ભદ્રંભદ્ર (1900) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) રચિત. ગુજરાતી સાહિત્યની સળંગ હાસ્યરસની આ પ્રથમ નવલકથા છે. આ નવલકથા પ્રથમ 1892થી ‘જ્ઞાનસુધા’ માસિકમાં કકડે કકડે પ્રસિદ્ધ થઈ હતી અને પછીથી પ્રકરણ પાડીને સુધારાવધારા સાથે પુસ્તક રૂપે પ્રગટ થઈ. નવલકથાનું નામકરણ તેના નાયકને અનુલક્ષીને થયું છે. આ નવલકથા ભદ્રંભદ્રના શિષ્ય અંબારામ કેવળરામ મોદકિયાના આત્મકથન રૂપે રજૂ થઈ છે. પહેલી બે આવૃત્તિઓમાં લેખકની ચિત્રો મૂકવાની ઇચ્છા પાર પડી ન હતી; પરંતુ 1918માં તેની ત્રીજી આવૃત્તિ રવિશંકર રાવળનાં ચિત્રો સાથે પ્રગટ થઈ શકી. જ્યોતીન્દ્ર દવેની પ્રસ્તાવના સહિત છપાયેલી 1953ની સાતમી આવૃત્તિમાં આ ચિત્રો છપાયાં ન હતાં, પણ એમાં ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ અને તેના એક પ્રકાશક અંબાલાલની છબીઓ મૂકવામાં આવી હતી. પછીનાં મુદ્રણોમાં કોઈ ચિત્રો કે છબીઓ છપાયાં નથી. અત્યાર સુધીમાં ‘ભદ્રંભદ્ર’નાં 12 મુદ્રણો થયાં છે.

‘ભદ્રંભદ્ર’ નામ ધરાવતો આ નવલકથાનો નાયક ધર્મજડ, સનાતની, રૂઢિગ્રસ્ત, જુનવાણી, સુધારા તથા પ્રગતિનો વિરોધી, દંભી અને મૂર્ખ છે. તત્કાલીન સમાજમાં સુધારાવિરોધી ઝુંબેશ ઉપાડી તેની આગેવાની લેવાના ઉત્સાહમાં તે ઉપહાસપાત્ર બને છે અને એ રીતે આ નવલકથા સુધારા વિરુદ્ધની આર્યધર્મપક્ષી પરાક્રમોની ઉપહાસગાથા બની રહે છે.

ધાર્મિક જડતા, સામાજિક કુરૂઢિ, જ્ઞાનાડંબર, અતિસંસ્કૃતમય ભાષા આદિ પરના નર્મ-મર્મ-કટાક્ષ દ્વારા અહીં હાસ્ય નીપજે છે. ભદ્રંભદ્રનાં પ્રવૃત્તિગત સાહસોમાં પ્રસંગનિષ્ઠ, વ્યક્તિનિષ્ઠ અને શબ્દનિષ્ઠ હાસ્ય જોવા મળે છે. સમગ્ર કથામાં હાસ્ય પ્રગટાવવા ઉપમા-રૂપકાદિનો તેમજ પાત્રગત વિવિધ સ્તરની ભાષાનો સમર્થ ઉપયોગ લેખકે કર્યો છે. ભદ્રંભદ્રના સમાગમમાં આવતાં આર્યધર્મપક્ષી પાત્રો પ્રસન્નમનશંકર, કુશલવપુશંકર, વલ્લભરામ, સંયોગીરાજ, ત્રવાડી આદિ કોઈ ને કોઈ ખાસિયતથી હાસ્ય ઉપજાવે છે. જુદાં જુદાં પાત્રોના સર્જનમાં રમણભાઈએ વેદાન્તનિષ્ઠ જડધર્મની અને તત્કાલીન સમાજમાં પ્રવર્તતી જુનવાણી વહેમી માનસની ઠેકડી ઉડાવી સનાતનધર્મીઓનાં મિથ્યાભિમાન અને દંભ પર પ્રહાર કર્યા છે. એમ કરવામાં ક્યારેક વિનોદનો ભોગ અપાયો છે. આરંભનું પ્રસંગનિષ્ઠ કે સંવાદનિષ્ઠ હાસ્ય ઉત્તર‘ભદ્રંભદ્ર’માં દીર્ઘસૂત્રી નિરૂપણ, પ્રલંબ વાદવિવાદ, ભાષણબાજી અને સ્થૂલ કલ્પનામાં અટવાઈ જાય છે અને કથાનો પ્રવાહ કંઈક ક્લિષ્ટ, નીરસ અને દુર્બોધ બને છે.

કથા લખાઈ ત્યારે તત્કાલીન વ્યક્તિવિશેષો અને પ્રસંગવિશેષોને નજરમાં રાખ્યા હોવાથી ‘ભદ્રંભદ્ર’ નવલકથા ટીકાપાત્ર પણ બની હતી. આજે પણ જ્યાં જુનવાણી માનસ અને પ્રસંગ ઉપસ્થિત થાય છે ત્યાં એનું હાસ્ય પ્રસ્તુત બને છે અને કાળવિશેષનો વ્યક્તિનિષ્ઠ આક્ષેપાત્મક ડંખીલો ઉપહાસભાવ આજની પેઢી માટે મૂળ લક્ષ્યસ્થાનો ભુલાયાં હોવાથી નિર્દોષ હાસ્યભાવ ધારણ કરતો લાગે છે.

