ભદ્રબાહુસ્વામી

January, 2001

ભદ્રબાહુસ્વામી (જ. ઈ. પૂ. 367, પ્રતિષ્ઠાનપુર; અ. ઈ. પૂ. 293) : જૈન ધર્મના અંતિમ શ્રુતકેવલી આચાર્ય. ભદ્રબાહુ મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય હતા. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયો હતો. ગૃહસ્થાશ્રમમાં 45 વર્ષ ગાળ્યા બાદ તેમણે મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને ગુરુ પાસે જૈન આગમોનું અધ્યયન કરી શ્રુતકેવલી બન્યા. ગુરુ યશોભદ્રના સ્વર્ગવાસ પછી તેમને સંભૂતવિજયની સાથે આચાર્યપદ આપવામાં આવ્યું. સંભૂતવિજયની સાથે સંઘસંચાલન કરીને સંભૂતવિજયના સ્વર્ગવાસ પછી સમસ્ત જૈન સંઘના આચાર્ય તેઓ બન્યા. મગધમાં 12 વર્ષના ભયંકર દુષ્કાળ વખતે તેમના નેતૃત્વ હેઠળ અનેક જૈનોએ સમુદ્રકિનારા તરફ પ્રસ્થાન કર્યું. દુષ્કાળ પૂરો થયા પછી પાટલિપુત્રમાં જૈન શ્રમણોનું સંમેલન આગમોની વ્યવસ્થા માટે બોલાવવામાં આવ્યું. તેમાં અગિયાર અંગોનું વ્યવસ્થાપન કર્યું, પરંતુ બારમા ‘ર્દષ્ટિવાદ’ અંગનું સ્મરણ ફક્ત ભદ્રબાહુને જ હોવાથી તેમની પાસે નેપાળમાં સ્થૂલિભદ્ર વગેરે સાધુઓ ગયા અને તેમણે નેપાળમાં સ્થૂલિભદ્રને ‘ર્દષ્ટિવાદ’નું જ્ઞાન આપ્યું. ભદ્રબાહુનો સર્વપ્રથમ ઉલ્લેખ 453માં ‘કલ્પસૂત્ર’ની ‘સ્થવિરાવલી’માં યશોભદ્રના શિષ્ય કહીને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કર્યો છે.

ભદ્રબાહુએ ‘બૃહત્કલ્પ’, ‘વ્યવહાર’, ‘દશાશ્રુત-સ્કંધ’ અને ‘નિશીથ’ – એ ચાર છેદસૂત્રોની રચના કરી છે. તેઓ અંતિમ ચતુર્દશ પૂર્વોના જ્ઞાની હતા. કેટલાક તેમને દસ આગમો ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ’, ‘આવશ્યક’, ‘દશવૈકાલિક’, ‘ઉત્તરાધ્યયન’, ‘દશાશ્રુતસ્કંધ’, ‘કલ્પસૂત્ર’, ‘વ્યવહાર’, ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’ અને ‘ઋષિભાષિત’ – એ દસ આગમોની નિર્યુક્તિઓના કર્તા માને છે. કેટલાક આ નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુ કોઈ બીજા લેખક છે એમ પણ માને છે.

કેટલાક આ નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુ કોઈ બીજા લેખક છે એમ પણ માને છે. તેમણે ‘ઉપસર્ગહરસ્તોત્ર’ અને ‘ભદ્રબાહુસંહિતા’ પણ રચી હતી એવો પણ એક મત છે. તેઓ તપસ્વી, વિદ્વાન, ધર્મોપદેશક જૈન સાધુ હોવા ઉપરાંત મહાન યોગી હતા. નેપાળની પર્વતગુફામાં 12 વર્ષ સુધી ‘મહાપ્રાણધ્યાન’ની સાધના કરી હતી. ગોદાસ, અગ્નિદત્ત, સોમદત્ત, ભગદત્ત વગેરે આઠ સ્થવિરો તેમના વિદ્વાન શિષ્યો હતા. દિગંબર પરંપરા ભદ્રબાહુને ગોવર્ધનાચાર્યના શિષ્ય ગણે છે અને તેઓ 84 વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા હોવાનું માને છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા

ભારતી શેલત