ભદ્રબાહુસંહિતા

January, 2001

ભદ્રબાહુસંહિતા : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો શ્રુતકેવલી ભદ્રબાહુએ રચેલો ગ્રંથ. તેની હસ્તપ્રત ઈ.સ. 1424માં લખાયેલી પ્રાપ્ત થાય છે. તેથી ઈ.સ.ની પંદરમી સદીમાં તે રચાયેલો મનાય છે.

આ ગ્રંથનું સંપાદનપ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ–વારાણસી દ્વારા જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા સૌપ્રથમ ઈ.સ. 1944માં 18 ફેબ્રુઆરીના રોજ થયું. તેની બીજી આવૃત્તિ ઈ.સ. 1959ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થઈ. તેની ત્રીજી આવૃત્તિ ઈ.સ. 1995માં ભારતીય જ્ઞાનપીઠ–નવી દિલ્હી દ્વારા પ્રગટ કરવામાં આવી છે.

આમ આ સંહિતાની આવૃત્તિઓ જોતાં તે સામાન્ય રીતે જનસમાજમાં ખૂબ જ પ્રચલિત હોય તેવું જણાય છે.

આ ગ્રંથમાં ‘સંહિતા’ સ્કંધને અનુરૂપ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. પ્રાચીન સંહિતાઓના પ્રમાણમાં આ સંહિતાગ્રંથ મધ્યકાળનો એટલે અર્વાચીન ગણાય. વરાહમિહિર આદિ ‘સંહિતા’ઓને આ ગ્રંથ અનુસરે છે.

આ ગ્રંથ લેખક ભદ્રબાહુ અને તેમના શિષ્યોના સંવાદરૂપે રચાયો છે. 30 અધ્યાયોના બનેલા આ ગ્રંથમાં મંગલાચરણ મહાવીર સ્વામીની વંદનાથી કરવામાં આવ્યું છે. તેમાં નિમિત્ત એટલે પર્યાવરણ-કુદરતના વિષયોને અને તેના પ્રકોપ કે શમનની સમજ આપવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં તેના વિશે શિષ્યો લેખકને પ્રશ્નો પૂછે છે. બીજા અધ્યાયમાં ભદ્રબાહુ સ્વામીના ઉત્તરો છે. ત્રીજામાં આકાશી ઉલ્કાઓ, ચોથામાં પરિવેશ(ચંદ્ર-સૂર્ય)નો ભેદ, પાંચમા અધ્યાયમાં વિદ્યુતભેદ, છઠ્ઠામાં વાદળોની આકૃતિઓ અને તેના પ્રકારોની સમજ વિસ્તારથી આપવામાં આવી છે.

આ ઉપરાંત સંધ્યાભેદ, મેઘભેદ, વાયુભેદ, પ્રવર્ષણ અર્થાત્ વર્ષાજ્ઞાન, ગાંધર્વનગરની રચના, મેઘગર્ભકથન, યાત્રા-રાજયાત્રા વિશેનાં નિયમો અને શિસ્ત, કુદરતી ઉત્પાતો, વિવિધ વાર વિશેની વિસ્તૃત છણાવટ, ગુરુના ઉદયાસ્ત તેમજ તેના અન્ય ચંદ્રો, અન્ય ગ્રહોનાં ઉદય-અસ્ત અને ગતિ, ગ્રહયુદ્ધ, વાર્તિક, તેજી-મંદી, સ્વપ્નશાસ્ત્ર, મુહૂર્તશાસ્ત્ર, તિથિ, કરણ, નિમિત્તશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, પાકશાસ્ત્ર, જ્યોતિષ, ફળ-જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર શુભાશુભ ચિહ્ન, દિવ્ય ઔષધ, ગ્રહોનાં બલાબલ, વિરોધ, જય-પરાજય જેવા વિષયો 29 મુખ્ય અધ્યાયોમાં રજૂ થયા છે. ત્રીસમો અધ્યાય પરિશિષ્ટરૂપ છે. તેમાં જૈનશાસ્ત્રને અનુરૂપ અનિષ્ટ-અરિષ્ટ અને અશુભનિવારણ માટેના મંત્રો વિશે સમજ આપવામાં આવી છે. કેવા પ્રકારનાં સ્વપ્ન આવે તો ધન-વૈભવ પ્રાપ્ત થાય તેનું નિરૂપણ સરલ રીતે કર્યું છે. અધ્યાય 15ને અંતે ‘ભદ્રબાહુવચો યથા’ સુધીનો ગ્રંથ પ્રાચીન માનવામાં આવે છે. અધ્યાય 28-29-30 અર્વાચીન પ્રક્ષેપ છે.

બટુક દલીચા