અત્યુક્તિ, ક્યાંક સ્થૂળ હાસ્ય, સ્ત્રીપાત્રનો અભાવ આદિ મર્યાદાઓ છતાં ‘ભદ્રંભદ્ર’થી ચડિયાતી અન્ય નવલકથા ગુજરાતી સાહિત્યની હાસ્યસૃષ્ટિમાં હજી રચાઈ નથી એમ માનવામાં આવે છે. સર્વાન્તીસની ‘ડૉન કિહોતી’ અને ડિકન્સની ‘પિક્વિક પેપર્સ’ નવલકથાઓ રમણભાઈને પ્રેરક નીવડી હોવાનો સંભવ છે. ડૉન કિહોતી અને સાન્કો પાન્ઝા જેવા ભદ્રંભદ્ર અને અંબારામનાં પાત્રોને ગુરુશિષ્યના સંબંધે બહેલાવ્યાં છે. ભદ્રંભદ્ર વિશેષનામ મટીને આજે સામાન્ય નામ બની રહ્યું છે અને અતિ સંસ્કૃતમય વાણી, જુનવાણી મનોવૃત્તિ, ધાર્મિક જડતાને આજે પણ ‘ભદ્રંભદ્રીય’ વિશેષણથી ઉલ્લેખવામાં ને ઓળખવામાં આવે છે. રમણભાઈએ ‘ભદ્રંભદ્ર’ના સર્જનમાં ઉપર્યુક્ત બે વિદેશી નવલકથાઓની અસર ઝીલી હોય તોપણ તેમાં રમણભાઈની મૌલિકતા–સર્જકતા પ્રબળ છે. એમની પ્રખર સર્જકતાનું તે સુફળ છે. વિકાસને પ્રેરનારાં પરિબળોની જેમ વિકાસને અવરોધનારાં પરિબળો પણ પ્રામાણિક હોઈ શકે. બે પ્રામાણિક માન્યતાઓમાંથી જન્મતો સંઘર્ષ દરેક યુગમાં જોવા મળે છે. ‘ભદ્રંભદ્ર’ નવલકથા તે સમયની કેટલીક વ્યક્તિઓના જુનવાણી માનસની આલોચના કરવા આરંભાઈ હતી, પરંતુ આખરે એ વ્યક્તિલક્ષી આલોચના બની રહેવાને બદલે રૂઢિવાદી માનસની નિર્મળ, નિર્દંશ આલોચના કરતી સમર્થ કલાકૃતિ બની રહી. રમણભાઈના હૃદયમાં પ્રાચીનતાના પક્ષકારો માટે અંગત કશો દ્વેષભાવ નહોતો. એટલે જ કલાના રસાયણમાં અંગતતા ઓગળી ગઈ અને ગુજરાતી ભાષાને એક ચિરંજીવ નવલકથા મળી.

‘ભદ્રંભદ્ર’નો અપૂર્વ હાસ્યરસ પ્રથમ પ્રકરણથી જ વહેવો શરૂ થાય છે અને 6 પ્રકરણ સુધી પુષ્ટ થતો રહે છે. ‘ભદ્રંભદ્ર’ની હાસ્યનિષ્પત્તિમાં સંસ્કૃતપ્રચુર સંવાદોનો મહત્વનો ફાળો છે. સાતમા પ્રકરણથી ‘ભદ્રંભદ્ર’નાં લાંબાં-લાંબાં ભાષણ-સંભાષણથી ઊભી થતી એકવિધતાથી હાસ્યરસમાં ઓટ આવવી શરૂ થાય છે. અલબત્ત, 13 પ્રકરણ સુધી હાસ્યનો જાદુ ટકી રહ્યો છે, પણ પ્રથમ 6 પ્રકરણોમાં હાસ્યરસની જેવી જમાવટ છે તેવી જમાવટ તે પછી એકમાત્ર પચ્ચીસમા પ્રકરણ ‘કૉર્ટમાં કેસ ચાલ્યો’માં જ છે. આ પ્રકરણમાં ફરી હાસ્યની છોળો ઊડે છે. પણ આ સિવાયનાં પ્રકરણોમાં હાસ્યપ્રવાહની પ્રભાવકતા ઓછી વરતાય છે. ‘ભદ્રંભદ્ર’માં જેમ હાસ્યરસ એકધારો અને એકસરખો નથી તેમ સ્વરૂપની ર્દષ્ટિએ પણ નવલકથાની સુશ્લિષ્ટતા તેમાં સાંગોપાંગ જળવાઈ નથી. ભદ્રંભદ્રનાં લાંબાં લાંબાં ભાષણો, અન્ય પાત્રો સાથેની તેમની લાંબી લાંબી ચર્ચાઓ નવલકથાની સુશ્લિષ્ટતાને જોખમાવે છે. આ બધું છતાં 1900માં સર્જાયેલી આ નવલકથા આજે પણ ગુજરાતી હાસ્ય-સાહિત્યની બેનમૂન કૃતિ ગણાય છે. ભદ્રંભદ્રને ઝાંખું પાડે એવું હાસ્યરસનું બીજું પાત્ર ગુજરાતી સાહિત્યમાં આજે આટલાં વરસેય સર્જાયું નથી.

રતિલાલ બોરીસાગર

મનોજ દરુ