત્તમ દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો. આમ વર્ષ 2001થી 2007 સુધીનાં સાત વર્ષના ગાળામાં મધુર ભાંડારકરનાં ત્રણ ચલચિત્રો રાષ્ટ્રીય સ્તર પર પુરસ્કૃત થયાં છે. તેમણે તેમનાં ચલચિત્રોમાંનાં સ્ત્રી પાત્રોને માધ્યમ બનાવી તેમની આજુબાજુમાં કથાવસ્તુની ગૂંથણી કરી છે. દા. ત., ‘ચાંદની બાર’ ચલચિત્રમાં ટબુ, ‘સટ્ટા’માં રવીના ટંડન, ‘પેજ 3’માં કોંકણા સેન શર્મા અને ‘કૉર્પોરેટ’માં બિપાશા બસુ ભાંડારકરની કથાનાં મુખ્ય પાત્રો હતાં.

મધુર ભાંડારકર

જુલાઈ 2004માં પ્રીતિ જૈન નામની યુવતીએ તેમના પર જાતીય શોષણ કરવાના આરોપસર ખોટી ફરિયાદ માંડેલી, જે વર્ષ 2006માં મુંબઈના સંબંધિત ન્યાયાલયે બિનપાયાદાર ગણીને કાઢી નાંખી હતી. દરમિયાન વર્ષ 2004માં મધુર ભાંડારકરને મારી નાંખવા માટે પ્રીતિ જૈને એક ગુંડાને ‘સોપારી’ (રૂ. 70,000) આપવાના ગુનાસર સજા પુરાવા સાથે પ્રીતિની ધરપકડ કરવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે