ભટનાગર, શાંતિસ્વરૂપ (જ. 21 ફેબ્રુઆરી 1894, ભેરા, જિ. શાહપુર; અ. 1 જાન્યુઆરી 1955, દિલ્હી) : ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવંતા કવિ.
તેમણે શાળાનું શિક્ષણ લાહોરમાંથી લીધું. અભ્યાસમાં તેજસ્વી હતા અને ખાસ કરીને ઉર્દૂ ભાષાના સારા અભ્યાસી હતા. 1916માં બીએસ.સી.ની ઉપાધિ મેળવી. દયાળસિંઘ કૉલેજ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ મળતાં તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા. લંડનની રામસે પ્રયોગશાળામાં સંશોધન કરીને ડૉક્ટરેટ મેળવી. બ્રિટનના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગની ફેલોશિપ મેળવ્યા બાદ તેઓ ભારત પાછા ફર્યા.
ભારત આવી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે 1921–24 સુધી કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રાસાયણિક સંશોધન પ્રયોગશાળાના નિયામક તરીકે 1924–40 સુધી રહ્યા. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારપછી 1940માં તેઓ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન બોર્ડના નિયામક તરીકે નિમાયા. ભારતની આઝાદી બાદ તેમણે શિક્ષણ વિભાગ, પરમાણુ ઊર્જા પંચ અને વૈજ્ઞાનિક સંશોધન વિભાગમાં સચિવ તરીકે સફળ કામગીરી બજાવી.
બ્રિટનની સરકારે 1936માં તેમને ઓ.બી.ઈ.(Order of British Empire)નો ઇલકાબ આપ્યો. આ સમયે લંડનની રૉયલ સોસાયટીની ફેલોશિપ મળી. તેમને લંડનની રસાયણ-ઉદ્યોગ સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ મળ્યું.
1938માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના રસાયણ વિભાગના અધ્યક્ષ તરીકે રહ્યા. 1945માં આ કૉંગ્રેસના તેઓ સર્વાધિક (general) પ્રમુખ તરીકે વરણી પામ્યા. 1935માં ભારતના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સિઝના સ્થાપક-ફેલો તરીકે કાર્ય કર્યું અને 1947–48માં તેના પ્રમુખ તરીકે તેઓ રહ્યા.
પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ અને સંરક્ષણ માટે રાષ્ટ્રસંઘ- (UN)ના નેજા હેઠળ ન્યૂયૉર્કમાં 1948માં પરિષદ યોજાઈ. આ પરિષદમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેમણે કર્યું હતું.
રસાયણશાસ્ત્રમાં ચુંબકત્વના વિનિયોગ ઉપર અને પાયસ (emulsion) ઉપર તેમણે સઘન સંશોધન કર્યું છે. આ વિષયો ઉપર તેમણે ઘણા સંશોધન-લેખો પ્રસિદ્ધ કર્યા છે.
આઝાદી પૂર્વે ભારતને વિવિધ ક્ષેત્રે જૂજ વિજ્ઞાનીઓ મળ્યા છે. આ વિજ્ઞાનીઓ 1940–50ના સમય દરમિયાન મહદંશે શુદ્ધ વિજ્ઞાન ઉપર સંશોધન કરતા હતા. પ્રયુક્ત વિજ્ઞાનના ક્ષેત્રે નિષ્ણાતો અને વિજ્ઞાનીઓની તંગી પ્રવર્તતી હતી. વળી ઉદ્યોગોનું સંકલન કરે તેવા આયોજકો અને સંગઠનકર્તાની આ સમયે તાતી જરૂરિયાત હતી. આઝાદી બાદ આર્થિક ક્ષેત્રે પ્રશાંતચંદ્ર મહલાનોબીસ, ઊર્જા અને અંતરીક્ષ સંશોધન-ક્ષેત્રે હોમી ભાભા અને વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધનક્ષેત્રે શાંતિસ્વરૂપ ભટનાગરનું માર્ગદર્શન ભારતને મળ્યું. આ રીતે તેમણે ભારતના ઉત્કર્ષમાં સિંહફાળો આપ્યો છે.
આઝાદી પૂર્વે સંશોધનકાર્ય ખાસ કરીને કૉલકાતા ખાતે ચાલતું હતું. વળી અલ્લાહાબાદ અને જૂજ યુનિવર્સિટીઓમાં અલ્પાંશે સંશોધનકાર્ય ચાલતું હતું. આથી વિજ્ઞાન અને ઉદ્યોગોના સંકલનનો ખ્યાલ તેમને આવ્યો; કારણ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રયુક્ત સંશોધનની જરૂર જણાઈ. પરિણામે તેમણે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને સંશોધન-સંસ્થાઓનું આયોજન કર્યું. આવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રયુક્ત સંશોધનનો હેતુ રહેલો છે. આવી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં કરેલું સંશોધન સીધેસીધું ઔદ્યોગિક ક્ષેત્રે જાય તો જ ઉત્પાદન વેળાસર મળે, અને તો જ રાષ્ટ્રની ભૌતિક પ્રગતિ ઝડપથી સધાય. તેમના ર્દષ્ટિવંત પ્રયાસોને કારણે દિલ્હીમાં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL), પુણેમાં રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા (NCL), હૈદરાબાદમાં ભૂભૌતિકવિજ્ઞાનની, ગોવામાં સમુદ્રવિજ્ઞાનની, બૅંગ્લોરમાં વૈમાનિકીની, જમશેદપુરમાં ધાતુવિદ્યાની અને પિલાણીમાં ઇલૅક્ટ્રૉનિક્સની પ્રયોગશાળાઓ ચાલુ કરી.
બૅંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ માટે જેમ્સ ઇરવિનના અધ્યક્ષપદે પરામર્શ સમિતિ નિમાઈ હતી, તેના સભ્યપદે વાઇસરૉયે ભટનાગરને નીમ્યા હતા.
સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research) જેવી સક્રિય સંસ્થાના નિર્માણનો સાચો યશ ભટનાગરને ફાળે જાય છે. આઝાદી પહેલાં આ સંસ્થા પુરવઠા અને ઉદ્યોગોના એક વિભાગ તરીકે કાર્યરત હતી. અને મહદંશે યુદ્ધલક્ષી કામગીરીને ટેકો મળે તેવો આ સંસ્થાનો હેતુ હતો. આઝાદી બાદ આયોજન વિભાગ શરૂ કરવામાં આવ્યો અને સી.એસ.આઇ.આર.ને તેની સાથે જોડી દેવામાં આવી. નહેરુ તેના અધ્યક્ષ બન્યા. આ સમયે ભટનાગરે સી.એસ.આઇ.આર.નો વ્યાપ વધાર્યો. તેમણે સમગ્ર રાષ્ટ્ર માટે જાળતંત્ર (network) તૈયાર કર્યું. ભારતમાં ઘણાં સ્થળોએ સી.એસ.આઇ.આર.ના નેજા હેઠળ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ ઊભી કરવામાં આવી.
ભારતના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
પ્રહલાદ છ. પટેલ